આખરે આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા. સુપ્રીમ કોર્ટે આ જામીન શરતોને આધિન આપ્યા અને આગામી તા.2જી જુનના રોજ કેજરીવાલે સરેન્ડર પણ કરી દેવું પડશે. કેજરીવાલ આ વચગાળાના જામીન દરમિયાન દિલ્હી સરકારનો વહિવટ કરી શકશે નહીં પરંતુ તેની સામે તેમને પોતાના પક્ષ માટે ચૂંટણી પ્રચાર કરવાની છૂટ મળશે. કેજરીવાલે મતગણતરી થાય ત્યાં સુધીની છૂટ માંગી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે તેનો અસ્વીકાર કર્યો છે અને હવે કેજરીવાલ જામીન પર બહાર આવી જશે. કેજરીવાલને જામીન મળી જતાં આમ આદમી પાર્ટીને મોટી રાહત મળી છે. કેજરીવાલને જામીન મળતા ઈન્ડિયા ગઠબંધનના વિપક્ષી આગેવાનો ખુશ થઈ ગયા છે. જ્યારે સામે ભાજપ સહિતના એનડીએ ગઠબંધનમાં આ નિર્ણય સામે કચવાટ છે.
દિલ્હી સરકારની દારૂ વિશેની એક્સાઈઝ પોલિસીમાં લાંચ લેવાના કેસમાં ઈડી દ્વારા ગત તા.21મી માર્ચના રોજ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડને કેજરીવાલ દ્વારા પડકારવાની સાથે જામીન મળે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. 1લી એપ્રિલથી તિહાર જેલમાં બંધ કેજરીવાલને જામીન મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા ભારે મહેનત કરવામાં આવી રહી હતી.
અગાઉ કેજરીવાલના જામીન પર 7મી મેના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ત્યારે ઈડીએ જામીન નામંજૂર થાય તે માટે અનેક દલીલો કરી હતી. કોર્ટે તે સમયે પોતાનો નિર્ણય જણાવ્યો નહોતો પરંતુ હવે તા.10મીના રોજ કેજરીવાલના જામીન મંજૂર કરી દીધા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, 22 દિવસના જામીન આપવાથી કેસમાં કોઈ જ ફરક પડે તેમ નથી. જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે એવું કહ્યું હતું કે, દેશને સરમુખત્યારશાહીમાંથી બચાવવા માટે હું લડી રહ્યો છું.
સુપ્રીમ કોર્ટ દ્વારા કેજરીવાલના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા અને આમ આદમી પાર્ટીને રાહત થઈ પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કેજરીવાલ આ 22 દિવસના ચૂંટણી પ્રચારમાં શું કોઈ જાદુ કરી શકશે?? કેજરીવાલની પાર્ટી દિલ્હી અને પંજાબમાં જ મજબુત સ્થિતિમાં છે. આ બંને રાજ્યો એવા છે કે જેમાંથી કેજરીવાલની પાર્ટીને વધુ સાંસદો મળવાની આશા છે અને તે પણ કદાચ સિંગલ ડિજિટમાં હોઈ શકે છે.
કેજરીવાલના જામીનથી આમ આદમી પાર્ટીને જેટલો ફાયદો થશે તેના કરતાં વધારે ફાયદો ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારોને થવાની સંભાવના છે. કેજરીવાલે પોતાની પાર્ટીના ઉમેદવારો કરતાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો માટે વધુ મહેનત કરવી પડશે. કેજરીવાલ દ્વારા ચૂંટણી પ્રચાર કરવાથી આમ આદમી પાર્ટીને નવું જોશ મળશે પરંતુ સામે તેનાથી લોકસભાના પરિણામ પર કોઈ મોટી અસર થાય તેવી સંભાવના નથી. કારણ કે આમ આદમી પાર્ટી અન્ય રાજ્યોમાં એટલી મજબુત નથી કે તેના સાંસદો ચુંટાઈને આવી શકે.
કેજરીવાલના કેસથી એક વસ્તુ ચોક્કસ થઈ છે કે જ્યારે ચૂંટણી શરૂ થઈ હોય ત્યારે વિપક્ષી રાજકારણીઓની ધરપકડ કરવામાં આવે તે લોકશાહીના હિતમાં નથી. સુપ્રીમ કોર્ટે સાચું નોંધ્યું હતું કે, કેસ થયાથી અત્યાર સુધીમાં દોઢ વર્ષનો સમય થયો તો તે વખતે કેજરીવાલની ધરપકડ કેમ થઈ નહીં? સુપ્રીમ કોર્ટની ટિપ્પણી સૂચક છે.
કેજરીવાલને જામીન મળતાં ઈડી અને કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં પીછેહઠ થઈ છે. કેજરીવાલને જામીનથી ચૂંટણીના પરિણામોમાં કોઈ મોટો ફરક નહીં પડે પરંતુ ઈડી દ્વારા કરાયેલા આ કેસ પર જરૂરથી અસર પડવાની સંભાવના રહેલી છે. ખેર, કેજરીવાલ જેલની બહાર આવી ગયા અને પોતાના કાર્યકરોને સંબોધન પણ કરી દીધું છે ત્યારે હવે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં પ્રચારમાં કયા નવા રંગ ઉમેરાય છે તેની પર ચૂંટણીના પરિણામો નિર્ભર રહેશે તે નક્કી છે.