Dakshin Gujarat

બારડોલીના મઢીમાં GRD જવાનનું ગેરેજ બહાર જ બાઈક પરથી ઢળી પડતાં મોત

બારડોલી: (Bardoli) સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી (Heat) પડી રહી છે. ગરમીમાં સ્ટ્રોકની સાથે હાર્ટ એટેકના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે બારડોલીના મઢી ગામે 38 વર્ષીય એક જીઆરડી જવાનનું ગેરેજની બહાર જ બાઈક પર ઢળી પડતાં મોત નીપજ્યું હતું. મોતનાં લાઈવ દૃશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયાં હતાં.

  • બારડોલીના મઢીમાં GRD જવાનનું ગેરેજ બહાર જ બાઈક પરથી ઢળી પડતાં મોત
  • બાલદાનો યુવાન બાઇક રિપેર કરાવવા આવ્યો હતો, મોતનાં લાઈવ દૃશ્યો સીસીટીવીમાં કેદ

મઢી ગામે મુખ્ય હાઈસ્કૂલ નજીક આવેલ ગેરેજ પાસે બાલદા ગામે ટેકરી ફળિયામાં રહેતો યુવક કમલેશ બચુભાઈ ચૌધરી (ઉં.વ.38) બપોરના સમયે બાઇક રિપેર કરવા ગેરેજ પર લઈને આવ્યો હતો. જ્યાંથી પરત જતી વખતે બાઇક પર બેસતાં જ તે બેભાન થઈને ઢળી પડ્યો હતો. ત્વરિત બાજુમાં ઊભેલા એક ઇસમે તેને પકડી બૂમાબૂમ કરી હતી. જેથી સ્થાનિકો પણ દોડી આવ્યા હતા. તાત્કાલિક એક તબીબની પણ મદદ લેવાઈ હતી. પરંતુ સારવાર મળે એ પહેલાં જ મોત થઈ ગયું હતું.
મૃતક મઢી નજીક આવેલા બાલદા ગામનો રહેવાસી અને જી.આર.ડી. તરીકે નોકરી પણ કરતો હોવાનું સામે આવ્યું છે. જી.આર.ડી. જવાન અને ચૌધરી સમાજના આશાસ્પદ યુવકનું અવસાન થતાં સમસ્ત બાલદા ગામ તેમજ ચૌધરી સમાજમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.

Most Popular

To Top