સુરતમાં ઉત્તરાયણ તહેવાર સામે જ સુરતીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના રાંદેર વિસ્તારમાંથી ડુપ્લીકેટ ઘી અને તેલ ઝડપાયું છે. રાંદેર રોડ સ્થિત પાલનપુર પાટિયા પાસેના ગોડાઉનમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં બ્રાન્ડેડ કંપનીના લેબલ લગાડી નકલી તેલ-ઘી વેંચતા હતા જેવી હકીકત માલુમ પડી હતી. જેથી તમામ વિસ્તારની દુકાનો અને ગોડાઉન પર ચોકસાઈ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટી માત્રામાં નકલી ઘી અને તેલનો જથ્થો મળતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.
પીસીબી પોલીસે પાડ્યા દરોડા
મળતી માહિતી મુજબ પીસીબી પોલીસે દરોડા પાડી નકલી તેલ-ઘીનો વેપલો ઝડપી પાડ્યો હતો. જેમાં પોલીસને હકીકત મળેલ જગ્યાએ બપોરના સમયે પોલીસ ત્રાટકી હતી, અને ગોડાઉનમાં તપાસ કરતા ઉત્તરાયણ તહેવાર નિમિત્તે મોટા પ્રમાણમાં માંગ હોય નકલી ઘી અને તેલ મળી આવ્યું હતું. જેથી પોલીસે તમામ પ્રોડ્કટની તપાસ કરવાની ફરજ પડી હતી.
બ્રાન્ડેડ કંપનીના લેબલ લગાડી ચલાવતા હતા વેપલો
સુમુલ, તિરુપતિ, ફોર્ચ્યુન, ગુલાબ સહિતની કંપનીના સ્ટીકર મળી આવતા સ્વાસ્થ્ય માટે હાનિકારક ઘી-તેલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં ડુપ્લીકેટ ખાદ્ય સામગ્રી સાથે નકલી સ્ટિકર સહિતની સામગ્રી કબ્જે કરી હતી, અને એફ.એસ.એલ દ્રારા સેમ્પલ લઇ અમદાવાદની લેબમાં મોકલી દેવાયા હતા. જેમાં તપાસમાં જો આ નકલી ઘી-તેલ હાનિકારક હોવાનું પુરવાર થશે તો સ્ટોરને સીલ કરવા અને લાયસન્સ રદ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.