સુરત: સામુહિક પરિવહન માટે વિશ્વના અગ્રણી શહેરોમાં સ્થાન પામવા માટે સુરત શહેરમાં મેટ્રો રેલ તૈયાર કરવાનો ભારે ધમધમાટ ચાલી રહ્યો છે. મેટ્રો રેલની પહેલી લાઈન માટે થોડા સમય પહેલા જ ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતાં અને હવે આ લાઈન માટે ખજોદ ખાતે આવેલી ડ્રીમ સિટીમાં મેટ્રો રેલનું હેડક્વાર્ટર બનાવવા માટે પણ આયોજનો શરૂ કરી દેવામાં આવ્યા છે. આ આયોજનોમાં ડ્રીમ સિટી ખાતે મેટ્રો રેલનું હેડક્વાર્ટર તેમજ સાથે સાથે મેટ્રો રેલ ભવન તેમજ ટ્રે્ન ડેપો અને સાથે સાથે ઓપરેશન કંટ્રોલ સેન્ટર પણ બનાવવામાં આવશે. આ માટે મેટ્રો રેલની કંપની જીએમઆરસી દ્વારા ઓફરો મંગાવવામાં આવી છે.
મેટ્રો રેલના આ સરથાણાથી ડ્રીમ સિટી સુધીના પ્રથમ લાઈનના પ્રથમ તબક્કા માટે હાલમાં કામગીરી ચાલી રહી છે. આ રૂટ 21.61 કિ.મી. લાંબો હશે અને તેમાં 6 અંડરગ્રાઉન્ડ તેમજ 14 એલિવેટેડ સ્ટેશન હશે. આ ભવન, ડેપો તેમજ કંટ્રોલ સેન્ટર ક્યાં બનશે તે આગામી દિવસોમાં બેઝિક ટેન્ડરમાં જાહેર કરવામાં આવશે. આ આયોજનો માટે હાલમાં 346 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. 20 મહિનામાં આ તમામ આયોજનો પાર પાડવાના રહેશે. આગામી દિવસોમાં તા.18મી જાન્યુ.ના રોજ આ માટેની પ્રી-બિડ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટેન્ડરો બહાર પાડવામાં આવશે.
હાલમાં જે આયોજનો કરવામાં આવ્યા છે તેમાં મેટ્રો ભવન, કંટ્રોલ સેન્ટર, તેમજ ડેપોના કોમ્પ્લેક્ષ માટે જમીનના વિકાસની સાથે લેન્ડસ્કેપિંગની સાથે તમામ આરસીસી વર્ક પણ કરવાનું રહેશે. સુરતમાં મેટ્રો રેલમાં સરથાણાથી ડ્રીમ સિટી માટે હવે માત્ર સરથાણાથી કાપોદ્રા સુધીના 4 કિ.મી.ના રૂટ માટે જ ટેન્ડરો બહાર પાડવાના બાકી રહ્યાં છે. આ ટેન્ડરો બહાર પડતાંની સાથે જ મેટ્રો રેલની સરથાણાથી ડ્રીમ સિટી સુધીના રૂટ માટેના તમામ ટેન્ડરો બહાર પડી જશે.
કઈ કઈ રીતે પ્રથમ લાઈનના ફેઝ નક્કી કરાયા છે
- પ્રથમ ફેઝ: કાદરશાની નાળથી ડ્રીમ સિટી: 11.6 કિ.મી.
- બીજો ફેઝ: કાપોદ્રાથી સુરત રેલવે સ્ટેશન: 3.46 કિ.મી.
- ત્રીજો ફેઝ: સુરત રેલવે સ્ટેશનથી ચોકબજાર: 3.56 કિ.મી.