Charchapatra

અનુશાસન

અનુશાસનની વાત આવે ત્યારે  વહીવટ, સત્તા અને અધિકારની વાત આવે. વળી નિયમ અને કાયદાની પણ વાત કરવી પડે. રાજ્ય ચલાવવું, કાયદાનો અમલ કરવો તેમાં આદેશ, આજ્ઞા, હુકમ, ઉપદેશ અને શિખામણનો સમાવેશ થાય. મહાભારતમાં પણ  એ નામનું તેરમું પર્વ , તેમાં ઉપદેશ આપેલો હોવાથી તે અનુશાસનપર્વ કહેવાય છે. અનુશાસન એટલે એક પ્રકારની મર્યાદા. મર્યાદામાં રાખવાની ક્રિયા, નિયમન. મર્યાદા આવે તેમાં હદ, સીમા અને છેડો હોય સાથે અદબ, લાજ-શરમ અને વિવેક જાળવવાં પડે. ક્યાંય અનુશાસનના નામે નિયંત્રણ, મનાઈ, પ્રતિબંધ અને અંકુશ રાખવામાં આવે.

‘રિસ્ટ્રિકશન’ પરિમિતતા પણ એક નિયમ છે. રાજ્ય વહીવટ, કુટુંબ વહીવટ, શૈક્ષણિક કે કોઈ પણ અન્ય વહીવટ માટે અનુશાસન આવકાર્ય છે. કુટુંબમાં વિનય સાથે વડીલોનું માન રાખવાની રીત, સભ્યાચાર, શિષ્ટાચાર સાથે યોગ્ય વર્તણૂક વ્યવહાર કરવામાં આવે તો ઘર મંદિર બની જાય! પ્રકૃતિનાં તત્ત્વો પણ અનુશાસન શીખવે છે. નદીને પણ કિનારો હોય છે. પ્રકૃતિનાં તમામ તત્ત્વો મર્યાદા બહાર જાય તો સારાને બદલે ખરાબ પરિણામો નિપજાવે છે.

તમામ તત્ત્વો નિયમ મુજબ ચાલે છે. કહેવાય છે કે માનવજીવનને જેટલું ઉચ્ચ કોટિનું બનાવવું હોય તેટલું મર્યાદાનું અધિક પાલન જરૂરી છે. અનુશાસનના પ્રતાપે આબરૂ અને પ્રતિષ્ઠા બની રહે છે. અનુશાસનને ધર્મ સમજી પાલન કરવું જોઈએ. હક અધિકારની માંગણી કરનારે ફરજ, જવાબદારી અદા કરવાની સંપૂર્ણ તૈયારી રાખવી જ પડે.  અનુશાસનમાં દાબદબાણને સ્થાન નથી. કોઈને પણ અનુશાસનના પાઠ શીખવવા હોય તો પ્રેમપૂર્વક વ્યવહાર સાથે શીખવી શકાય.

તેનું પાલન કરનારના નૈતિક બળમાં પણ વધારો થાય છે. અગ્રજની વાત અનુજ પ્રેમથી માને તે અનુશાસન થયું કહેવાય.જેમાં પ્રમાણ આપી સાબિત કરવાપણું સમાયેલું હોય છે. લોકશાહીમાં પણ નિયમ, કાયદાનું પાલન સૌ કરે તે સમયની માંગ છે. એકબીજા પ્રતિ સમર્પણની ભાવના રાખવાથી અનુશાસન સહજ બની જાય છે. માત્ર ઉપદેશાત્મક વ્યવહાર ન કરતાં નિયમોનું યોગ્ય પાલન કરવાથી જ સૌને ન્યાય મળે છે. સર્વત્ર સુખ, શાંતિ પ્રસરે છે. ચાલો, દરેક સમયે નિયમોનું પાલન કરીએ અને કરાવીએ.
નવસારી  – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top