Business

બાયજુસની મુશ્કેલી વધી, બે ઉચ્ચ અધિકારીઓએ કંપની છોડવાનો નિર્ણય લીધો

નવી દિલ્હી: એડટેક ફર્મ બાયજુસની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યાં નથી. આર્થિક સંકટ વચ્ચે મોટા અધિકારીઓ છોડીને જતા હોવાના કારણે કંપનીને કટોકટીમાંથી ઉગારવાના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. ફાઉન્ડર બાયજુસ રવીન્દ્રન પોતાની કંપનીને ફરી બેઠી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આ દરમિયાન ફરી એકવાર ખરાબ સમાચાર આવ્યા છે. હવે બાયજુસના સલાહકાર બોર્ડમાં સામેલ બે દિગ્ગજોએ કંપનીને બાય-બાય કહેવાની તૈયારી કરી છે.

અહેવાલ મુજબ બાયજુસ કંપની ફરી બેઠી થાય તેમ લાગતું નથી. તેની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડની સલાહકાર પેનલમાં સામેલ બે અનુભવી ઉચ્ચ અધિકારીઓઓએ કંપની છોડવાનો નિર્ણય લીધો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ભૂતપૂર્વ ચીફ રજનીશ કુમાર અને ઈન્ફોસિસ ટીવીના ભૂતપૂર્વ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર મોહનદાસ પાઈ તેમના છેલ્લાં કાર્યકાળને લંબાવવાના મૂડમાં નથી. એક વર્ષની અંદર તેઓનો બાયજુસથી મોહભંગ થઈ ગયો છે. બંનેનો કાર્યકાળ 30 જૂન 2024 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

બંને એક્ઝિક્યુટિવ્સ રજનીશ કુમાર અને મોહનદાસ પાઈને ગયા વર્ષે જ સલાહકાર પેનલમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ પેનલ રોકાણકારોને આશ્વાસન આપવા માટે રચવામાં આવી હતી. વધતી જતી કાનૂની મુશ્કેલીઓ વચ્ચે કંપનીના ભવિષ્ય વિશે તેઓ ચિંતિત હતા પરંતુ ચાલુ નાણાકીય કટોકટી વચ્ચે બંનેએ હવે બાયજુસના સ્થાપક બ્યુજ રવિન્દ્રનને કંપની છોડવાના નિર્ણય વિશે જાણ કરી છે.

ભારત અને અમેરિકામાં કાનૂની વિવાદો
રિપોર્ટ અનુસાર નામ જાહેર ન કરવાની શરતે એક એક્ઝિક્યુટિવે કહ્યું છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકામાં પણ કંપની કાનૂની મુશ્કેલીમાં ફસાયા બાદ જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને સલાહકાર પેનલના રજનીશ કુમાર અને મોહનદાસ પાઈએ કંપનીમાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો છે. તેઓએ કહ્યું છે કે, બાયજુસના લેણદારો અને શેરધારકો ઈચ્છે છે કે બાયજુસ રવિેન્દ્રનને ગેરવહીવટ માટે હાંકી કાઢવામાં આવે.

કંપનીમાં પગારની કટોકટી ચાલુ છે
એડટેક ફર્મ બાયજુસની હાલત વધુ ખરાબ થઈ રહી છે અને તેના ભાગીદારો એક પછી એક કંપની છોડી રહ્યાં હોવાને કારણે કંપની ભારે મુશ્કેલીમાં છે. ફાઉન્ડર બાયજુસ રવિન્દ્રન નવી વ્યૂહરચના દ્વારા બાયજુસને પાછી પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કેટલીક મોટી કટોકટી ફરીથી ઊભી થઈ રહી છે.

કંપનીની દુર્દશાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 2022 સુધી બાયજુસનું વેલ્યુએશન 22 બિલિયન ડૉલર હતું, જ્યારે આ વર્ષે તે માત્ર 1 બિલિયન ડૉલરની આસપાસ જ રહ્યું છે. એટલું જ નહીં સ્થિતિ એવી છે કે કંપનીને દર મહિને પોતાના કર્મચારીઓને પગાર ચૂકવવામાં પણ સંઘર્ષ કરવો પડે છે. બાયજુસ સંકટ વચ્ચે કંપનીના સ્થાપક બાયજુસ રવિન્દ્રનની નેટવર્થ પણ શૂન્ય થઈ ગઈ છે.

Most Popular

To Top