SURAT

સુરતમાં મહિલા દોડતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડી, RPF જવાને બચાવ્યો જીવ, CCTV આવ્યા સામે

સુરત: સુરત રેલવે સ્ટેશન પર આરપીએફ જવાનની સમયસૂચકતા, સ્ફૂર્તિ અને ચપળતાના લીધે એક મહિલાનો જીવ બચ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

ઘણીવાર લોકો ટ્રેન પકડવાની લ્હાયમાં પોતાનો જીવ જોખમમાં મુકતો હોય છે. સુરતના રેલવે સ્ટેશન પર તા. 14મી મેની સવારે આવી જ એક ઘટના બની હતી. તા. 14મી મેની સવારે 9 વાગ્યે સુરત સ્ટેશન પર દોડતી ટ્રેનમાં ચઢવા જવાની ઉતાવળમાં મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી ગઈ હતી. જોકે, આરપીએફના જવાને તેને ખેંચી લઈ બચાવી લીધી હતી.

સવારે 9 વાગ્યે આરપીએફના કોન્સ્ટેબલ પુષ્પેન્દ્ર પ્લેટફોર્મ નં. 1 પર ફરજ પર હતા. ત્યારે પ્લેટફોર્મ નંબર 1 પર મારુસાગર એક્સપ્રેસ આવી હતી. આ ટ્રેન તેના નિર્ધારિત સમયે ઉપડી હતી. ટ્રેન ઉપડી ત્યાર બાદ એક મહિલા પેસેન્જર પ્લેટફોર્મ પર દોડતી આવી હતી. તે મહિલા ટ્રેનમાં ચઢવા ગઈ હતી, પરંતુ તેણીએ બેલેન્સ ગુમાવી દીધું હતું અને તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડી હતી.

જોકે, નજીકમાં જ ઉભેલા કોન્સ્ટેબલ પુષ્પેન્દ્રની નજર તેની પર પડી હતી અને તરત દોડી જઈ મહિલાને બાવડાંથી પકડી બહાર ખેંચી લઈ તેનો જીવ બચાવી લીધો હતો. મહિલાએ પોતાની ભૂલ બદલ માફી માંગી હતી અને આરપીએફ કોન્સ્ટેબલનો આભાર માન્યો હતો. આ સમગ્ર ઘટના રેલવે પ્લેટફોર્મના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

Most Popular

To Top