National

કેજરીવાલના ‘જેલમાં પાછા નહીં જવાનાં’ દાવા પર કોર્ટમાં ED નારાજ, કોર્ટે કહી આ વાત

સુપ્રીમ કોર્ટે (Supreme Court) દિલ્હી લિકર પોલિસી કેસમાં EDની ધરપકડ વિરુદ્ધ સીએમ અરવિંદ કેજરીવાલની (Arvind Kejriwal) અરજી પર ગુરુવારે 16 મેના રોજ સુનાવણી કરી. કેજરીવાલને જામીન આપવા બાબતે કોર્ટે કહ્યું કે તેમને કોઈ ખાસ છૂટ આપવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યપ્રધાન અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નિવેદન પર કોઈ પગલાં લેવાનો ઈન્કાર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે જો આમ આદમી પાર્ટીને વોટ આપવામાં આવશે તો તેમને ફરીથી જેલમાં નહીં જવું પડશે.

ગુરુવારે સુપ્રીમ કોર્ટ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 1 જૂન સુધી વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યું કે અમે અમારા નિર્ણયમાં કહ્યું હતું કે અમને લાગ્યું કે તે વાજબી છે. જો કે કોર્ટે એમ પણ કહ્યું કે અમે આ નિર્ણયની આલોચનાત્મક સમીક્ષાને આવકારીએ છીએ.

ED વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા કોર્ટમાં હાજર થયા હતા. તેમણે કહ્યું કે જામીન પર બહાર આવ્યા બાદ કેજરીવાલ પોતાના ચૂંટણી ભાષણોમાં કહી રહ્યા છે કે જો લોકો AAPને મત આપશે તો તેમને 2 જૂને જેલમાં નહીં જવું પડશે. સુપ્રીમ કોર્ટે EDની દલીલને ફગાવી દીધી અને કહ્યું કે આ તેમનું અનુમાન છે. અમે આ અંગે કશું કહી શકીએ તેમ નથી. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે એક કેન્દ્રીય મંત્રીએ પણ નિવેદન આપ્યું છે. જોકે સુનાવણી દરમિયાન તેમનું નામ લેવામાં આવ્યું ન હતું.

લાઈવ લો અનુસાર જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ સમક્ષ ED તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરવિંદ કેજરીવાલના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. સોલિસિટર જનરલે કહ્યું કે તે કહે છે કે જો લોકો AAPને મત આપશે તો તેમને 2 જૂને જેલમાં જવું પડશે નહીં. તે આ કેવી રીતે કહી શકે? આ અરજીકર્તા તરફથી સિસ્ટમને થપ્પડ છે. કૃપા કરીને જુઓ કે પ્રથમ દિવસે તેમણે શું કહ્યું, તમે કહ્યું હતું કે તે આ બાબતે કે કંઈ નહીં કહે.

આના પર જસ્ટિસ ખન્નાએ કહ્યું કે અમે આ નથી કહ્યું, પરંતુ કહ્યું હતું કે તેઓ આ કેસમાં તેમની ભૂમિકા વિશે ચર્ચા કરશે નહીં. જસ્ટિસ ખન્નાએ કહ્યું કે આ તેમની (કેજરીવાલ) ધારણા છે, અમને ખબર નથી. અમને જે યોગ્ય લાગ્યું અને અમારો આદેશ ખૂબ જ સ્પષ્ટ હતો. અમે આમાં પડશું નહીં.

Most Popular

To Top