Columns

મુંબઈ મેટ્રો રેલવે-૩નાં ૨૭ સ્ટેશનો પૈકી ૨૬ અન્ડરગ્રાઉન્ડ હશે

લોકલ ટ્રેનને મુંબઈની લાઈફલાઈન કહેવામાં આવે છે, પણ તેમાં ભીડને કારણે એટલા બધા અકસ્માતો થાય છે કે તે મુંબઈની ડેથલાઈન બની ગઈ છે. મુંબઈગરાને લોકલ ટ્રેનની ભીડથી છૂટકારો અપાવવા માટે આખા મહાનગરમાં મેટ્રો રેલવેનું જાળું બિછાવવામાં આવી રહ્યું છે, જે પૈકી બે લાઈનો ચાલુ પણ થઈ ગઈ છે. વરસોવાથી ઘાટકોપર અને અંધેરી (વેસ્ટ) થી ગુંદવલી વચ્ચે ચાલુ થયેલી બે મેટ્રોનો લાભ મુંબઈગરાઓ ઉઠાવી રહ્યા છે ત્યાં જાહેરાત થઈ છે કે મુંબઈનો સૌથી મહત્ત્વાકાંક્ષી મેટ્રો-૩ પ્રોજેક્ટ તેના ટ્રાયલ રનના તબક્કામાં આવી ગયો છે.

આ મેટ્રો રેલવે આરે કોલોનીથી શરૂ થઈને દક્ષિણ મુંબઈમાં કફ પરેડ સુધી જશે. આ મેટ્રો દ્વારા પહેલી વખત દક્ષિણ મુંબઈની મુસાફરી કરી શકાશે. આ મેટ્રો નરીમાન પોઈન્ટ, કફ પરેડ, ફોર્ટ, લોઅર પરેલ, BKC અને SEEPZ જેવા વ્યસ્ત વિસ્તારોને જોડશે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ)ના ડાયરેક્ટર (પ્રોજેક્ટ્સ) એસ. કે. ગુપ્તાના જણાવ્યા અનુસાર લગભગ  રૂ. ૩૮,૦૦૦ કરોડના ખર્ચે બનેલ મુંબઈ મેટ્રો-૩ પ્રોજેક્ટની કુલ લંબાઈ ૩૩.૫ કિમી હશે. આ મેટ્રો લાઇન સંપૂર્ણપણે અન્ડરગ્રાઉન્ડ હશે. તેનાં ૨૭ સ્ટેશનોમાંથી ૨૬ અંડરગ્રાઉન્ડ હશે, માત્ર એક સ્ટેશન જમીનથી ઉપર હશે. આ મેટ્રો કોલાબાથી સીપ્ઝનું અંતર એક કલાકમાં કાપશે.

ચર્ચગેટથી દહાણુ અને મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કર્જત, કસારા અને પનવેલ સહિત નવી મુંબઈનાં ઉપનગરો સહિતનાં દૂરનાં સ્ટેશનોથી મુસાફરો આ લાઈફલાઈન મારફતે મુંબઈ પહોંચી રહ્યા છે, પરંતુ આ તમામ ઉપનગરીય રેલવે લાઈનો દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને ચર્ચગેટમાં સમાપ્ત થાય છે. આનાથી આગળ મુંબઈવાસીઓને કફ પરેડ સુધી પહોંચવા માટે ટેક્સી અથવા બસ લેવી પડે છે, પરંતુ મુંબઈ મેટ્રો લાઈન-૩ મુંબઈના હૃદયમાંથી પસાર થશે અને ઘણાં મહત્ત્વપૂર્ણ કાર્યસ્થળો, કૉલેજો, હોસ્પિટલોને જોડશે. મુંબઈ મેટ્રો-૩ ત્રણ તબક્કામાં શરૂ કરવામાં આવશે. તેમાં આરે કોલોનીથી બાંદરા કુર્લા કોમ્પ્લેક્સનો પહેલો તબક્કો જુલાઈ મહિનાના અંતમાં શરૂ થવાની ધારણા છે.

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મુંબઈના દક્ષિણ છેડેથી ઉત્તરમાં પૂર્વ અને પશ્ચિમ ઉપનગરો વચ્ચે સ્થિત SEEPZ અને આરે કોલોનીને જોડતી આ મેટ્રો લાઇન દરરોજ ૧૭ લાખ મુસાફરોની અવરજવરને સરળ બનાવશે. હાલમાં તેનું ૮૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ લાઈન શરૂ થવાથી મુંબઈના તે વિસ્તારો કે જ્યાંથી ઉપનગરીય ટ્રેનો પસાર થતી ન હતી તે પણ મુસાફરો માટે સુલભ થઈ જશે. MSRC અધિકારીના જણાવ્યા અનુસાર, આરેથી BKC વચ્ચે ટ્રાયલ રનની પ્રક્રિયા અંતિમ તબક્કાની નજીક પહોંચી ગઈ છે.

