SURAT

જમનાનગરમાં કેરીના વેપારી અને પોલીસ-પાલિકાના અધિકારીઓ વચ્ચે ઝપાઝપી, જુઓ વીડિયો

સુરત: એક તરફ આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે સરકાર ગરીબ સ્ટ્રીટ વેન્ડરોને લોન આપીને પ્રોત્સાહિત કરી રહી છે બીજી તરફ સુરત મહાનગરપાલિકાનું દબાણ ખાતું પોલીસની મદદથી ગરીબ ફેરિયાઓને ધંધો કરવા દેતી નથી. આજે ભટારના જમનાનગરની ફૂટપાથ પર કેરીનું વેચાણ કરતા ફેરિયાઓ સામે પાલિકાના દબાણ ખાતાએ કાર્યવાહી કરી હતી.

કોઈ પણ લાયસન્સ વિના ગમે ત્યાં રસ્તે પથારો પાથરીને ધંધો કરતા ફેરિયા, વેપારીઓ સામે છેલ્લાં કેટલાંક સમયથી સુરત મનપાનું દબાણ ખાતું આકરું થયું છે. ઝીરો દબાણની પોલિસી હેઠળ રસ્તા કિનારે ખાણીપીણીની કે અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જોકે, આ કામગીરીમાં પણ વ્હાલાદવલાંની નીતિ જ દેખાઈ રહી છે. શહેરમાં અનેક ઠેકાણે બેરોકટોક ખાણીપીણીની લારીઓ અને શાકભાજી, ફ્રૂટનો વેપાર થઈ રહ્યો છે. તે પાલિકાને દેખાતું નથી, પરંતુ ક્યારેક ક્યારેક કોઈ ઠેકાણે કાર્યવાહી કરી પાલિકાના દબાણ ખાતાના અધિકારીઓ પોતાની બાબુ શાહી બતાવી રહ્યાં છે.

આજે પાલિકાના દબાણ ખાતા દ્વારા ભટારના જમનાનગરમાં રસ્તાની કોર્નર પર કેરીનું વેચાણ કરનારા ફેરિયા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ફેરિયાએ વિરોધ કરતાં ટીંગાટોળી કરી બળજબરીપૂર્વક પોલીસની મદદથી તેની સામે અટકની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. ફેરિયાએ વિરોધ કરતાં પોલીસ અને પાલિકાના અધિકારીઓ સાથે ઝપાઝપી કરી હતી. બીજી તરફ કેટલાંક અધિકારીઓએ કેરીના ટોપલાં રસ્તે ઊંધા વાળી દીધા હતા.

આ ઘટનાનો કોઈકે વીડિયો ઉતારી લીધો હતો. જેમાં જોઈ શકાય છે કે પાલિકાના અધિકારીઓ ફેરિયા સાથે દાદાગીરી કરી રહ્યાં છે. ફેરિયાએ જે લોકો હપ્તા આપે તેની સામે પાલિકા કાર્યવાહી કરતું નથી એવા આક્ષેપો પણ વીડિયોમાં કર્યા હતા. ફેરિયાએ કહ્યું 50 હજાર વ્યાજે લઈ વેપાર કરી રહ્યાં છે. નુકસાન થશે. એક તરફ સરકાર લોન આપે અને બીજી તરફ આ લોકો ધંધો કરવા દેતા નથી. જોકે, દબાણ ખાતાએ પોલીસની મદદથી કાયદેસરની કાર્યવાહી ફેરિયા સામે કરી હતી.

Most Popular

To Top