સુરત: શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી જોરશોરથી તેજ ગતિએ ચાલી રહી છે. વેસુ વિસ્તારમાં છેલ્લા 15 દિવસ પૂર્વે જ સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ થયું હતું. જ્યાં મીટર લાગ્યા ત્યાં અત્યારથી જ લોકો ચાર ગણું બિલ પખવાડિયામાં આવી રહ્યું હોવાની ફરીયાદો કરી રહ્યાં છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) નાં સ્માર્ટ મીટરો સંપૂર્ણ રીતે હજી આખા શહેરમાં લાગ્યા નથી અને પાયલટ પ્રોજેક્ટ તરીકે વેસુ વિસ્તારમાંથી શરૂઆત કરવામાં આવતા જ વિવાદ ઊભો થયો છે.
- વેસુ વિસ્તારમાં બે મહિને 2000 થી 3000 રૂપિયાના આવતા બિલની રકમ 15 દિવસના રિચાર્જમાં પૂરી થઈ ગઈ .
- નિર્મળ નગર SMC આવાસ અને સોમેશ્વરા સોસાયટીના રહીશો ધારાસભ્ય સંદિપ દેસાઈને રજૂઆત કરવા પહોંચ્યા,
- ગયા વર્ષના માર્ચ,એપ્રિલ મહિનાનાં બિલના ડેટા મેચ કરી વીજ કંપનીના અધિકારીઓને રજૂઆત કરીશું :સંદિપ દેસાઈ
વેસુ નિર્મળ નગર SMC આવાસ અને સોમેશ્વરા એન્કલેવ સહિતના વિસ્તારોમાં જ્યાં સરેરાશ બે મહિનાના વીજ બિલ 2000થી 3000 રૂપિયા આવતા હતા. એ ગ્રાહકોએ 2000 થી 3000 રૂપિયાનું રિચાર્જ કરાવતા માત્ર 15 દિવસમાં રિચાર્જની રકમ પૂરી થઈ જતાં વેસુનાં લોકોએ પીપલોદ DGVCL કચેરીએ હોબાળો મચાવ્યો હતો.
વીજ કંપનીઓના અધિકારીઓએ વીજ બિલ ગરમીમાં વધુ વપરાશને લીધે આવ્યા હોવાનું જણાવી નવું રિચાર્જ કરાવવું પડશે એવી વાત કરતા ટોળું ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદિપ દેસાઈની ઓફિસે પહોંચ્યું હતું દેસાઇએ ફરિયાદ કરવા આવેલા ગ્રાહકોને પાછલા વર્ષના બિલની ઝેરોક્ષ કોપી આપી જવા જણાવ્યું હતું, જેથી DGVCLનાં અધિકારીઓ અને ઊર્જા મંત્રીને ડેટા સાથે રજૂઆત કરી શકાય.
વેસુના રહેવાસીઓનું કહેવું છે કે જ્યારે તેઓએ ડિજીવીસીએલના અધિકારીઓને ઊંચા બીલ અંગે ફરિયાદ કરી તો તેઓએ તેને ટાળી દીધો. સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે અને ગ્રાહકને કોઈ રિબેટ આપવામાં આવે છે કે કેમ તે અંગે દ્વિધા ઊભી થઈ છે.
કોમન ગંભીર ફરિયાદ ગ્રાહકોની એ છે કે,બે મહિનામાં 2000 રૂપિયા આવતું વીજળીનું બિલ માત્ર 15 દિવસમાં 4000 રૂપિયા સુધી પહોંચી જઈ રહ્યું છે. રાજેશ કેજરીવાલે જણાવ્યું હતું કે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈને ફરિયાદ કરી છે તેમણે બધા બીલ ભેગા કરીને આવો.પછી અધિકારીઓ પાસે જ ડેટા મેચ કરાવીશું એવી ખાતરી આપી છે.
