આમ તો આ ઘટના નાની છે અને આપણામાંના ઘણાને આ ઘટના મામૂલી જણાશે પરંતુ આ નોંધ લેવા જેવી બાબત તો છે જ. ઘટના એવી છે કે દક્ષિણ ગોળાર્ધના સમૃદ્ધ રાષ્ટ્ર ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતમાં ૧૯૮૪ પછી પ્રથમ વખત વધુ એક નાનો ફેરફાર કરવામાં આવ્યો છે અને દેશની મૂળનિવાસી પ્રજા તથા અન્ય વિવિધ સમુદાયો વચ્ચે એકતાની ભાવના દર્શાવવા માટે રાષ્ટ્રગીતની બીજી પંક્તિમાં એક શબ્દ બદલવામાં આવ્યો છે. વડાપ્રધાન સ્કોટ મોરીસને આ ફેરફારની જાહેરાત કરી છે.
નવા વર્ષના ટાણે આ ફેરફારની જાહેરાત કરતા સ્કોટ મોરિસને જણાવ્યું હતું કે દેશના રાષ્ટ્રગીતની બીજી પંક્તિ બદલવામાં આવી છે અને તે ‘ફોર વી આર યંગ એન્ડ ફ્રી’ હતી તે બદલીને ‘ફોર વી આર વન એન્ડ ફ્રી’ કરવામાં આવી છે. એટલે કે ‘આપણે યુવા અને મુક્ત છીએ’ એવો ભાવાર્થ બદલીને આપણે ‘એક અને મુક્ત છીએ’ એવો ભાવાર્થ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતમાં આ પ્રકારનો ફેરફાર કરવાની ભલામણ કોમનવેલ્થ દ્વારા કરવામાં આવી હતી અને આ ભલામણ ગવર્નર જનરલ ડેવિડ હર્લેએ મંજૂર રાખી હતી. વડાપ્રધાન સ્કોટ મોરિસને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ફેરફાર તમામ ઓસ્ટ્રેલિયનો માટે કરવામાં આવ્યો છે. અહીં એ નોંધવુ જરૂરી છે કે ઓસ્ટ્રેલિયાએ ૧૯૮૪માં પોતાનું આગવું રાષ્ટ્રગીત અપનાવ્યું, તે પહેલા બ્રિટનનું રાષ્ટ્રગીત એ જ ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં બ્રિટિશ વસાહતીઓ ૧૮મી સદીમાં વસવા માંડ્યા અને ઓસ્ટ્રેલિયા દેશ બન્યો. એક દેશ તરીકે ઓસ્ટ્રેલિયા યુવાન છે પરંતુ તેની મૂળ આદિવાસી પ્રજા તો ત્યાં હજારો વર્ષથી વસતી હતી અને આ પ્રજાની ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા ઉપેક્ષા થતી હોવાના આક્ષેપો થતા રહ્યા છે. વિશ્વના ઘણા દેશોમાં આવી સ્થિતિ છે. અમેરિકામાં તો કોલમ્બસની આગેવાનીમાં ગયેલા ગોરા વસાહતીઓએ શરૂઆતમાં જ ત્યાંની મૂળ રેડ ઇન્ડિયન પ્રજાનું લગભગ નિકંદન કાઢી નાખ્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં બ્રિટિશ વસાહતીઓ મોટે ભાગે પૂર્વ અને દક્ષીણ કાંઠે સ્થાયી થયા, આધુનિક શહેરો વસ્યા અને મૂળ આદીવાસી પ્રજા મધ્યના દુર્ગમ પ્રદેશમાં સબડતી રહી. તેની ઘણી ઉપેક્ષા થઇ. હવે વૈશ્વિક ટીકાઓને કારણે કે ગમે તે કારણે આ પ્રજાને મહત્વ અપાવા માંડ્યું હોય તો સારી બાબત છે. આપણે ત્યાં તો આદીવાસી કલ્યાણ માટે ઘણા પગલાં ભરાયા છે છતાં આદીવાસીઓ સાથે અન્યાયના સાચા ખોટા અવાજો સમયે સમયે ઉઠતા રહે છે.
આદીવાસીઓ પર અત્યાચારની ઘટનાઓ પણ બને છે અને તેમાંથી સંઘર્ષો પણ સર્જાય છે. નકસલવાદી ચળવળ આદીવાસીઓ સાથે અન્યાયના ખયાલમાંથી ઉદભવેલ ચળવળ છે. જો વિશ્વના તમામ પ્રજા સમૂહો વચ્ચે સમાનતા સ્થપાય, સંઘર્ષોનો અંત આવે અને મતભેદો તથા અન્યાય, શોષણની ભાવનાનું નિવારણ થાય તો વિશ્વમાં સોનાનો સૂરજ ઉગે.
