SURAT

સ્માર્ટ મીટર સામે સુરતમાં વધતો આક્રોશ, પુણાના રહીશોએ 5000 વાંધા અરજી DGVCLને આપી

સુરત: સ્માર્ટ મીટરના લીધે વીજ ખર્ચ વધારે આવતો હોવાની ઉઠેલી ફરિયાદો બાદ હવે લોકો આ નવું સ્માર્ટ વીજ મીટર તેમના મકાનોમાં લગાડવા માંગતા નથી. આજે પુણા વિસ્તારના 5000 લોકોએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીને વાંધા અરજી આપી સ્માર્ટ મીટર સામે પોતાનો વાંધો રજૂ કર્યો હતો.

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગયા મહિને પીપલોદ વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરી સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ વીજકંપનીનો થયો છે. વારંવાર રિચાર્જ માટે એડવાન્સ પેમેન્ટ કરવું પડતું હોય સ્માર્ટ મીટર સામે લોકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. જે લોકોના ઘરે સ્માર્ટ મીટર લાગ્યા છે તે સ્માર્ટ મીટર હટાવી લેવા રજૂઆત કરી રહ્યાં છે, તો બીજી તરફ પુણા વિસ્તારના રહીશોએ પાણી પહેલાં જ પાળ બાંધવાનું શરૂ કર્યું છે. પુણાના રહીશોએ સ્માર્ટ મીટરનો પહેલાથી જ વિરોધ શરૂ કરી દીધો છે, જેમાં હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે.

સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. પુણા વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા 5 હજાર જેટલા વાંધા અરજી લોકો પાસે લખાવવામાં આવી હતી. આ અરજીઓ કોંગ્રેસના નેજા હેઠળ ડીજીવીસીએલની વડી કચેરી કાપોદ્રા ખાતે સબમિટ કરાવવામાં આવી હતી. લોકોની સોસાયટીએ જઈને તેમને સ્માર્ટ મીટરના ગેરફાયદા જણાવીને વિરોધ કરવામાં આવ્યો હતો.
સ્માર્ટ મિટર નહીં લગાવવા માટે અરજી આપવામાં આવી છે.

કોંગ્રેસના દિનેશ સાવલિયાએ કહ્યું કે, લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે અમે જિલ્લા કોંગ્રેસના તમામ લોકોએ વિરોધ કરવાનું નક્કી કર્યું અને તેમાં ગ્રાહક નંબર સહિતની અરજી કરીને પાંચ હજાર અરજીઓ પ્રથમ તબક્કાની લઈને વિરોધ કરાયો છે. આ જ રીતે સ્માર્ટ મીટરનો બાયકોટ યથાવત રહેશે.

Most Popular

To Top