Columns

સુગંધ ગુલાબની

ઘરમાં કોઈ પણ કામ હોય કે સારો કે માઠો પ્રસંગ હોય, કામ તો બહુ હોય.દરેક વખતે મોટી વહુ જીજ્ઞા ખડે પગે તૈયારીઓ કરે.કામ કરે. બધાનું ધ્યાન રાખે.સસરાજીના ૭૦મા જન્મદિનની ઉજવણીની ખાનગી તૈયારી મોટી વહુ જીજ્ઞાએ શરૂ કરી.નાની બંને વહુએ કામનાં અને છોકરાઓની પરીક્ષાનાં બહાનાં કાઢ્યાં અને કંઈ કામ ન કરાવ્યું.કોઈ તૈયારીમાં ફાળો ન આપ્યો.ડેકોરેશન ,ગીફ્ટસ, કેક , કાર્ડ ,૭૦ દીપની તૈયારી, ફૂલની રંગોળી બધું જ જીજ્ઞાએ એકલા હાથે કર્યું. જન્મદિનના દિવસે સાંજે જીજ્ઞાના પતિ વિજય સાંજે પપ્પાજીને લઈને આવશે અને ઘરના બધા તેની પહેલાં આવી જશે તેમ નક્કી કરવામાં આવ્યું.બધા આવી ગયા , ચા નાસ્તો થઈ ગયા.છેલ્લી નાની નાની તૈયારીઓ ચાલી રહી હતી તે પણ જીજ્ઞાએ પૂરી કરી. બધાં વાતો કરતાં હતાં. કોઈ મદદ કરવા આવ્યું નહિ.દીવા તૈયાર કરી …ફૂલની રંગોળી કરી ..જીજ્ઞા ફટાફટ તૈયાર થવા ગઈ. પપ્પાજી આવ્યા ,બધાએ ફૂલોથી વધાવી સ્વાગત કર્યું …મ્યુઝિક વગાડી બધાં મન મૂકીને નાચ્યાં…તેઓ ગદ્ગદ્ થઈ ગયા અને ખુશીથી બધાને ભેટ્યા ત્યારે બધી તૈયારી કરનાર જીજ્ઞા સૌથી છેલ્લે હતી.ગીફ્ટસ આપી …કાર્ડ વાંચ્યું ..કવિતાઓ વાંચી. પછી ૭૦ ભગવાન સામે દીવા કર્યા અને પછી કેક કટિંગ હતું.બધું સરસ રીતે થઈ ગયું.હોટલમાં ડીનર હતું તે પહેલાં કેક કટિંગ થયું.પપ્પાજીએ બધાને થેન્કયુ કહ્યું …

સ્પેશ્યલ ગીફ્ટ પોતાના તરફથી આપી.પણ જીજ્ઞા માટે વિશેષ કંઈ કહ્યું નહિ ..ન સસરાજી કંઈ બોલ્યા ..ન સાસુએ વખાણ કર્યાં. આ સરપ્રાઈઝ પાર્ટીની ઉત્સાહથી તૈયારી કરનારી ..સૌથી વધુ નહિ, પણ બધું જ કામ જાતે કરનારી જીજ્ઞા ઘરે આવતી વખતે એકદમ ઉદાસ હતી.પતિ વિજયે પૂછ્યું, ‘અરે, બધું તેં પ્લાન કર્યું હતું તે પ્રમાણે થયું.આખો દિવસ કેટલી ખુશ હતી. અત્યારે કેમ ઉદાસ છે.’ જીજ્ઞાની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલી, ‘બધું મેં કર્યું ..પણ મમ્મી કે પપ્પા કોઈએ એક વાર પણ ખાસ મને કંઈ કહ્યું નહિ.એક વાક્ય પણ બોલ્યા નહિ મારે માટે…મેં પ્રેમથી કર્યું હતું, પણ દુઃખ તો થાય ને.’ પતિ વિજયે કહ્યું, ‘જીજ્ઞા, તું તો મારો ગુલાબ છે ..’ જીજ્ઞાએ કહ્યું, ‘તમારે વખાણ કરવાની જરૂર નથી, પણ મમ્મી –પપ્પા કંઈ ન બોલ્યાં તેનું ખરાબ તો લાગે જ ને..’

વિજયે કહ્યું, ‘ચોક્કસ લાગે, પણ હું તારા ખોટા, તને સારું લાગે એટલે વખાણ નથી કરતો. તને એક વાત સમજવા માંગું છું કે તું તો ગુલાબ છે.ગુલાબની સુંદરતા જોઇને અને તેની મીઠી સુગંધ માણીને કોઈ તેના વખાણ ન કરે તો ગુલાબની સુંદરતા કે સુગંધ ઓછી થતી નથી.તેવી જ રીતે તારી અંદરના ગુણો અને પ્રેમ લાગણી કોઈ જુએ પણ વખાણે નહિ કે તારી મહેનતને અને સારપને ખાસ બિરદાવે નહિ તો  તારી સારાઈ કે ગુણો કે લાગણીઓ ઓછી થતી નથી.તને દુઃખ થયું તેનું મને પણ દુઃખ છે, પણ મન ખાટું ન કર. તેં આટલું સરસ કાર્ય કર્યું તેનો આનંદ રાખ ..ગુલાબ કોઈના વખાણ વિના સુગંધ મ્હેકાવતું રહે છે તેમ તું પણ તારી લાગણીઓની સુગંધ પ્રસરાવતી રહે.મમ્મી પપ્પા સાથે હું વાત કરીશ.’ પોતાના સુંદર દિલની સુગંધ ફેલાવતા જીજ્ઞા બોલી, ‘જવા દો, હવે કંઈ કહેતા નહિ.’

Most Popular

To Top