National

દેશના 7 રાજ્યોમાં હીટવેવની ચેતવણી: કેરળમાં ક્યારે પહોંચશે ચોમાસું?, હવામાન ખાતાએ કરી આગાહી

નવી દિલ્હી: દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં ગરમીનું મોજું ચાલુ છે. રાજસ્થાનના ચુરુ અને હરિયાણાના સિરસામાં મંગળવારે તા. 28 મે, 2024ના રોજ તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું. જ્યારે દિલ્હીના મુંગેશપુર અને નરેલામાં 49 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું.

મે મહિનાના મોટા ભાગના દિવસોમાં ગરમી યથાવત રહી હતી. આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલ એ છે કે જૂનમાં હવામાન કેવું રહેશે? જૂનમાં ગરમીથી રાહત મળશે? આ પ્રશ્નોના જવાબ આપતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે, જૂન મહિનામાં પણ દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના મોટાભાગના ભાગોમાં ગરમી રહે તેવી સંભાવના છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે જૂન મહિનામાં દેશના મોટાભાગના રાજ્યોમાં ગરમીનું મોજું રહેશે. IMDએ જણાવ્યું હતું કે, દક્ષિણ દ્વીપકલ્પના ભારતના ઘણા ભાગો સિવાય જૂનમાં દેશના મોટાભાગના ભાગોમાં માસિક મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.

જૂનમાં દિલ્હી, હરિયાણા અને પંજાબમાં કેવું રહેશે હવામાન?
હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે દેશના મોટાભાગના ભાગોમાં જૂનમાં તાપમાન સામાન્ય કરતા વધુ હોઈ શકે છે. IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, જૂન મહિનામાં દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાન સહિત ભારતના મોટાભાગના ભાગોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ભેજનું પ્રમાણ પણ વધશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જૂન મહિનામાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ગુજરાતના કેટલાક ભાગોમાં ઉત્તર મધ્ય પ્રદેશ અને ઉત્તર-પશ્ચિમ ભારતના રાજ્યોમાં, તીવ્ર ગરમીનું મોજું સામાન્ય કરતાં વધુ દિવસો સુધી રહી શકે છે.

મહાપાત્રાએ કહ્યું, ઉત્તર-પશ્ચિમ ભારતમાં, સામાન્ય રીતે જૂન મહિનામાં ગરમીનું મોજું ત્રણ દિવસ સુધી રહે છે પરંતુ આ વખતે આવી સ્થિતિ આ વિસ્તારોમાં બે-ચાર દિવસ વધુ રહી શકે છે.

આ રાજ્યોમાં તીવ્ર ગરમીની ચેતવણી
હવામાન વિભાગે 30 મેના રોજ 7 રાજ્યો માટે તીવ્ર ગરમી અને હીટવેવની સ્થિતિની ચેતવણી જારી કરી છે. પંજાબ, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગરમી અને હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સિવાય ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, જમ્મુ, હિમાચલ પ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ગરમીની લહેર આવવાની શક્યતા છે. 

કેરળમાં ચોમાસું શરૂ થઈ શકે છે, 
હવે સવાલ એ છે કે આ કાળઝાળ ગરમીમાંથી આપણને ક્યારે રાહત મળશે? હવામાન વિભાગે પણ આ અંગે રાહતના સમાચાર આપ્યા છે. જણાવવામાં આવ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન કેરળમાં ચોમાસું શરૂ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-પૂર્વના કેટલાક વિસ્તારોમાં ચોમાસા માટે સાનુકૂળ સ્થિતિ પણ સર્જાઈ રહી છે.

મે મહિનામાં હવામાન કેવું રહ્યું?
મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે મે મહિનામાં રાજસ્થાન અને ગુજરાતમાં 9થી 12 દિવસ સુધી ગરમીનું મોજું રહ્યું હતું. મે મહિનામાં ગરમીનું મોજું બે તબક્કામાં આવ્યું હતું. તીવ્ર ગરમીના મોજાનો પ્રથમ તબક્કો 1 મે થી 5 મે સુધી ચાલ્યો હતો. હીટ વેવનો બીજો તબક્કો ઉત્તર-પશ્ચિમ ભારતમાં 16 મેથી શરૂ થયો હતો અને અત્યાર સુધી ચાલુ છે.

Most Popular

To Top