SURAT

પોઇચા હોનારત: એક જ પરિવારના 4 સભ્યોની અંતિમવિધી: પરિવારો બાળકોના મૃતદેહ જોઈ કકળી ઉઠ્યા

સુરત: (Surat) પોઇચા ખાતે ત્રિવેણી સંગમમાં નાહવા માટે ગયેલા સુરતની એક જ સોસાયટીના 8 લોકો નદીમાં (River) ડૂબી જતાં સાત મૃતકોના પરિવારજનોના માથે તો જાણે આભ તૂટી પડ્યું છે. માત્ર એક જ વ્યકિતને બચાવી શકાઈ હતી. ભારે શોધખોળ બાદ 6 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. હજી એક બાળકના મૃતદેહની શોધખોળ ચાલી રહી છે. આ હોનારતમાં એક જ પરિવારના 4 સભ્યો પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. જેથી ગુરુવારે રાત સુધી તેમના મૃતદેહને સુરત લઈને આવવામાં આવ્યા હતા. ત્યારબાદ મધરાત્રે 3 બાળક સહિત 4 લોકોની અંતિમ વિધિ કરવામાં આવી ત્યારે ભલભલાના કાળજા કંપી ઉઠ્યા હતા. પરિવારજનો વ્હાલસોયાના મોતના આઘાતથી કકળી ઉઠ્યાં હતા.

સારોલી સણીયા હેમાદ ખાતે આવેલી ક્રિષ્નાપાર્ક સોસાયટીમાં ભરતભાઈ મેધાભાઈ બલદાણીયા (45 વર્ષ) પરિવાર સાથે રહેતા હતા. ભરતભાઈ સ્થાનિક વિસ્તારમાં મોજા બનાવવાની ફેકટરી ચલાવતા હતા. સાથે સાથે ભરતભાઈ સોસાયટીમાં શ્રી ગોપીક્રિષ્ણા મંડળના સંચાલક તેમજ આગેવાન હતા. અઠવાડિયા પહેલાં સોસાયટીમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 દિવસ પહેલા તે પૂરી થઈ હતી. ત્યારબાદ મંગળવારે સવારે ભરતભાઈ, સોસાયટીના અન્ય આગેવાન મગનભાઈ ઝિંઝાળા સહિત 17 લોકો પીકઅપ ટેમ્પોમાં નર્મદા ત્રિવેણી સંગમમાં નાહવા માટે તેમજ ફરવા માટે ગયા હતા. જ્યાં પાણીમાં એક બાજુ મહિલા તેમજ બીજી બાજુ પુરુષ અને બાળકો નાહતા હતા. તે સમયે એકાએક પુરુષ અને બાળકો સહિત 8 લોકો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેમાંથી મગનભાઈ જ બચી શક્યા હતા

ગુરુવારે સાંજે ભરતભાઈ, તેમના બે બાળકો અને ભત્રીજાના મૃતદેહ નિવાસસ્થાને લવાયા
આ ઘટનામાં સોસાયટીના પ્રમુખ મગનભાઈને બચાવી લેવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ 6 બાળકો સહિત 7 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે શોધખોળ બાદ 6 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં ગુરુવારે રાત્રે ભરતભાઈ, તેમનો મોટો પુત્ર મૈત્ર્ય, નાનો પુત્ર આરનવ તેમજ ભત્રીજો વર્જના મૃતદેહને સુરત નિવાસ સ્થાને લઈને આવ્યા હતા. ત્યારબાદ તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. હાલ એક 7 વર્ષના બાળકના મૃતદેહની શોધખોળ ચાલુ હોવાની માહિતી જાણવા મળી હતી.

Most Popular

To Top