SURAT

‘હું ફેનિલનો જ ભાઈ છું, ગ્રીષ્માની જેમ કાપી નાંખીશ’, સુરતમાં વધુ એક જનૂની પ્રેમીનું કારસ્તાન

સુરત: પાસોદરાની ગ્રીષ્મા વેકરીયાનું એકતરફી પ્રેમી ફેનિલે ગળું કાપી હત્યા કરી હતી તે ઘટના હજુ લોકોના માનસપટ પર તાજી છે. ત્યારે ગ્રીષ્માની હત્યા થઈ તે જ રીતે મારી નાંખવાની ધમકી આપી જનૂની પ્રેમીએ સુરતની વધુ એક યુવતીને ત્રાસ આપ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

કતારગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકારની 22 વર્ષીય દીકરીને ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે જાનથી મારી નાંખવાની ધમકી આપી જબરજસ્તી કોર્ટ મેરેજના ફોર્મ પર સહી કરાવી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશીપ થયા બાદ યુવકે લગ્ન નહીં કરે તો ફોટા વાઈરલ કરવાની તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હું ફેનિલનો જ ભાઈ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. યુવકની ધમકીથી ગભરાઈને યુવતીએ કોર્ટ મેરેજના ફોર્મ પર સહી કરી દીધી હતી. બાદમાં તે ફોર્મનો ફોટો યુવકે સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ અમરેલીના રહેવાસી અને સુરતના કતારગામમાં રહેતા રત્નકલાકારની 22 વર્ષીય પુત્રીને દોઢ વર્ષ અગાઉ ઈન્સ્ટાગ્રામ ઉપર રત્નકલાકાર જતીન કિશોર ગજેરા (ઉં.વ.22 રહે, હનીપાર્ક સોસાયટી, ખોલવડ, કામરેજ, સુરત) સાથે ફ્રેન્ડશીપ થઈ હતી. બંનેએ એકબીજાને મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. તેઓ વ્હોટસએપ પર વાત કરતા હતા.

જતીનના કહેવાથી યુવતી પોતાના ફોટા મોકલતી હતી. ત્યાર બાદ યુવક યુવતીનો પીછો કરતો હતો. દરમિયાન વરાછાના કામનાથ મહાદેવ મંદિર પાસે બોલાવી જબરજસ્તી કોર્ટ મેરેજના ફોર્મ પર સહી કરવા યુવતી પર દબાણ કર્યું હતું. યુવતીએ ઈનકાર કરતા ફોટો વાઈરલ કરવાની અને ગ્રીષ્માની જેમ મારી નાંખવાની ધમકી આપી હતી.

ડરી ગયેલી યુવતીએ જતીનના કહેવા મુજબ વકીલના ઓફિસમાં જઈ મેરેજના ફોર્મ પર સહી કરી ફોટા પડાવ્યા હતા. બાદમાં જતીને યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરતા યુવીતના કાકાને ખબર પડી હતી. મામલો ઘરે અને ત્યાર બાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. યુવતીની ફરિયાદના આધારે ચોકબજાર પોલીસે જતીનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top