ઓસ્ટ્રેલિયા સામે અહીં ભારતીય ટીમ ગુરૂવારે જ્યારે ત્રીજી ટેસ્ટ માટે મેદાનમાં ઉતરશે ત્યારે ટીમમાં બે મહત્વના ફેરફાર જોવા મળી શકે છે. એવું માનવામાં આવે છે કે ભારતીય ટીમ મયંક અગ્રવાલને સ્થાને રોહિત શર્માને ઓપનર તરીકે ટીમમાં સામેલ કરશે, જ્યારે બીજી તરફ ઇજાગ્રસ્ત ઝડપી બોલર ઉમેશ યાદવના સ્થાને અંતિમ ઇલેવનમાં શાર્દુલ ઠાકુર અથવા નવદીપ સૈનીમાંથી એકનો નંબર લાગી શકે છે. આ તરફ એવા પણ સંકેત મળ્યા છે કે આ બંનેને બાજુ પર મુકીને ટી નટરાજનને ટેસ્ટ ડેબ્યુની તક મળી શકે છે.
મયંક અગ્રવાલે પોતાની છેલ્લી 8 ટેસ્ટ ઇનિંગમાં 7થી મોટો સ્કોર બનાવ્યો નથી તેથી ટીમ મેનેજમેન્ટે તેને બહાર બેસાડવાનો નિર્ણય કરી લીધો છે. પહેલા એવી ચર્ચા હતી કે ઓપનીંગ જોડીને જાળવી રાખીને રોહિતને હનુમા વિહારીને સ્થાને મિડલ ઓર્ડરમાં સમાવવામાં આવશે. આ તરફ ત્રીજા બોલર માટે મોટા ભાગે શાર્દુલ ઠાકુરનું નામ નક્કી મનાય રહ્યું છે. જો કે કેટલાક અનુભવી ખેલાડીઓ માને છે કે સિડનીની વિકેટ પર નવદીપ સૈની પોતાની ઝડપી બોલિંગથી ઓસ્ટ્રેલિયન ટીમને મુશ્કેલીમાં મુકી શકે છે અને તેના કારણે તેનું નામ વિચારણા હેઠળ છે.
જો વાદળછાયુ વાતાવરણ રહે અને વિકેટમાં ભીનાશ હશે તો શાર્દુલને જ રમાડાશે
અહીં રમાનારી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમમાં ત્રીજા બોલર તરીકે શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની કે ટી નટરાજનમાંથી એકનો સમાવેશ કરવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે એવું જાણવા મળ્યું છે કે ખરાબ હવામાનને કારણે સિડનીમાં મુખ્ય પીચને ઢાંકી રાખવામાં આવી હતી અને તેના કારણે ત્રીજા બોલર અંગે નિર્ણય થઇ શક્યો નહોતો. બુધવારે પીચ અને પરિસ્થિતિ જોઇને નિર્ણય કરાશે. જો વાદળછાયુ વાતાવરણ રહેશે અને પીચમાં ભીનાશ હશે તો શાર્દુલનો સમાવેશ નક્કી થઇ જશે.