અમે વેસુ વિસ્તારના 100 અલગ-અલગ લોકો પાસેથી ગયા વર્ષના માર્ચ-એપ્રિલના બિલ એકત્ર કરી રહ્યા છીએ. અમે એક-બે દિવસમાં બધી વિગતો ભેગી કરી તેમને કેલ્ક્યુલેશન સાથે ડેટા આપીશું. આજે સ્થિતિ એવી છે કે વેસુ વેલ્ફેર સોસાયટી પણ પારદર્શિતાની માંગણી સાથે મેદાનમાં આવી છે. તેમણે સત્તાપક્ષ અને વિપક્ષને આ મુદ્દે ન્યાય અપાવવા ફરિયાદ કરી છે.
વેકેશન અને ગરમીમાં વીજ વપરાશ વધુ થાય છે, કોઈ વધુ બિલ આપ્યા નથી: DGVCL
આગ ઝરતી ગરમીની ઋતુમાં રિચાર્જ આધારિત નવા મીટર લગાવી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભેરવાઈ છે. DGVCL એડિશનલ ચીફ એન્જિનિયર એમ.આર.પટેલે જણાવ્યું હતું કે, કોઈને વધુ પડતા બિલ આપવામાં આવ્યા નથી. જેટલો વીજ વપરાશ થયો એટલા જ નાણાં કપાયા છે. અમે પીપલોદ ઓફિસે આવેલા 30 થી 40 ગ્રાહકોને ગયા વર્ષમાં માર્ચ – એપ્રિલ મહિનામાં થયેલા વીજ વપરાશ અને અત્યારે થયેલા વીજ વપરાશના આંકડા ટેલી કરાવ્યા પછી તેઓ નવું રિચાર્જ પણ કરાવી ગયા છે.
એડવાન્સ પેમેન્ટ સામે ગ્રાહકોને શું લાભ આપવામાં આવી રહ્યો છે?
વેસુના રહેવાસીઓએ રજૂઆત કરી હતી કે, વીજ કંપની એડવાન્સ પેમેન્ટ લઈ રહી છે તો સામે ગ્રાહકોને રીબેટનો કોઈ લાભ કેમ આપી રહી નથી જ્યારે સ્માર્ટ મીટર લાગ્યા ત્યારે ટેકનિશિયન એવું કહેતા હતા કે એડવાન્સ વેરા બિલની જેમ રીબેટ મળશે. હવે અધિકારીઓ ના પાડી રહ્યા છે. રિચાર્જ મીટર ફરજિયાત રાખવાને બદલે સ્વૈચ્છિક રાખવું જોઈએ,એનાથી કંપનીને કોઈ નુકશાન નથી. અગાઉ બિલિંગ મીટર હતા ત્યારે લોકો બે મહિનાનું સાથે બિલ નિયમિત ભરતાં જ હતા.
15 દિવસમાં 2000 રૂપિયાનું રિચાર્જ પૂરું થઈ જશે તો ફાનસ યુગ પાછો આવશે
વેસુ સોમેશ્વર એન્ક્લેવની સ્વસ્તિક વિહાર એપાર્ટમેન્ટમાં, 52 ફ્લેટમાંથી 50 ફ્લેટમાં જ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. બે જણ વિરોધ કરી રહ્યા છે. તેઓ ફરજિયાત રિચાર્જ બિલિંગ સિસ્ટમનો વિરોધ કરી રહ્યા છે. જીનેશ જૈને સંદિપ દેસાઈને ફરિયાદ કરી હતી કે, દર બે મહિને સરેરાશ વીજ બિલ રૂ. 3200 આવતું હતું હવે 2000 રૂપિયાનું રિચાર્જ 15 દિવસમાં પૂરું થઈ ગયું છે.
કંઈક ગરબડ જરૂર છે. આવું ઊંચું બિલ આવશે તો લોકો રસ્તા પર આવી જશે. અને સુરતમાં ફાનસ યુગ પાછો આવશે કારણકે, ધંધો વેપાર ચાલી રહ્યો નથી. વેસુની રહેવાસી રમીલા શહેબ કહ્યું હતું કે, 15 દિવસ પહેલા સ્માર્ટ મીટર આવ્યા બાદ 2000 રૂપિયાનું રિચાર્જ પૂરું થઈ જશે તો ગરીબ મધ્યમવર્ગને ખાવા નાં ફાંફાં પડશે