યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ તરફથી કોઇ પણ પ્રકારની ફરિયાદ ન થાય તેવો પ્રયત્ન કરવા આહવાન
(પ્રતિનિધિ) આણંદ તા.10
આણંદ કૃષિ યુનિવર્સિટીની સ્ટુડન્ટ ગ્રીવન્સ રીડ્રેસલ કમિટીના સભ્યો તેમજ નવનિયુક્ત લોકપાલની બેઠક યુનિવર્સિટી ભવન ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં કુલપતિની અધ્યક્ષતામાં યુનિવર્સિટી દ્વારા નિયુક્ત કરેલા લોકપાલ ડો. સી.એચ. બાબરીયાની હાજરીમાં સ્ટુડન્ટ ગ્રીવન્સ રીડ્રેસલ કમિટીના તમામ સભ્યો તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટીની ડીગ્રી – ડિપ્લોમાં કોલેજોના આચાર્ય અને તમામ ડીન પણ હાજર રહ્યાં હતાં.
આ પ્રસંગે લોકપાલ ડો. સી.એચ. બાબરીયાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ તરફથી કોઇ પણ પ્રકારની ફરિયાદ જ ન થાય તેવો પ્રયત્ન કરવાની આહવાન કર્યું હતું. તમામ ડીન, આચાર્યએ પોત પોતાના સ્ટાફ ગણને સ્ટુડન્ટ ગ્રીવન્સ રીડ્રેસલ કમિટી બાબતે માહિતગાર કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત સૌએ વિદ્યાર્થીના હિતમામ કામ કરવાનું છે એટલે આપણાં કેન્દ્ર સ્થાને વિદ્યાર્થીઓનું હિત હોવું જોઈએ. આમ છતાં, તેવો કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે તો કમિટી તથા કોલેજના આચાર્ય, ડીન સાથે મળી તેનો સુખદ ઉકેલ લાવવા પ્રયત્ન કરીશું.
આ બેઠકમાં સૌ પ્રથમ કુલસચિવે સ્ટુડન્ટ રીડ્રેસલ કમિટીની કામગીરી બાબતે વિગત માહિતી આપી હતી. બાદમાં નવનિયુક્ત લોકપાલનો ટુંકો પરિચય આપ્યો હતો. કુલસચિવે વધુમાં યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા તથા તેનુ સંચાલન રાજ્ય કૃષિ યુનિવર્સિટી વતી સંયુક્ત રીતે રાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદ, ગાંધીનગર દ્વારા ચારેય રાજ્ય કૃષિ યુનિવર્સિટીને અલગ અલગ પ્રવેશની જવાબદારી સોંપી દેવામાં આવી હતી. આ બેઠકમાં એસજીઆરસીના ચેરમેન તથા આણંદ કૃષિ યુનિવર્સિટીના નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિએ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં સુમેળ ભર્યું વાતાવરણ જળવાઇ રહે તેમજ અંદરો અંદર એકબીજા પ્રત્યે કોઇ પણ પ્રકારનો વિખવાદ ઊભો ન થાય તે માટે દરેક હોસ્ટેલના રેક્ટર દ્વારા પુરતી કાળજી લેવા જણાવ્યું હતું. આ ઉપરાંત યુનિવર્સિટી ખાતે એન્ટી રેગીંગ કમિટી, એન્ટી રેગીંગ સ્કવોર્ડ વગેરેની રચના પણ કરવામાં આવી હતી.