હાલમાં ટ્રેનમાં ભારે વજન મૂકીને ટ્રેન અને રૂટ ચેક કરવાની કામગીરી ચાલી રહી છે. આ સમય દરમિયાન, મેટ્રોને ૯૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી રહી છે અને તેનાં તમામ ઉપકરણોની તપાસ કરવામાં આવી રહી છે. મેટ્રો દોડવાની સાથે સિગ્નલિંગ સિસ્ટમ, ટેલિકોમ્યુનિકેશન, પ્લેટફોર્મ સ્ક્રીન ડોર અને ટ્રેકના ટેસ્ટિંગનું કામ પણ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં મેટ્રો રૂટના થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનની પ્રક્રિયા હાથ ધરાશે. આ પછી મેટ્રો રેલ સેફ્ટી બોર્ડને અંતિમ પરીક્ષણ માટે આમંત્રિત કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું કામ આખરી તબક્કાને આરે આવતાં મેટ્રો વહીવટીતંત્રે બીજા તબક્કાનું કામ ઝડપી બનાવ્યું છે. પ્રથમ તબક્કામાં ૯ ટ્રેનો સાથે સેવાઓ શરૂ કરવામાં આવશે. તમામ ૯ ટ્રેનોનું નિરીક્ષણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કામાં મેટ્રો સેવા શરૂ કરવા માટે વધારાની ૧૧ મેટ્રો ટ્રેનો મુંબઈ પહોંચી ગઈ છે. વધારાની ટ્રેનોના ટેસ્ટિંગનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.

પ્રથમ તબક્કામાં આરેથી બીકેસી, બીજા તબક્કામાં બીકેસીથી વરલી અને ત્રીજા તબક્કામાં વરલીથી કોલાબા વચ્ચે મેટ્રો સેવાઓ શરૂ કરવામાં આવશે. જુલાઈ સુધીમાં પ્રથમ તબક્કામાં મેટ્રો સેવા શરૂ થવાની ધારણા છે. સમગ્ર રૂટ પર સેવાઓ ૨૦૨૪ના અંતમાં અથવા ૨૦૨૫ની શરૂઆતમાં શરૂ થવાની ધારણા છે. મેટ્રો-3 કોરિડોર આરે અને કોલાબા વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે, તેથી મેટ્રો પ્રશાસને ખાસ કારણોસર બીજા તબક્કાના છેલ્લા સ્ટેશન માટે આચાર્ય અત્રે ચોક સ્ટેશનની પસંદગી કરી છે.

મેટ્રો અધિકારીના જણાવ્યા અનુસાર મેટ્રો રૂટ પર ક્રોસ ઓવર (ઇન્ટરચેન્જ) સુવિધાઓ બીકેસી અને આચાર્ય અત્રે ચોક, શિવાજી ટર્મિનસ અને કફ પરેડ સ્ટેશનો પર છે. ક્રોસ ઓવર ફેસિલિટીને કારણે પ્રથમ તબક્કા માટે આરેથી બીકેસી અને બીજા તબક્કા માટે આરેથી બીકેસીની પસંદગી કરવામાં આવી છે. અત્રે એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે ક્રોસ ઓવર દ્વારા ટ્રેનને અપ લાઇનથી ડાઉન લાઇન તરફ વાળવામાં આવે છે. મુંબઈ મેટ્રોનું સમગ્ર નેટવર્ક જ્યારે તૈયાર થઈ જશે ત્યારે મહાનગરના કોઈ પણ ખૂણા પરથી બીજા ખૂણા પર મેટ્રો દ્વારા જઈ શકાશે, પણ તે માટે ચોક્કસ સ્થાને ટ્રેન બદલવી જરૂરી રહેશે.

