ટકારમા: તાજેતરમાં જ હજીરા વિસ્તારમાં દીપડો (Panther) દેખાયો હતો. અને હવે ઓલપાડના કાંઠા વિસ્તારના ધનસેર, છીણી, તેનારાંગ ગામે આંટાફેરા મારી રહ્યો હોવાની બૂમ ઊઠી છે. પ્રાપ્ત માહિતી મુજબ ઓલપાડ (Olpad) કાંઠાના ધનસેર, છીણી અને તેનારાંગ ગામની સીમમાં છેલ્લા બે-ત્રણ દિવસથી દીપડો ફરી રહ્યો હોવાની લોકોમાં બૂમ ઊઠી છે. છીણી ગામની સીમમાં દીપડો હોવાની જાણ થતાં ગામના સરપંચ હિતેશ પટેલે જણાવ્યું કે, તેના રાંગ ગામના ઉમેદભાઇ પટેલ પિંજરત રોડ ઉપર આવેલા પિંડેશ્વર પેટ્રોલપંપ ઉપર નોકરી કરે છે. ગત રવિવાર, તા.૩ જાન્યુઆરીએ સાંજે ૭.૩૦ કલાકે સુમારે બાઇક ઉપર જઇ રહ્યા હતા, ત્યારે તેમણે છીણી ગામ (Village) જતા કોસ્ટલ રોડ ઉપરથી દીપડાને છલાંગ મારી રોડ ક્રોસ કરતા જોયો હતો.
આ બાબતે ઓલપાડ વનવિભાગને તેમણે જાણ કરતાં ફોરેસ્ટર દીપક પટેલ તથા કાંતિભાઇ પટેલ સોમવારે છીણી ગામની સીમમાં સ્થળ તપાસ માટે આવ્યા હતા. તેમણે ગામની સીમમાં પશુનાં પંજાનાં નિશાન તપાસ્યાં હતાં. આ નિશાન દીપડાના હોવાનું જણાવતાં સરપંચે દીપડાને સત્વરે પકડવા પાંજરું મૂકવાની જંગલ ખાતાના ડીએફઓ મનીષા પરમાર પાસે માંગ કરી છે.
પાંજરું ગોઠવવા જાણ કરી છે: કાંતિભાઈ પટેલ
સાયણ વિભાગના ફોરેસ્ટર કાંતિભાઈ ટી. પટેલે જણાવ્યું કે, કાંઠા વિસ્તારનાં ધનસેર, છીણી, તેનારાંગ વિસ્તારમાં દીપડો ફરી રહ્યો હોવાની જાણ કરાતાં મેં કાંઠા વિસ્તારના ફોરેસ્ટર દીપક પટેલ સાથે છીણી ગામે સીમની ત્વરિત મુલાકાત લેતાં અમને ભીંની જમીન ઉપર પશુનાં પંજાનાં નિશાન જોવા મળ્યાં હતાં. જેથી તેની ચકાસણી કરતાં આ નિશાન દીપડાના જ હોવાનું જણાય્યું છે. જેના પગલે અમારા ખાતાનાં ડી.એફ.ઓ. મનીષાબેન પરમારને આ ગામોમાં પાંજરું ગોઠવવા જાણ કરી છે. જેથી અમે દીપડાને ઝડપવા વહેલી તકે પાંજરું ગોઠવીશું.
દીપડાને રોડ પરથી છલાંગ મારી વાડ કૂદતા જોયો હતો: જયેશ પટેલ
છીણી ગામના દૂધ એજન્ટ જયેશ પટેલે જણાવ્યું કે, હું ઓલપાડ તાલુકાના ધનસેર ગામમાં રહું છું અને પિંજરત દૂધ મંડળીમાં તેનારાંગ અને ધનસેર ગામના દૂધ એજન્ટ તરીકે નોકરી કરું છું. ગયા શનિવારે મળસકે ૫.૩૦ કલાકના સુમારે હું મારી મોટરસાઇકલ ઉપર સવાર થઇ ધનસેરથી તેનારાંગ ગામે દૂધ લેવા જઇ રહ્યો હતો, ત્યારે મેં છીણી રોડ ઉપર દીપડાને છલાંગ મારી વાડ કૂદતાં ૫૦૦ ફૂટ દૂરથી જોયો હતો. જ્યારે તેનારાંગ ગામના યુવાનોએ પણ દૂધઘરની પાછળના ભાગના કેમ્પસમાં દીપડાને ભાગતા જોયો હોવાની મને જાણ કરાતાં મેં આ બાબતે જંગલ ખાતાને માહિતી આપી છે.