Gujarat

રાજ્યના 11 જિલ્લાઓમાં 24 મે સુધી હિટવેવ અને ઓરેન્જ એલર્ટ

ગાંધીનગર: (Gandhinagar) આગામી તા.24મી મે સુધી ગુજરાતમાં (Gujarat) ગરમીના સંદર્ભમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. જરૂરત ના હોય તો ઘરની બહાર નહીં નીકળવાની હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ સલાહ આપી છે. રવિવારે રાજયમાં અમદાવાદ સહિત ચાર શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અમદાવાદ ઉપરાંત અન્ય શહેરોમાં ડીસા, રાજકોટ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. ગ્રીન સિટી ગાંધીનગર તથા ભૂજમાં 44 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. હજુયે આગામી 24મી મે સુધી ગરમીનો પ્રકોપ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ગરમ તથા ભેજવાળી હવાના કારણે સ્થાનિક લોકોને બેચેની અનુભવાશે.

સોમવારે પણ અમદાવાદ, ડીસા, રાજકોટ અને સુરેન્દ્રનગરના લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આકાશમાંથી રીતસરના અગનગોળા વરસી રહ્યા હોય તેવો અનુભવ થયો હતો. બપોરે 1 વાગ્યાથી સાંજ છ વાગ્યા સુધી આ શહેરોના રાજમાર્ગો સુમસામ ભાસી રહ્યા હતા. વાહનવ્યવહાર પણ નહીંવત જોવા મળ્યો હતો. હજુયે આગામી 24 મીમે સુધી ઉનાળો આકરો રહેવાનો છે. ગુજરાતના 11 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટી જારી કરી દેવાયું છે. 45 ડિગ્રી ગરમીના કારણે ચક્કર આવવા , બેભાન થઈ જવું , અચાનક પડી જવું . છાતીમાં ગભરામણ થવી જેવી ઘટનાઓ આ શહેરોમાં વધી જવા પામી છે.

૨4મી મે સુધી 11 જિલ્લાઓમાં હિટવેવ માટે ઓરેન્જ એલર્ટ
આગામી તા.૨4મી મે સુધી હવામાન વિભાગે યલો એલર્ટ જારી કરી દીધું છે. જેમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા,વલસાડમાં હિટ વેવનું ઓરેન્જ એલર્ટ જારી કરી દેવાયુ છે. આ 11 જિલ્લાઓમાં વૃદ્ધ તથા નાના બાળકોએ ઘરની બહાર નહીં નીકળવાની સલાહ અપાઈ છે. ખાસ કરીને સતત પાણી પીતા રહેવું , છાશ , લસ્સી , લીંબુ શરબત પીવું તેવી સલાહ અપાઈ છે.

અમદાવાદના એરપોર્ટ ખાતે આવેલી હવામાન વિભાગની કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા મુજબ , રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 45 ડિ.સે.,ડીસામાં 45 ડિ.સે.,ગાંધીનગરમાં 44 ડિ.સે.,વડોદરામાં 43 ડિ.સે.,સુરતમાં 39 ડિ.સે.,વલસાડમાં 40 ડિ.સે.,દમણમાં ૩9 ડિ.સે., ભૂજમાં 44 ડિ.સે.,નલિયામાં ૩૯ ડિ.સે.,કંડલા પોર્ટ પર 37 ડિ.સે.,કંડલા એરપોર્ટ પર 43 ડિ.સે.,અમરેલીમાં 43 ડિ.સે.,ભાવનગરમાં 42 ડિ.સે.,રાજકોટમાં 45 ડિ.સે.,સુરેન્દ્રનગરમાં 45 ડિ.સે.,મહુવામાં 41 ડિ.સે., અને કેશોદમાં 43 ડિ.સે.,મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે.

Most Popular

To Top