મહાભારતનો પ્રસંગ છે.કુરુક્ષેત્રના યુદ્ધનાં મંડાણ થઈ ગયાં હતાં. કૌરવ અને પાંડવ બંને પક્ષ યુદ્ધની તૈયારીમાં લાગી ગયા હતા.ભગવાન કૃષ્ણની પાસે દ્વારકામાં સાથ માંગવા અર્જુન અને દુર્યોધન લગભગ એક સાથે પહોંચે છે.પ્રભુ આરામ કરી રહ્યા હોય છે.અભિમાની દુર્યોધન ભગવાન કૃષ્ણના કક્ષમાં તેમના પલંગની બાજુના સિંહાસન પર બેસીને પ્રતીક્ષા કરે છે અને અર્જુન હું મારા ગોવિંદનો દાસ છું તેમ મનથી સ્વીકારી ભગવાન કૃષ્ણનાં ચરણો પાસે નીચે બેસી પ્રભુના જાગવાની પ્રતીક્ષા કરે છે.
ભગવાન કૃષ્ણ ઊઠે છે.ઊઠતાંની સાથે તેમની નજર ચરણોમાં બેઠેલા અર્જુન પર પડે છે અને અર્જુન પ્રણામ કરે છે.ત્યાર બાદ પ્રભુ પથારીમાંથી બેઠા થાય છે અને દુર્યોધન ઊભો થઈ નમસ્કાર કરે છે ત્યારે દુર્યોધન પર તેમનું ધ્યાન પડે છે.કૃષ્ણ તો અંતર્યામી છે, સમજી જાય છે કે બંને યુદ્ધમાં મને પોતાના પક્ષે કરવા આવ્યા છે.દુર્યોધન જાણે છે કે હું આમ તો પાંડવોતરફી છું, પણ પોતાના ગુરુ બલરામની તાકાત અને તેમની નારાયણી સેનાની લાલચે શકુનિએ તેને મદદ માંગવા મોકલ્યો છે.
ભગવાન કૃષ્ણ બોલ્યા, ‘તમે બે જણ એક સાથે અહીં શું પ્રયોજન છે.’ બંને બોલ્યા, ‘આપનો સાથ…’ તેમને વચ્ચે જ અટકાવતાં ભગવાન કૃષ્ણ બોલ્યા, ‘જુઓ, હું થોડી સ્પષ્ટતા કરી દઉં.દાઉજીની આજ્ઞા પ્રમાણે તેઓ આ યુદ્ધમાં ભાગ લેવાના નથી અને મારે પણ શસ્ત્ર ઉપાડવાનાં નથી.એટલે મારી પાસે તમને મદદમાં આપવા માટે છે મારી નારાયણી સેના અને શસ્ત્ર વિનાનો હું અને તમે બંને એક સાથે આવ્યા છો અને મદદ માંગવા આવનારને હું ના પાડતો જ નથી.
એટલે તમને બન્નેને કોઈ પણ એક મળશે, કાં તો યાદવોની નારાયણી સેના અથવા હું પોતે, પણ નિ:શસ્ત્ર …….અને મેં પહેલાં અર્જુનને જોયો છે એટલે પહેલાં તે માંગશે.’ અર્જુન હાથ જોડી ઊભો હતો.દુર્યોધનને થયું અર્જુન નારાયણી સેના માંગી લેશે તો…..અર્જુને હાથ જોડી કહ્યું, ‘પ્રભુ, મને નારાયણી સેના નહિ મળે તો ચાલશે મને તમારો સાથ જોઈએ છે.’ અર્જુનના શબ્દો સાંભળી કૃષ્ણ તો ખુશ થયા જ અને દુર્યોધનને પણ ઘણો આનંદ થયો, કારણ તેને નારાયણી સેના જોઈતી હતી અને મળી ગઈ.’
આ પ્રસંગ એક ખાસ સંદેશ આપે છે કે જ્યારે જયારે કંઇક માંગવાનું થાય ત્યારે અર્જુન જેવો વિવેક રાખો.જો સુખી થવું હોય અને જીવનનો સાચો આનંદ મેળવવો હોય તો નારાયણી સેનાનો મોહ છોડી નારાયણને માંગો.જગતની મોહમાયા,એશોઆરામ,ભોગવિલાસ રૂપી નારાયણી સેના આકર્ષક લાગે છે, મેળવીને ક્ષણિક આનંદ મળે છે, પણ તે જીવનસાફલ્ય આપી શકતી નથી.જયારે ભગવાનનો માથે હાથ અને જીવનના દરેક ડગલે સાથ મળી જાય તો જીવન સફળ થઈ જાય છે.માટે માંગવામાં અર્જુન બનજો, નારાયણી સેના છોડી દેજો અને નારાયણને માંગી લેજો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.