ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં (Uttarakhand) સ્થિત કેદારનાથના (Kedarnath) દ્વાર શિયાળાની ઋતુમાં છ મહિના સુધી બંધ રહ્યા બાદ આજે શુક્રવારે અક્ષય તૃતીયાના તહેવાર પર ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. તેમજ આ પ્રસંગે ઝીરો ડિગ્રી તાપમાનમાં પણ 10 હજારથી વધુ ભક્તો હાજર રહ્યા હતા. આ સાથે જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી (Pushkar Dhami) પણ હાજર રહ્યા હતા.
બાર જ્યોતિર્લિંગોમાંથી એક એવા શ્રી કેદારનાથ ધામના દ્વાર સંપૂર્ણ વિધિ-વિધાન, ભક્તો દ્વારા ‘હર હર મહાદેવ’ના નાદ અને વૈદિક મંત્રોના જાપ સાથે ખુલ્યા હતા. મંદિરના દ્વાર ખોલવાના સમયે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી તેમની પત્ની ગીતા ધામી સાથે બાબા કેદારનાથના દર્શન માટે હાજર હતા.
આ સાથે આ વર્ષની ચારધામ યાત્રાનો પ્રારંભ થઇ ગયો છે. ગઇકાલે ગુરુવારે જ બાબાની પાલખી કેદારનાથ પહોંચી હતી. ત્યાર બાદ આજે શુક્રવારે કેદારનાથ ધામના દ્વાર સવારે 7 વાગ્યે ખોલવામાં આવ્યા હતા, હવે યમુનોત્રીના દરવાજા 10.29 વાગ્યે અને ગંગોત્રીના દ્વાર બપોરે 12.20 વાગ્યે ખુલશે. જણાવી દઇયે કે ચારધામ તરીકે ઓળખાતા પ્રખ્યાત ધામોમાં સામેલ અન્ય એક ધામ બદ્રીનાથના દરવાજા 12 મેના રોજ સવારે 6 વાગ્યે ખુલશે.
બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના મીડિયા પ્રવક્તા હરીશ ગૌરે જણાવ્યું હતું કે કેદારનાથ મંદિરના ઉદ્ઘાટન માટે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. આ ઉપરાંત હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા પણ કરવામાં આવી હતી. તેમજ આજે જ્યારે કેદારનાથના દરવાજા ખોલવામાં આવ્યા ત્યારે આ વિસ્તારમાં તાપમાન -1 ડિગ્રી હતું. તેમ છતાં સ્થળ પર ભક્તોની ભારે ભક્તિ જોવા મળી હતી, તાપમાનમાં ઘટાડો થવાથી પણ તેમનો ઉત્સાહ ઓછો થયો નથી.
કેદારનાથના દરવાજા ખુલ્યા બાદ સીએમ પુષ્કર સિંહ ધામીએ પોસ્ટ કર્યું હતુ. તેમણે લખ્યું- જય બાબા કેદાર! ચારધામ યાત્રા 2024 પર તમામ ભક્તોનું હાર્દિક સ્વાગત અને અભિનંદન. આપ સૌને વિનંતી છે કે મુસાફરી દરમિયાન સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો. ચારધામમાં આવનારા વૃદ્ધો, મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે અમારી સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પ્રસંગે 15 હજારથી વધુ મુસાફરો હરિદ્વાર અને ઋષિકેશ પહોંચ્યા હતા. તેમજ ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 22.15 લાખથી વધુ શ્રદ્ધાળુઓ રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. અહીં લગભગ 1500 રૂમ છે, જેની બુકિંગ હાલ ફુલ થઈ ગઇ છે. તેમજ રજિસ્ટર્ડ 5,545 ખચ્ચર બુક કરવામાં આવ્યા છે. ગયા વર્ષે રેકોર્ડ બ્રેક 55 લાખ લોકોએ ઉત્તરાખંડની મુલાકાત લીધી હતી.