Comments

આર્ટ ઓફ બેલેન્સીંગ

જ્યોતિ અને પ્રીતિ બંને કોલેજની સહેલીઓ હતી.લગ્ન થયા બાદ સાસરું પણ નજીક હતું. બંને સવારે સાથે વોક માટે જતી અને એકમેકનો સાથ માણતી અને તેમની દોસ્તી લગ્ન બાદ પણ જીવંત છે તેમ વિચારી ખુશ થતી.બંને સહેલીઓ એકમેકને કામમાં પણ મદદરૂપ થતી.વાર તહેવારે, પ્રસંગે એકમેકના ઘરે પણ જતી. સમય વિતતાં બંનેએ એક એક સંતાનને જન્મ આપ્યો.જ્યોતિની દીકરી શ્રેયા અને પ્રીતિના દીકરા વિહાન, વચ્ચે માત્ર એક મહિનાનો જ ફર્ક હતો.માતા બનતાં જવાબદારીઓ વધી અને તેમનો મોટા ભાગનો સમય ઘર અને નાના બાળકની જવાબદારીમાં જ વીતવા લાગ્યો. એકમેકને મળવાનું તો દૂર ,ફોન પર પણ વાત થતી ન હતી.આમ છ થી આઠ મહિના વીતી ગયા. બાળકો થોડાં મોટાં થયાં.એક દિવસ અચાનક બંને બહેનપણીઓ રસ્તામાં મળી અને પ્રીતિ તો જ્યોતિને જોતાં જ દોડીને ભેટી પડી અને રડવા લાગી.

જ્યોતિએ કહ્યું, ‘અરે, રડે છે શું? એક તો કેટલા વખતે મળ્યા?’ પ્રીતિ બોલી, ‘ના કંઈ નહિ મહિનાઓ પછી તને જોઈ એટલે રડી પડાયું.મા બન્યા બાદ જવાબદારીઓ એટલી વધી ગઈ કે આપણે બંને એક્બીજાને મળી શકતાં નથી.શું જીવનમાં આવું જ થાય. એક સંબંધ બાંધીએ એટલે પહેલાંના સંબંધો તૂટતા જાય અથવા ઓછા થતાં જાય.લગ્ન પછી માતા –પિતાથી દૂર …સ્વજનોથી દૂર ..મિત્રોથી દૂર …આપણે તો લગ્ન પછી નજીક હતાં,રોજ મળતાં હતાં, પણ હવે આ બાળકોની જવાબદારીમાં આપણે પણ મળી શકતાં નથી.’ જ્યોતિ બોલી, ‘પ્રીતિ, જીવનમાં અને સંબંધોમાં થોડા ઉતાર-ચઢાવ આવે…જીવનમાં પ્રેમ ,લાગણી અને સંબંધોનું બેલેન્સીંગ આપણે કરતાં શીખવું પડે.

પ્રેમ મેળવવા લગ્ન કર્યા …નવા સંબંધો મળ્યા…જૂનાને ભૂલવાની કે તોડવાની જરૂર ન હોય, જાળવતા બેલેન્સીંગ કરતા આવડવું જોઈએ. શનિ – રવિ રજામાં ન નીકળી શકાય અથવા બીજા કાર્યક્રમ હોય એટલે ન જઈ શકાય એટલે હું લગભગ દર શુક્રવારે મમ્મી પપ્પાને મળી આવું છું.આપણે પણ કેવા સવારે મોર્નિંગ વોક કરતાં મળતાં હતાં…’ પ્રીતિ વચ્ચે બોલી, ‘હા, એ આઈડિયા તારો જ હતો પણ … હવે કયાં મળીએ છીએ અને હવે શક્ય પણ નથી.’ જ્યોતિ બોલી, ‘દોસ્ત મારી, આમ મન ખાટું ન કર,આપણે બંનેએ સંતાનને જન્મ આપ્યો, બહુ મોટું સુખ મળ્યું, માતા બનવાનું તો જીવનમાં બદલાવ આવે જ ને….હવે ઘણો સમય પસાર થઈ ગયો છે, આપણાં બાળકો પણ હવે ચાલતાં શીખશે.

હું અને તું બંને સવારે ન મળી શકીએ, પણ રોજ સાંજે બાળકોને ગાર્ડનમાં રમવા સાથે લઇ જઈશું અને ત્યાં મળીશું. દરેક બાબત અને સંબંધને જાળવતાં ,સંભાળતાં અને ટકાવી રાખવા આપણે રસ્તો કાઢતાં શીખવું પડે.જીવનમાં ફરિયાદ ન કરાય. આર્ટ ઓફ બેલેન્સીંગ શીખી લેવાય સમજી.’ પ્રીતિ,જ્યોતિને ભેટી પડી અને સાંજે ગાર્ડનમાં બાળકો સાથે મળવાનું નક્કી કરી બંને બહેનપણીઓ છૂટી પડી.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top