SURAT

સ્માર્ટ મીટર અને જૂના મીટરની સ્પીડમાં કેટલો ફરક? ગ્રાહક જાતે ચેક કરી શકે એ માટે DGVCLએ કર્યું આ કામ

  • વિરોધ વચ્ચે સુરતમાં નવા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી યથાવત
  • ગ્રાહકોની પરવાનગી સાથે આગમ રેસિડેન્સીમાં 13 નવા સ્માર્ટ મીટર લગાવાયા
  • દર 20 નવા સ્માર્ટ મીટરે 1 જૂનું મીટર ચાલુ રાખવામાં આવશે, જેથી બંને મીટરનો ફરક ગ્રાહક જાતે ચેક કરી શકે

સુરત: સ્માર્ટ મીટરના લીધે વધુ વીજવપરાશ થતો હોવાની ફરિયાદ અને વિરોધ વચ્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સુરતમાં નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. ફરક એટલો છે કે હવે નવા સ્માર્ટ મીટરની સાથે 20:1ના રેશિયો સાથે ચેક મીટર પણ લગાવવામાં આવી રહ્યાં છે. જેથી ગ્રાહકો બંને મીટરનું અંતર સમજી શકે.

ગઈ તા. 9 એપ્રિલથી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શહેરના રહેણાંક વિસ્તારોમાં નવા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. અત્યાર સુધી પીપલોદ, ઉમરા સહિતના વિસ્તારોમાં 11 હજારથી વધુ નવા સ્માર્ટ મીટર ફીટ કરી દેવાયા છે. પાછલા દોઢ મહિનામાં ગ્રાહકોએ નવું સ્માર્ટ મીટર ખૂબ ફાસ્ટ ફરતું હોવાના લીધે વધુ વીજખર્ચ થતો હોવાની ફરિયાદ કરી છે. ઉમરા, પીપલોદમાં વિરોધ પણ થયો છે. પુણા ગામમાં નવા સ્માર્ટ મીટર નહીં લગાવાયા હોવા છતાં અત્યારથી જ વિરોધ શરૂ થઈ ગયો છે, ત્યારે વિરોધને શાંત પાડવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ 20:1ના રેશિયો સાથે નવા સ્માર્ટ મીટર સાથે ચેક મીટર લગાવવાનું શરૂ કર્યું છે.

ડીજીવીસીએલ દ્વારા હવે ગ્રાહકોની સંમતિ સાથે નવા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નવા સ્માર્ટ મીટર 20 ફીટ કરવામાં આવે તો તેની સામે 1 જૂનું મીટર રાખી મુકવામાં આવશે. જેથી બંને મીટરો કેટલી ગતિથી ફરે છે, બિલમાં કેટલો ફરક આવે છે તે ગ્રાહક જાતે જ ચેક કરી શકશે.


ચીફ એન્જિનિયર જયેશ કેદારિયાએ કહ્યું કે, નવા સ્માર્ટ મીટર વધુ સ્પીડમાં ફરતા હોઈ બિલ વધુ આવે છે તેવી ગેરસમજ ગ્રાહકોને થઈ છે. ગ્રાહકોની આ ગેરસમજ દૂર કરવા માટે 20:1ના રેશિયો સાથે નવા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી શરૂ કરાઈ છે. સરકારી કચેરીઓની સાથે અલગ અલગ રહેણાંક સોસાયટીઓમાં ગ્રાહકોની મંજૂરીથી મીટરો લગાડવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં આગમ રેસીડેન્સીમાં આ રીતે 13 મીટર લગાડવામાં આવ્યા છે. 15થી 20 દિવસ સુધી બંને મીટરનું ગ્રાહકો સામે જ રિડિંગ મોનિટરિંગ કરાશે. ગ્રાહકો પણ રોજ જાતે જ બંને મેટર ચેક કરી શકશે, જેથી દૂધનું દૂધ પાણીનું પાણી થઈ શકે.

Most Popular

To Top