પોલીસ મથક નજીકની જ સોસાયટીમાં ત્રાટકી ચોરોએ પોલીસને પણ પડકાર ફેક્યો
સાવલી નગરમાં આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીનાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ને રૂપિયા વીસ હજારની મતાની ચોરી કરીને અજાણ્યા તસ્કરો ફરાર થઈ જતાં નગરની સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જાણવા મળ્યા પ્રમાણે સાવલી નગરની ક્રિષ્ના પાર્ક સોસાયટીનાં ઘર નં ૧૮ માં મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ તાળા તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. જયંતી ભાઈ છગન ભાઈ રાવળ મૂળ નિવૃત્ત શિક્ષક છે અને અમદાવાદ પોતાના સગા નાં ઘેર ગયા હતા ત્યારે અજાણ્યા હરામ ખોરો એ સુના ઘર ને નિશાન બનાવ્યું હતું. માલિક ઘરે નાં હોઈ જેનો લાભ લઇ બંધ મકાનને ચોરો દ્વારા નિશાન બનાવીને ઘરમાંથી ૫૦૦૦ રૂપિયા રોકડા તેમજ બે નંગ ઘડિયાળ રૂપિયા બે હજાર અને એક જોડ ચાંદીના ઝાંઝર ૮૦૦૦ રૂપિયા ની મળી કુલ આશરે વીસ હજાર ની ચોરી થઈ હોવાનું ઘર માલિક જયંતીભાઈ રાવળે જણાવ્યું છે. જોકે ઘરની તમામ ઘરવખરી વેરવિખેર હોવાથી હાલ આટલી જ રકમની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. વહેલી સવારમાં પાડોશીઓએ મકાનના તાળા તૂટેલી હાલતમાં જોતા ચોરી થયાનું જણાયું હતું. જેથી આજુબાજુનાં રહીશો દ્વારા ઘર માલિકને ટેલિફોન દ્વારા ચોરી થયાની માહિતી આપવામાં આવી હતી. બનાવના પગલે સાવલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ બનાવ સંદર્ભે અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
સાવલી પોલીસ સ્ટેશનથી નજીકનાં એરિયામાં આવેલ સોસાયટીમાં ચોરી કરીને અજાણ્યા ચોરો એ સાવલી પોલીસને પણ રીતસરનો પડકાર ફેક્યો હોય તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. આ ચોરી ના પગલે આજુબાજુ નાં રહીશો તેમજ સોસાયટી માં રહેતા લોકો માં પણ ભય નો માહોલ ફેલાયો છે.
તસવીરમાં સાવલી ની ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં અજાણ્યા તસ્કરો એ ચોરી કરીને ઘરનો સામાન વેરવિખેર હાલતમાં નજરે પડે છે