અંકલેશ્વર,ભરૂચ: અંકલેશ્વરના બાકરોલ ગામની સીમમાં આગનો બનાવ બનતા દોડધામ મચી હતી. પ્રાથમિક તબક્કે કચરાના ઢગલામાં અચાનક આગ લાગી હોવાનું અનુમાન લગાવી તેને બુઝાવવા સ્થાનિકોએ પ્રયાસ કર્યો પણ સ્થિતિ કાબુમાં ન આવતા ફાયર બ્રિગેડને મદદે બોલાવાયા હતા.
પ્રાથમિક તપાસમાં કચરાના ઢગલામાં કેમિકલ વેસ્ટ હોવાની પણ શંકા ખુદ અધિકારીઓને જન્મી હતી. બનાવ સંદર્ભે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. નેશનલ હાઇવેને અડીને નિકાલ કરાયેલ કચરાના ઢગલામાં આ આગ લાગી હતી.
ખુલ્લા પ્લોટમાં રસાયણિક ઘન કચરાનો નિકાલ કરાયો હોવાની તંત્રને શંકા છે જેમાં આગ લાગી ગઈ હતી. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. રાસાયણિક કચરા અંગે પોલીસ સહિતની એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.
રાજપારડી ગ્રામ પંચાયત કચેરીમાં આગ લાગતાં દોડધામ
ઝઘડિયા: ઝઘડિયાના રાજપારડી ખાતે ગ્રામ પંચાયત કચેરીમાં રવિવારે રાત્રિ દરમિયાન આગ લાગતાં ભારે અફડાતફડી મચીગઈ હતી. આગ લાગી હોવાની જાણ થતાં ગ્રામજનો અને પંચાયત હોદ્દેદારો ગ્રામ પંચાયત કચેરી ખાતે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. ત્યારબાદ અગ્નિશામક દળો બોલાવીને પાણીનો મારો ચલાવ્યો હતો.
આગ કયાં કારણોસર લાગી એ ચોક્કસપણે જાણી શકાયું નથી. જો કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક ધોરણે અનુમાન છે. આગ લાગવાની ઘટનામાં ગ્રામ પંચાયત કચેરીમાં જરૂરી સામાન, ફાઇલો સહિતની જરૂરી સાધનિક કાગળોને નુકસાન થયું હતું. જો કે, આગ લાગતાં પંચાયતને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.