ફિલ્મોના વિવિધ પ્રકાર પૈકીનો એક છે ‘હોરર’ ફિલ્મોનો, જેનો એક આગવો ચાહક વર્ગ છે. ‘હોરર’નો સાદો અર્થ થાય છે ભય, આંતક, દહેશત વગેરે. ફિલ્મોના આ પ્રકારમાં સામાન્ય રીતે અલૌકિક તત્ત્વ અને તેના થકી ઊભી થતી દહેશત કેન્દ્રસ્થાને હોય છે. સાદી ભાષામાં તેને ‘ભૂતિયા’ કહી શકાય. વાર્તાસાહિત્યમાં પણ આ પ્રકાર ચલણી છે, જે ખરેખર તો ફિલ્મોથી વહેલો અસ્તિત્વમાં આવ્યો. ‘ડ્રેક્યુલા’, ‘ફ્રેન્કેન્સ્ટાઈન’ જેવાં પાત્રો ‘હોરરકથા’નાં અતિ જાણીતાં કહી શકાય. ફિલ્મોમાં ‘ધ એક્ઝોરસિસ્ટ’, ‘ધ એન્ટિટી’, ‘પોલ્ટરગેસ્ટ’, ‘ઈવિલડેડ’, ‘ધ કોન્જ્યુરિંગ’ જેવી અંગ્રેજી સહિત અનેક અન્ય ભાષી ફિલ્મો આ શ્રેણીમાં સ્થાન પામે છે.
આવી કથાઓ વાંચનારો અને ફિલ્મો જોનારો જુદો જ વર્ગ છે, જે તેને બરાબર માણે છે. ઘણાં વાચકો કે દર્શકો કબૂલે છે કે આવી કથાઓ વાંચતાં કે ફિલ્મો જોતાં તેઓ રીતસર ડરી જાય છે, ફફડી ઊઠે છે અને લાંબા સમય સુધી તેઓ તેની અસરમાં રહે છે. છતાં તેઓ આ પ્રકારનો આનંદ લેતાં રહે છે. રહસ્યરંગી સાહિત્યને ઘણા સમય સુધી ‘સાહિત્ય’નો દરજ્જો નહોતો મળ્યો. તો ‘હોરર’નો પ્રકાર તેનાથી પણ નીચલા દરજ્જે બિરાજે છે એમ કહી શકાય. આવા માહોલમાં પુસ્તકવિક્રયની વિગતો એકઠી કરતી ઈન્ગ્લેન્ડસ્થિત કંપની ‘નિલ્સન બુકસ્કેન’
દ્વારા બહાર પડાયેલા વેચાણના આંકડા આશ્ચર્યજનક છે. એ મુજબ વર્ષ 2022-23 દરમિયાન હોરર કથાઓનાં પુસ્તકોના વેચાણમાં 54 ટકા જેટલો અધધ કહી શકાય એટલો ઉછાળો નોંધાયો છે. કુલ 7.7 મિલીયન યુરો એટલે કે આશરે 68 કરોડ રૂપિયાની કિંમતનાં આવાં પુસ્તકો આ અરસામાં વેચાયાં છે.વર્તમાન વર્ષ એટલે કે 2024ના પ્રથમ ત્રણ મહિનામાં પણ વેચાણ અગાઉના વર્ષ કરતાં 34 ટકા ઊંચું રહ્યું છે. આ પરિણામ નવાઈ પમાડે એવું છે. એટલે સ્વાભાવિકપણે જ તેનાં કારણોમાં ઊંડા ઊતરવાની કવાયત ચાલી.
એક કારણ કે તારણ એ મળ્યું કે આ સમયગાળો વિશ્વભરમાં સામાજિક અને રાજકીય અસ્થિરતાનો બની રહ્યો. યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ, ઈઝરાયલના પેલેસ્ટાઈન પર હુમલા, મહામારીનો ઝળુંબી રહેલો ઓથાર, આર્થિક અનિશ્ચિતતા, આત્યંતિક હવામાનની વિપરીત અસરો વગેરે આના માટે જવાબદાર હોવાનું મનાય છે. એ શી રીતે?
આવી કથાઓના લેખક અને પ્રકાશક માને છે કે આમ થવાનું એક કારણ એ છે કે આ કથાપ્રકાર રાજકીય પણ છે. થોડા સમય પહેલાં જ પ્રકાશિત થયેલી ‘ધ હન્ગરી ડાર્ક’ નવલકથાનાં બ્રિટીશ લેખિકા જેન વિલીયમ્સના જણાવ્યા અનુસાર, ‘વૈશ્વિક ઘટનાઓની સમાંતરે હોરર સાહિત્યના વેચાણમાં સતત વધઘટ થતી રહે છે. વાસ્તવિક જીવનની ભયાવહતા સામે તે આભાસી, વધુ ડરામણું, છતાં આનંદ આપતું પ્રતિબિંબ દેખાડે છે. યુદ્ધ, મહામારી, હવામાન પરિવર્તન જેવી ઘટનાઓના ચિંતાજનક કાળમાં આપણે જીવી રહ્યાં છીએ.