ટ્રમ્પે વિદાય લેતા પહેલા પણ ઇમિગ્રન્ટોને ફટકો માર્યો
અમેરિકાના એચ-વનબી વિઝા તથા અન્ય પ્રકારના ફોરેન વર્ક વિઝાઓ અને ગ્રીન કાર્ડ્સ પરની રોક અમેરિકન કામદારોના હિતોના રક્ષણ માટે અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ૩૧ માર્ચ સુધી લંબાવી દીધી અને જણાવ્યું કે પોતે રોગચાળાની વચ્ચે જે કારણોસર આવા નિયંત્રણો મૂક્યા હતા તે કારણો હજી બદલાયા નથી.
ગયા વર્ષે ૨૨ એપ્રિલ અને ૨૨ જૂનના રોજ બે જાહેરનામાઓ મારફતે વિવિધ કેટેગરીના વર્ક વિઝાઓ સ્થગિત કરી દીધા હતા. ૩૧ ડીસેમ્બરે આ સ્થગન સમાપ્ત થાય તેના કેટલાક કલાકો પહેલા ટ્રમ્પે સ્થાનિક સમય પ્રમાણે ગુરુવારે એક જાહેરનામુ બહાર પાડ્યું હતું અને આ વિઝાઓ ૩૧ માર્ચ સુધી સ્થગિત કરી દીધા હતા.
આ રિપબ્લિકન પ્રમુખની ટર્મ પુરી થવામાં માંડ થોડા દિવસ બાકી છે ત્યારે આ નિયંત્રણો ચાલુ રાખવાનો આદેશ એ અમેરિકામાં ઇમિગ્રન્ટોને પ્રવેશતા અટકાવવા માટેનો હાલનો છેલ્લામાં છેલ્લો પ્રયાસ છે. ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકામાં કોરોનાવાયરસના કેસો ચાલુ જ રહ્યા છે અને પોતે જે કારણોસર આ વિઝા અટકાવ્યા હતા તે કારણો હજી બદલાયા નથી.
ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા તેના પહેલા દિવસથી જ અમેરિકામાં ઇમિગ્રાન્ટોને પ્રવેશતા અટકાવવા પર તેમનું પ્રશાસન ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જ્યારે ટ્રમ્પે સત્તા પર આવતાની સાથે સાત મુસ્લિમ બહુમતિ દેશોના લોકોને અમેરિકામાં પ્રવેશતા પ્રવાસ પ્રતિબંધો જાહેર કર્યા હતા, અને આવા પ્રયાસો ટ્રમ્પના હોદ્દાના છેલ્લા વર્ષ સુધી ચાલુ રહ્યા હતા અને તેના માટે કારણ તરીકે વ્હાઇટ હાઉસે રોગચાળાને આગળ કર્યો હતો.
અલબત્ત, પ્રમુખપદે ચૂંટાયેલા જો બિડેને વચન આપ્યું છે કે પોતે એચ-૧બી વિઝા પરનું સસ્પેન્શન ઉઠાવી લેશે અને જણાવ્યું હતું કે ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓ ક્રૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે એચ-૧બી વિઝા એ એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે વિઝા પર અમેરિકી કંપનીઓ વિદેશી કર્મચારીઓને બોલાવીને નોકરીએ રાખી શકે છે.
ખાસ કરીને ભારતીય આઇટી વ્યવસાયિકો મોટા પાયે આ વિઝા પર અમેરિકા નોકરી કરવા જાય છે તેમને આ વિઝા પરનો પ્રતિબંધ લંબાયો તેનાથી ઘણી અસર થઇ શકે છે. અમેરિકી મીડિયાએ ટ્રમ્પના આ પગલાં અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે નીતિ વિષયક બાબતોમાં ટ્રમ્પ બિડેનને ઘેરવા માટે કેવા પ્રયાસો કરી રહ્યા છે તેનું આ ઉદાહરણ છે. વાત સાચી છે, ઇમિગ્રન્ટોના મુદ્દે ટ્રમ્પ જતા જતા બિેડેનને ભીંસમાં મૂકતા જવા માગે છે પરંતુ તેનાથી એક મોટો આંચકો ઇમિગ્રન્ટોએ ખમવો પડ્યો છે.