સુરત: સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પીએમ રૂમના કર્મચારીઓ દ્વારા પરપ્રાંતિયો પાસે મૃતદેહ પેકિંગ કરવાના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. હવે પોસ્ટમોર્ટમ રૂમનો સ્ટાફ મડદાનો પણ ધંધો કરી રહ્યા છે. આ ગંભીર મામલે સંખ્યાબંધ ફરિયાદો હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
ખાસ કરીને પરપ્રાંતિયોના મોત બાદ મૃતદેહ પરિવાર મૂળ વતનમાં લઇ જવા માટે તૈયારી કરતા હોય છે, ત્યારે હોસ્પિટલના સ્ટાફના માણસો દ્વારા બોડી પેકિંગના નામે રૂ.5થી 15 હજારની માંગણી કર્યા બાદ 1500થી 3000 રૂપિયા પડાવી લેવામાં આવે છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા મૃતક પરિવારને મદદ કરવાને બદલે લૂંટવાનો કારસો રચી રહ્યા છે. ચોવીસ કલાકથી બોતેર કલાક સુધી યાત્રા કરવાની હોય છે ત્યારે જે તે ગરીબ પરિવારજનોને આ રીતે ઉઘાડછોડ લૂંટવામાં આવી રહ્યા છે. આ મામલે ઉપરી અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે પોતાના આપ્તજન ગુમાવી ચૂકેલા ગરીબ મજૂરોએ હજારો રૂપિયા આપવા પડે છે.
સ્મીમેરમાં ફ્રીમાં લાશને પેકિંગ કરવાની સવલત હોવા છતાં નીચલો સ્ટાફ નાણાં પડાવે છે
પ્રાપ્ત વિગતો મુજબ સુરત મહાનગર પાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા હોસ્પિટલમાં મૃત્યુ પામતા તથા શહેર પોલીસના ઝોન-1ના પોલીસ સ્ટેશનોમાં મૃત્યુ પામતા લોકોનું પોસ્ટમોર્ટમ મફતમાં કરી આપવામાં આવે છે. સ્મીમેર હોસ્પિટલમાં દરરોજ 5થી 7 જેટલા મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે આવતા હોય છે. જેમાં ખાસ કરીને મોટા ભાગના પોસ્ટમોર્ટમ પરપ્રાંતિય અને સૌરાષ્ટ્રના લોકોના કરવામાં આવે છે. વરાછા, કાપોદ્રા, ઉધના, લિંબાયત, ડિંડોલી અને અમરોલી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિયોઓના મૃતદેહના પોસ્ટમોર્ટમ સ્મીમેર હોસ્પિટલના સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. તબીબો તો પોસ્ટમોર્ટમ કરીને એસી ઓફિસમાં બેસી જાય છે, પરંતુ ગરીબ અને પરપ્રાંતિય લોકોને લૂંટી લેવામાં આવે છે.
મૃતદેહ પેકિંગના હજારો રૂપિયા માંગવામાં આવે છે
મૃતદેહના પેકિંગ માટેની જવાબદારી સફાઇ કામદારોની હોય છે. પરપ્રાંતિય પરિવાર દ્વારા પોતાના સંબંધીના મૃતદેહ મૂળ વતન યુપી, બિહાર, ઝારખંડ જેવાં રાજ્યોમાં લઇ જવાની તૈયારી કરવામાં આવે છે. ત્યારે જ પીએમ રૂમના સફાઇ કામદારો દ્વારા પરિવારને મૂળ વતનમાં મૃતદેહ લઇ જવા માટે 30થી 40 કલાકનો રસ્તો તથા ત્યાં લઇ જતા મૃતદેહ સડી જવાની ધમકી આપવામાં આવે છે.
આ સાથે સ્ટાફ દ્વારા કેમીકલથી બોડીને કવર્ડ કરી આપવાના નામે રૂ.5000થી 15000ની માંગણી પરપ્રાંતિય પરિવાર પાસે માંગણી કરવામાં આવે છે. પરિવાર પાસે રૂપિયાની સગવડ નહીં હોવાથી તેને ઓછા કરવા આજીજી કરવામાં આવે છે. જો કોઇ નાણાં નહીં આપી શકે તો છેલ્લા પાંચસો રૂપિયા પણ ખંખેરી લેવામાં આવે છે. આ મામલામાં સ્ટાફના કિશોર અને વિનોદ સામે સંખ્યાબંધ ફરિયાદો વારંવાર કરવામાં આવી રહી હોવાની વિગત જાણવા મળી છે. સ્થાનિક સ્ટાફનો પગાર પચ્ચીસ હજાર સુધી હોય છે. તેમ છતાં આ રીતે લૂંટ કરીને માનવતાને લજવવામાં આવી રહી છે.
તમામ કામગીરી મફતમાં કરી આપવામાં આવે છે
સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી પોસ્ટમોર્ટમની તમામ કામગીરી મફતમાં કરી આપવામાં આવે છે. પરંતુ સ્ટાફ દ્વારા રૂપિયા લેતા હોવાની ફરિયાદ આવશે તો તેની ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્કવાયરી શરૂ કરવામાં આવશે.
- ડો. ઇલ્યાસ શેખ, પીએમ ડિપાર્ટમેન્ટના વડા
શું કહે છે સિનિયર આરએમઓ
હોસ્ટિપટલના વહીવટી તંત્ર દ્વારા પીએમ રૂમની બહાર આ કામગીરી મફતમાં થતી હોવાનું પાટિયું મારવામાં આવ્યું છે. તેમ છતાં જો લોકો નાણાં આપતા હોય તો અમે કાંઇ કરી શકીએ તેમ નથી. સિનિયર આરએમઓ ડો.જયેશ પટેલે આ વિગત જણાવી હતી.