ત્યારે એ જોવું રસપ્રદ બની રહે છે કે હોરર કથા ફરી પાછી ચલણમાં આવી રહી છે અને વધુ લોકો સુધી પહોંચી રહી છે.’એટલાન્ટિક બુક્સ’નાં એક સંપાદિકા જોઆના લીના જણાવ્યા અનુસાર હોરર કથાનો પ્રકાર ‘અનિવાર્યપણે રાજકીય’ છે. ‘બરો પ્રેસ’નાં એડિટર-એટ-લાર્જ કહે છે કે નિષ્ણાતો માને છે કે કઠિન સમયમાં વાચકો આનંદદાયક વિષયો વાંચવાનું પસંદ કરે છે, પણ આ પ્રવાહ એથી વિરુદ્ધનો છે.
વાચકો કદાચ એમ માનીને એ તરફ દોરાતાં હશે કે, ‘આનાથી પણ બદતર પરિસ્થિતિ હોઈ શકે. હું બદલો લેનારા આત્માઓના હુમલાનો ભોગ બની શકું.’ ઘણાં નવાં હોરર પુસ્તકોમાં નારીવાદનું ચિત્રણ ગાઢ રીતે થયેલું જોવા મળે છે. એ ઉપરાંત (સંબંધોમાં) સંમતિ, માતૃત્વ, ઉલ્લંઘન દર્શાવતી હોરર કથાઓ અતિશય લોકપ્રિય છે. મહિલાઓનો ક્રોધાવેશ અને લાંબા સમયથી દાબી રાખેલાનો સ્ફોટ થાય ત્યારે સર્જાતી પરિસ્થિતિ જેવી બાબતો આ કથાપ્રકારમાં એકદમ બંધ બેસે છે.
આગામી જૂનમાં પ્રકાશ્ય ‘ફ્રીકસ્લો’ નામની નવલકથાનાં લેખિકા જેન ફ્લેટના જણાવ્યા મુજબ હોરર પુસ્તકમાં ઉછાળો આવવાનું કારણ તાજેતરનાં વર્ષોમાં આપણે અનુભવેલી આઘાતજનક ઘટનાઓની પ્રતિક્રિયા છે. ચોમેર બોઝિલ વાતાવરણ હોય ત્યારે અંધારાને લપેટાઈ જવામાં એક આભાસી રાહત મળે છે.તેમણે એમ પણ કહ્યું કે તેમના ખુદના માટે આવી ભયાવહ કથાઓ એક એવો અવકાશ પૂરો પાડે છે, જેમાં તેઓ તાકાત અને તાકાતવિહીનતા એમ બન્ને પરિબળો સાથે રમી શકે છે. આપણી પાસેથી આપણું ચેન હરી લેવા તત્પર હોય એવા જગતમાં આવી અનુભૂતિ અતિશય ભાવશામક બની રહે છે.
જરા વિચિત્ર લાગે, પણ એ હકીકત છે કે ઘણી વાર જગતમાં બનતી ઘટનાઓ સમાચાર થકી જાણવા મળે એના કરતાં આવી પરોક્ષ રીતે જાણવા મળે ત્યારે તેની તીવ્રતા વધુ ગંભીરતાથી અને યોગ્ય પ્રમાણમાં ધ્યાને આવે છે. આવું જ અન્ય એક માધ્યમ છે રાજકીય કાર્ટૂન. પોતપોતાના પ્રદેશમાં અને એ રીતે સમસ્ત વિશ્વમાં બની રહેલી અરાજકતાભરી ઘટનાઓમાં નાગરિકોના ભાગે તેને વેઠવા કે સાક્ષી બનવા સિવાય ભાગ્યે જ કશું કરવાનું આવે છે.
શાસકો પોતાનો ધર્મ ચૂકે, પણ નાગરિકોએ નાગરિકધર્મનું પાલન કર્યે રાખવું એવી અપેક્ષા સેવવામાં આવે છે. પોતે જ પસંદ કરેલા શાસકને તગેડી મૂકવાનો વિકલ્પ સામાન્ય સંજોગોમાં એટલો હાથવગો નથી હોતો, કેમ કે, એ જોગવાઈ શાસકે પોતાના પક્ષે આગોતરી કરી લીધી હોય એ શક્યતા વધુ હોય છે. વાસ્તવ જીવનની કપરી પરિસ્થિતિ કરતાંય બદતર પરિસ્થિતિ હોઈ શકે એ ધારણાથી પ્રેરાઈને લોકો હોરર પુસ્તકોના વાચન તરફ વળે એ જ સૂચવે છે કે વિશ્વભરમાં અશાંતિ અને અરાજકતા આપણે કાને કે આંખે ચડે છે એથી અનેકગણી વધુ પ્રમાણમાં વ્યાપ્ત છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.