National

માધવી લતાએ બૂથ પર મુસ્લિમ મહિલાઓનો બુરખો હટાવી તપાસ કરી, હૈદરાબાદના આ BJP ઉમેદવાર સામે કેસ

હૈદરાબાદ લોકસભા સીટ માટે આજે ચોથા તબક્કામાં એટલે કે 13 મેના રોજ મતદાન થઈ રહ્યું છે. દરમિયાન હૈદરાબાદથી (Hyderabad) ઓવૈસી સામે ચૂંટણી (Election) લડનાર માધવી લતાની મુશ્કેલીઓ વધી ગઈ છે. હૈદરાબાદ પોલીસે માધવી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. માધવી લતાએ પોલિંગ બૂથની અંદર મુસ્લિમ મહિલાઓને તેમનો બુરખો હટાવવા માટે કહ્યું હતું.

તેલંગાણાની હૈદરાબાદ લોકસભા સીટથી ચૂંટણી લડી રહેલા બીજેપી ઉમેદવાર માધવી લતા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ કેસ આઈપીસીની કલમ 171C, 186, 505(1)(C) અને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 132 હેઠળ મલકપેટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. માધવી લતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પોલિંગ બૂથની મુલાકાત દરમિયાન મુસ્લિમ મહિલાઓના ઓળખ કાર્ડ ચેક કરતી જોવા મળી હતી.

વીડિયોમાં જોઈ શકાય છે કે બીજેપી ઉમેદવાર માધવી લતા પોલિંગ બૂથની અંદર મુસ્લિમ મહિલાઓને તેમનો બુરખો હટાવવા માટે કહી રહી છે અને તેમના ઓળખ કાર્ડ ચેક કરતી જોવા મળી રહી છે. એટલું જ નહીં તે તેમને તેમની ઓળખ જાહેર કરવા માટે પણ કહી રહી છે. આ બાબતે ભાજપના ઉમેદવાર માધવી લતાનું કહેવું છે કે તેમણે મુસ્લિમ મહિલાઓને તેમની ઓળખ ચકાસવા માટે વિનંતી કરી હતી અને આમ કરવું ખોટું નથી.

મેં મહિલાઓને વિનંતી કરી હતી- માધવી લતા
માધવી કહે છે કે હું ચૂંટણીની ઉમેદવાર છું અને કાયદેસર રીતે ઉમેદવારને ચહેરો ઢાંક્યા વિના મતદારનું ઓળખપત્ર તપાસવાનો સંપૂર્ણ અધિકાર છે. હું પુરુષ નથી, હું એક મહિલા છું અને મેં તે મહિલાઓને તેમની ઓળખ જાહેર કરવા નમ્રતાપૂર્વક વિનંતી કરી હતી. માધવી લતા કહે છે કે મેં તેમને કહ્યું- શું હું તમારું આઈડી કાર્ડ જોઈ શકું? માધવી લતાએ કહ્યું કે જો કોઈ આને મોટો મુદ્દો બનાવવા માંગે છે તો તેનો અર્થ એ છે કે તે ડરી ગયા છે.

જણાવી દઈએ કે અગાઉ માધવી લતાએ તેમના મતવિસ્તારમાં મતદાર યાદીમાં વિસંગતતાનો આક્ષેપ કર્યો હતો. માધવી લતાએ કહ્યું કે પોલીસ કર્મચારીઓ ખૂબ સુસ્ત લાગે છે. તેઓ સક્રિય નથી. તેઓ કોઈ તપાસ કરી રહ્યા નથી. સિનિયર સિટીઝન મતદારો અહીં આવી રહ્યા છે પરંતુ તેમના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.

Most Popular

To Top