મુંબઈ સાથે થાણે, નવી મુંબઈ પનવેલ સહિત એમએમઆર ક્ષેત્રમાં મેટ્રો રેલવેનું લગભગ ૩૦૦ કિલોમીટર નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે. મુંબઈનો ટ્રાફિકજામ બધા માટે ત્રાસદાયક છે. ટ્રાફિકજામને લીધે કલાકો વેડફાય છે. પેટ્રોલ અને સમયનો પણ વેડફાટ થાય છે. જો કે મેટ્રો આ સંપૂર્ણ ચિત્ર બદલી શકે છે, પરંતુ મેટ્રોમાં પણ ગિરદી વધી જાય છે. લોકલ ટ્રેનથી સાવ નાની મેટ્રો શું ગિરદીને પહોંચી વળશે એવા પ્રશ્ન સામે મેટ્રોનો જબરદસ્ત પ્લાન છે. ગિરદી સાચવવા માટે મેટ્રો પાસે દરેક દોઢ મિનિટે મેટ્રો દોડાવવાની યોજના છે. દરેક ૯૦ સેકંડે એક મેટ્રો દોડાવી મુંબઈ મેટ્રો દુનિયાની સૌથી જૂની મેટ્રો, એટલે કે લંડનની ધ ટ્યુબને પણ પાછળ મૂકી દેશે.

મુંબઈ મહાનગર પ્રાદેશિક વિકાસ પ્રાધિકરણે દરેક દોઢ મિનિટે ડ્રાઈવર વિના મેટ્રો દોડી શકાશે એવો ભારપૂર્વક વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સીબીટીસી સિગ્નલ ટેકનોલોજીના માધ્યમથી મેટ્રો શરૂ થયાના પ્રથમ દિવસથી દરેક દોઢ મિનિટે મેટ્રો ટ્રેન દોડી શકે છે. સામાન્ય ભાષામાં કહીએ તો બે ટ્રેનમાં આ બાબતે સંવાદ સાધી શકાશે. આ મુજબ આગળની ટ્રેનની ગતિ, અંતરનો અંદાજ લઈને પાછળથી આવનારી ટ્રેન પોતાની ગતિ પર નિયંત્રણ રાખી શકશે. આ બે ટ્રેન વચ્ચેનું સંરક્ષિત અંતર, જેને હેડવે કહેવામાં આવે છે તેને રાખવામાં મદદ કરે છે. આને કારણે ટ્રેનની ફેરીઓ વધવા સાથે ટ્રેનની ટક્કર પણ ટળશે. તેની કાળજી ટ્રેન અને સિગ્નલ યંત્રણા લે છે.

મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણના માધ્યમથી મુંબઈ મહાનગર ક્ષેત્રમાં આગામી લગભગ ૨૦ વર્ષમાં પરિવહનનું નિયોજન ધ્યાનમાં રાખીને ૫૦૦ કિલોમીટરનું મેટ્રોનું જાળું બિછાવવામાં આવશે. અત્યારે કામ ચાલુ છે એ ૩૩૭ કિલોમીટરના ૧૪ રૂટ ઓછા પડશે. તેથી વધુ ૧૧ રૂટ તૈયાર કરવાનું આયોજન છે. કુલ ૨૫ રૂટના લીધે આગામી સમયમાં મેટ્રો મુંબઈની નવી લાઈફલાઈન તરીકે અસ્તિત્વમાં હશે. મુંબઈમાં ટ્રાફિક જામની સમસ્યા નાબૂદ કરવા એમએમઆરડીએ તરફથી ૨૦૦૮ થી ૨૦૨૧ દરમિયાન પરિવહનનો અભ્યાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ અનુસાર મુંબઈ મહાનગર ક્ષેત્રમાં મેટ્રો રૂટની ભલામણ કરવામાં આવી હતી.

તે ભલામણ મુજબ મેટ્રોનું કાર્ય આગળ વધારવામાં આવી રહ્યું છે. હાલમાં ભારતમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ, નાગપુર, કાનપુર અને પુણેમાં ૮૭૨ કિ.મી.ની મેટ્રો લાઈનો કાર્યરત છે અને તેની રોજની સરેરાશ ૮૫ લાખ સવારી છે. આ ઉપરાંત  દિલ્હી, બેંગ્લોર, કોલકાતા, ચેન્નાઈ, કોચી, મુંબઈ, નાગપુર, અમદાવાદ, ગાંધીનગર, પુણે, કાનપુર, આગ્રા, ભોપાલ, ઈન્દોર, પટના, સુરત જેવાં શહેરોમાં લગભગ ૯૮૮ કિ.મી. મેટ્રો રેલ પ્રોજેક્ટ નિર્માણાધીન છે. ટૂંકમાં ભારત દુનિયાની બીજા નંબરની મોટી મેટ્રો સિસ્ટમ બની જશે.

Most Popular

To Top