રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વડોદરાની સરપ્રાઈઝ વિઝીટ કર્યા બાદ અધિકારીઓ સાથે મીટીંગ યોજી
પ્રતિનિધિ વડોદરા તા.13
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજે સોમવારે વડોદરાની એકાએક મુલાકાત લીધી હતી. વડોદરા પોલીસ કમિશનર કચેરી ખાતે ડીજીપીને ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. બાદમાં તેમણે શહેર પોલીસ તથા વડોદરા રેંજના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી.
વડોદરાની ઓચિંતી મુલાકાતે આવેલા ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે, રાજ્યમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. ચૂંટણીમાં મતદાનના દિવસે પોલીસની અલગ અલગ શહેરમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કામગીરી કરાઈ છે. ચૂંટણી કમિશનની માર્ગદર્શિકાના આદેશોને અનુસરીને પોલીસ દ્વારા જે કામગીરી કરાઈ જેનાથી હું ગુજરાત પોલીસના વડા તરીકે ગર્વ અનુભવું છુ. ચૂંટણી દરમિયાન અલગ અલગ પ્રકારના પડકારોનો સામનો કરવો પડતો હોય છે. તેના કારણે કોઇ અનિચ્છનીય બનાવ ન બને માટે પોલીસે કામગીરી છે. આજે વડોદરા શહેર અને રેંજના પોલીસ અધિકારીઓ સાથે મીટીંગ થઇ હતી. જેમાં લોકસભા ચૂંટણી અનુસંધાને સારી અને પ્રશંસનીય કામગીરી કરાતા ચૂંટણીની પ્રક્રિયા શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. તે બદલ વડોદરા શહેર પોલીસ અને વડોદરા રેંજના તમામ અધિકારીઓને અભિનંદન આપ્યા હતા અને અધિકારીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. મતદાનના દિવસે તેમને થયેલા અનુભવોનું ફિડબેક લેવામાં આવ્યું છે અને અનુભવ શેરીંગનું સેશન રાખવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી. વધુમાં વિકાસ સહાયે ઉમેર્યું હતું કે પોલીસ વતી હું રાજકીય પક્ષો અને મતદારોનો આભાર માનું છું. મતદાનના દિવસે ગુજરાત પોલીસને મતદારો તરફથી જે સાથ, સહયોગ અને સહકાર મળ્યો છે. તે બદલ તમામનો પોલીસ વતી આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ મોટી સંખ્યમાં ગુજરાતમાં આવ્યા હતા. અલગ અલગ જગ્યાઓએ ડિપ્લોયમેન્ટ કરાઈ હતી. ગરમીના સમયમાં મતદાનના દિવસે પોલીસ અધિકારી અને કર્મચાારીઓને ફુડ પેકેટ, ઓઆરએસ, હાઇડ્રેશન માટે પણ ચિંતા કરવામાં આવી અને તેના માટે અલગથી ફંડ પણ મળ્યું હતું. ગુજરાત પોલીસે તેમના માટે રહેવા, જમવા, વાહનની સારી વ્યવસ્થા કરી હતી. તેઓ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકે તેવી તૈયારી કરાઇ હતી. એક કિસ્સામાં તો સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના કર્મચારી અને અધિકારીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. જેમાંથી બે લોકોને ઓપરેશન પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.