આ દિવસોમાં કાળઝાળ ગરમીના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. હવામાન વિભાગે 21 મે સુધી ઘણા રાજ્યોમાં હીટ વેવનું એલર્ટ (Heat Wave Alert) જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર ભારત અને ગુજરાત આ દિવસોમાં તીવ્ર ગરમીની લપેટમાં છે અને રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોમાં 17 મેથી 21 મે સુધી તીવ્ર ગરમીની લહેર રહેવાની સંભાવના છે.
રાજસ્થાન સહિત આ રાજ્યોમાં હીટ વેવ એલર્ટ
હવામાન વિભાગે પશ્ચિમ રાજસ્થાનમાં હીટ વેવ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને પૂર્વ રાજસ્થાન માટે ઓરેન્જ હીટ વેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ, ઝારખંડ, બંગાળ અને ઓડિશામાં ગંગાના કાંઠાના વિસ્તારો માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે શુક્રવારે દિલ્હીનો નજફગઢ વિસ્તાર દેશનો સૌથી ગરમ વિસ્તાર નોંધાયો હતો. શુક્રવારે નજફગઢમાં મહત્તમ તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં, ગુજરાતમાં 17-21 મે સુધી, બિહારમાં 17-20 મે સુધી, ઝારખંડમાં 19-20 મે સુધી, ઉત્તર મધ્ય પ્રદેશમાં 18-21 મે સુધી, બંગાળમાં 18 થી 20 મે સુધી અને ઓડિશામાં 20-21 મેના રોજ હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે જ્યારે મેદાની વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર અને પહાડી વિસ્તારોમાં 30 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી જાય છે તો તે સ્થિતિને હીટવેવની સ્થિતિ માનવામાં આવે છે. હિમાચલના ઉનામાં શુક્રવારે 43.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જ્યારે આગ્રામાં મહત્તમ તાપમાન 46.9 ડિગ્રી સેલ્સિયસ, ચંદીગઢમાં 44.5 ડિગ્રી સેલ્સિયસ, રાજસ્થાનના બાડમેરમાં 46.5 ડિગ્રી સેલ્સિયસ અને દિલ્હીના આયાનગરનું મહત્તમ તાપમાન 46.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
શુક્રવારે આગ્રાનું મહત્તમ તાપમાન 46.9 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમ પવનને કારણે સનસ્ટ્રોક અથવા હીટ સ્ટ્રોકનું જોખમ વધી ગયું છે. આવી સ્થિતિમાં આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે અને સવારે 11 થી સાંજના 4 વાગ્યાની વચ્ચે બહાર જવાનું ટાળવાની સલાહ આપી છે. પંજાબમાં ગરમીના કારણે ગરમીનો પારો દિવસેને દિવસે રેકોર્ડ બનાવી રહ્યો છે. શુક્રવારે પંજાબમાં સમરાલા સૌથી ગરમ રહ્યું હતું. અહીંનું તાપમાન 46.3 ડિગ્રી નોંધાયું હતું જે આ સિઝનનું અને 11 વર્ષ પછીનું સૌથી વધુ તાપમાન છે. અગાઉ મે 2013માં સમરાલાનું તાપમાન 47ને પાર કરી ગયું હતું.