National

કોટા: રમતાં રમતા 3 વર્ષની બાળકી કારમાં લોક થઈ ગઈ, બે કલાક તડપી, આખરે દમ તોડી દીધો

કોટા: રાજસ્થાનના કોટામાં ચોંકાવનારી ઘટના બની છે. વાલીઓની આંખ ઉઘાડનારી આ ઘટનામાં 3 વર્ષની માસૂમ બાળકીનું મોત થયું છે. અહીંના જોરાવરપુરા ગામમાં કારની અંદર લોક થઈ જતા ગૂંગળામણના લીધે બાળકીનું મોત થયું છે. આ પીડાદાયક ઘટનાની વરવી વાસ્તિવકતા એ છે કે બાળકીનું જ્યારે મૃત્યુ થયું ત્યારે તેનાથી થોડે દૂર માતા-પિતા લગ્ન પ્રસંગને માણી રહ્યાં હતાં.

રાજસ્થાનના કોટાના જોરાવરપુરા ગામના વિજ્ઞાન નગરની આ પીડાદાયક ઘટના સામે આવી છે. અહીં કારમાં ગૂંગળામણને કારણે 3 વર્ષની બાળકીનું મોત થયું છે. બાળકી તેમનાં મમ્મી – પપ્પા સાથે લગ્ન સમારોહમાં ગઈ હતી, ત્યાં તે રમતાં રમતાં કારમાં જઈને બેસી ગઈ અને કાર અંદરથી લોક થઈ ગઈ હતી. તેમનાં મમ્મી – પપ્પા લગ્નમાં મ્હાલી રહ્યાં હતા. જ્યાં સુધી તેઓ કાર પાસે પહોંચ્યા ત્યાં સુધી બાળકીની મૃત્યુ થઈ ચૂક્યું હતું.

ખતૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના જોરાવરપુરા ગામમાં પ્રદીપ અને તેમની પત્ની અને તેમનાં બે બાળકો લગ્નમાં ગયા હતા. લગ્ન સમારોહમાં આવેલાં પરિવારની ખુશી શોકમાં ત્યારે બદલાઈ ગઈ જયારે 3 વર્ષની માસુમ બાળકી તાપમાં ઉભી રહેલી કારમાં અંદર ગઈ અને કાર અંદરથી લોક થઈ ગઈ. બાળકી મમ્મી-પપ્પાને બલાવતી રહી પણ ડીજેના અવાજને કારણે તેઓ તેનો અવાજ સાંભળી શક્યા નહોતા.

2 કલાક સુધી તે કારમાં રડતી રહી અને બધાંને બૂમો પાડતી રહી હતી પરંતુ ડીજેના મોટા અવાજના લીધે કોઈ બાળકીની બૂમો સાંભળી શક્યા નહોતા. બાળકી ન દેખાતાં 2 કલાક બાદ તેના માતા-પિતા તેને શોધવા નીકળ્યા હતા. તેઓ કાર પાસે પહોંચ્યા ત્યારે તેમની બાળકી કારમાં બેભાન જોવા મળી હતી. તાત્કાલિક બાળકીને કારની બહાર કાઢી ઝડપથી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.

બાળકીના પપ્પા પ્રદીપે કહ્યું કે બાળકી તેમની પત્ની સાથે છે, જયારે પત્નીને લાગ્યું કે બાળકી મારી સાથે છે. એટલા માટે અમે લગ્નમાં વ્યસ્ત થઈ ગયા. 2 કલાક એટલે લગભગ સાંજના 5 વાગ્યે પત્નીને બાળકી વિશે પૂછ્યું ત્યારે બાળકી નથી તેનો ખ્યાલ આવ્યો હતો. ત્યાર બાદ બધા મળી તેને શોધવાં લાગ્યા હતા. જયારે અમે કાર પાસે ગયા ત્યારે બાળકીને કારમાં બેભાન જોઈ હતી. તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો. હજુ 4 મેના દિવસે જ બાળકીનો ત્રીજો જન્મદિવસની ઉજવણી કરી હતી.

Most Popular

To Top