બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાનાં બાબેન ગામે રહેતી પરિણીતાએ દહેજની (Dowry) માગ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા પતિ, સાસુ અને સસરા સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બારડોલી તાલુકાનાં શબરી ધામમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરના વતની અર્જુનસિંહ ચૌહાણની 31 વર્ષીય પુત્રી જ્યોતિના લગ્ન બાબેનની સિદ્ધિવિનાયક રેસિડેન્સીમાં રહેતા વિજયસિંહ રામકિશોર રાઠોડ સાથે થયા હતા. લગ્નના બીજા જ દિવસે વિજયસિંહે ‘જ્યોતિ મને ગમતી નથી છતાં જબરજસ્તી મારી સાથે લગ્ન (Marriage) કરાવી દીધા’ હોવાનું જણાવી જ્યોતિ સાથે અભદ્ર વ્યવહાર કરવા લાગ્યો હતો. પતિના દબાણને વશ થઈ જ્યોતિ તેના પિતા પાસેથી 50 હજાર રૂપિયા લઈ આવી હતી પરંતુ ત્યારબાદ પણ પતિ ઉપરાંત તેના સાસુ મનોરમા રાઠોડ અને રામકિશોરસિંહ રામનાથ રાઠોડ દ્વારા મેણાં ટોણાં મારી હેરાન પરેશાન કરવામાં આવતી હતી.
- બારડોલી તાલુકાનાં બાબેન ગામે રહેતી પરિણીતાએ દહેજની માગ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ
- લગ્નના બીજા જ દિવસે પતિ વિજયસિંહે ‘ પત્ની જ્યોતિને મને તું ગમતી નથી છતાં જબરજસ્તી મારી સાથે લગ્ન કરાવી દીધા’ હોવાનું જણાવ્યું હતું
- લગ્નના ચોથા દિવસે બેરહેમ પતિએ પત્ની જ્યોતિને શારીરિક સંબંધ બાંધવા માર માર્યો હતો
સસરાએ રામકિશોરે “હું એકવાર મર્ડર કરી ચૂક્યો છું હું કોઇથી ગભરાતો નથી જો તું વધારે માથાકૂટ કરશે તો તને પણ મારી ને ફેંકી દઈશ” એવી ધમકી આપતા જ્યોતિ ગભરાય ગઈ હતી. વારંવાર શારીરિક માનસિક ત્રાસથી પરેશાન જ્યોતિ તેના પિતાના ઘરે રહેવા જતી રહી હતી. દરમ્યાન સોમવારના રોજ તેણીએ સુરત જિલ્લા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરતાં પોલીસે તેના પતિ વિજયસિંહ રામકિશોર રાઠોડ, સસરા રામકિશોર રામનાથ રાઠોડ અને સાસુ મનોરમા કિશોરસિંહ રાઠોડ (બંને રહે શિવગણેશ પાર્ક સોસાયટી, ન્યુ આર.ટી.ઑ. વસ્ત્રાલ અમદાવાદ)ની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લગ્નના ચોથા દિવસે બેરહેમ પતિએ પત્ની જ્યોતિને શારીરિક સંબંધ બાંધવા માર માર્યો હતો.
લગ્નના ચોથા દિવસે શારીરિક સંબંધ બાંધવા બાબતે જ્યોતિ સાથે મારઝૂડ કરવા લાગ્યો હતો. આ ઉપરાંત ધંધામાં દેવું વધી ગયું હોય તેમ જણાવી પિતા પાસેથી એકલાખ રૂપિયા લઈ આવવા માટે દબાણ કરવામાં આવતું હતું.