ભારતનાં નાગરિકો દ્વારા રસીના ૨૨૦ કરોડ ડોઝ લેવાઈ ગયા પછી વિવાદ વચ્ચે અગ્રણી દવા ઉત્પાદક એસ્ટ્રાઝેનેકાએ તેની કોરોના રસી પાછી ખેંચવાનું શરૂ કરી દીધું છે. કંપનીએ કહ્યું છે કે તે યુરોપિયન યુનિયન દેશોમાંથી તેની કોરોના વેક્સીન વેક્સજાવેરિયા પાછી ખેંચી રહી છે. આગામી દિવસોમાં બ્રિટન અને અન્ય દેશોમાં રસી પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કંપનીએ ગયા ફેબ્રુઆરીમાં બ્રિટિશ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે તેની રસીના કારણે ગંભીર બીમારી થઈ શકે છે. જો કે એસ્ટ્રાઝેનેકાએ રસી પાછી ખેંચી લેવા પાછળ વ્યાપારીકરણ ટાંક્યું છે, પરંતુ બ્રિટનમાં કંપની રસી અંગે ગંભીર આરોપોનો સામનો કરી રહી છે. ભારતમાં પણ કરોડો લોકોને એસ્ટ્રાઝેનેકાની રસી મળી છે. રસી અંગેનો મામલો ભારતની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
એસ્ટ્રાઝેનેકા કંપની વિરુદ્ધ બ્રિટિશ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેની કોરોના રસીથી લોહી ગંઠાઈ જાય છે અને તેને કારણે પ્લેટલેટ્સ ઓછા થાય છે. આ રસી લીધા પછી બ્રિટનમાં ૮૧ લોકોનાં મોત થયાં છે, જ્યારે સેંકડોને ગંભીર આડઅસર થઈ છે. એસ્ટ્રાઝેનેકાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં બ્રિટનની હાઈકોર્ટમાં સુપરત કરેલા દસ્તાવેજોમાં સ્વીકાર્યું હતું કે તેની રસી ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં TTSનું કારણ બની શકે છે. કંપનીએ ૭ મેથી લાગુ થાય તે રીતે યુરોપિયન યુનિયનમાંથી રસી પાછી ખેંચી લેવા માટે અરજી કરી હતી.
કોવિશિલ્ડ રસીની સલામતી અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતાં જાગૃત ભારત ચળવળ (AIM) એ ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કર્યા વિના કટોકટી ઉપયોગ અધિકૃતતા હેઠળ મંજૂર કોવિશીલ્ડ અને અન્ય કોવિડ રસીઓની આડઅસરોની સંપૂર્ણ તપાસની જરૂરિયાતની માગણી કરી હતી. AIM ના ડેટા અનુસાર કોવિડ રસીના કારણે ૨૦૨૩ સુધીમાં ભારતમાં ૧૦,૨૭૩ મૃત્યુ થયાં છે, જેમાં ૧૮૬ બાળકોનો સમાવેશ થાય છે. AIM ના આરોપ મુજબ વારંવાર વિનંતી કરવા છતાં ભારત સરકારે નોંધાયેલા મૃત્યુ અને રસીકરણની પ્રતિકૂળ અસરો અંગે તપાસ શરૂ કરી નથી.
ભારતમાં એસ્ટ્રાઝેનેકા રસીની આડઅસર સામે દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે પોતાની સંમતિ આપી છે. જો કે, ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે સુનાવણી માટે કોઈ તારીખ નક્કી કરી નથી. અરજદારે માંગણી કરી છે કે રસીની આડઅસરો અને અન્ય સંભવિત જોખમોની તપાસ નિષ્ણાત પેનલ દ્વારા થવી જોઈએ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા તેનું નિરીક્ષણ કરવું જોઈએ. અરજીમાં વળતર માટે પણ નિર્દેશો માંગવામાં આવ્યા છે. એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી ભારતમાં કોવિશિલ્ડના નામથી લોન્ચ કરવામાં આવી છે, જેનું નિર્માણ પુણેની કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે.
એસ્ટ્રાઝેનેકાની રસી ૧૮ વર્ષથી વધુ ઉંમરનાં લોકોને આપવા માટે મંજૂરી આપવામાં આવી હતી. ઓછામાં ઓછા ૭૦ દેશોમાં એસ્ટ્રાઝેનેકા રસીનું વિતરણ કરવામાં આવ્યું છે. વિશ્વભરમાં રસીના ૩ અબજથી વધુ ડોઝ પૂરા પાડવામાં આવ્યા હતા. તેમાંના ૧.૭૫ અબજ ડોઝ તો ભારતમાં કોવિશીલ્ડના નામ હેઠળ આપવામાં આવ્યા હતા. આ રસીનો ઉપયોગ બ્રિટનમાં પણ થયો હતો. જો કે, સપ્ટેમ્બર ૨૦૨૧ પછી, મોટી માત્રામાં એસ્ટ્રાઝેનેકાની રસીઓનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યાં સુધીમાં બ્રિટનમાં પાંચ કરોડ રસી આપવામાં આવી હતી. ૨૦૨૧ ના અંતમાં બ્રિટિશ સરકારે ફાઈઝર અને મોડેર્નાની રસીના ડોઝ આપવાનું શરૂ કર્યું હતું.
માર્ચ ૨૦૨૧ માં કેનેડાએ તબીબી સલાહકાર પેનલની ભલામણને પગલે ૫૫ વર્ષથી વધુ ઉંમરનાં લોકોમાં રસીનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ વર્ષે એપ્રિલમાં ડેનમાર્ક રસી પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ યુરોપિયન દેશ બન્યો હતો. નોર્વે પણ એ જ પગલે ચાલ્યું હતું. એસ્ટ્રાઝેનેકાની રસી ભારતમાં કોવિશીલ્ડના નામથી લોન્ચ કરવામાં આવી હતી. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાને ભારતમાં તેનું ઉત્પાદન કરવાનો અધિકાર છે. ડિસેમ્બર ૨૦૨૧ માં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ કોવિશીલ્ડ રસીનું ઉત્પાદન બંધ કરી દીધું હતું. ગયા વર્ષે જ્યારે દેશમાં કોરોનાના કેસ વધ્યા ત્યારે કંપનીએ ફરીથી વેક્સિનનું ઉત્પાદન શરૂ કર્યું હતું.
હૈદરાબાદમાં AIM દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને કોવિશીલ્ડ રસીનાં પીડિતોને વળતર પૂરું પાડવા ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરવાની, સક્રિય સર્વેલન્સ અને મોનિટરિંગ મિકેનિઝમ્સ લાગુ કરવાની, કોવિડ રસીના વૈજ્ઞાનિક આધારની સમીક્ષા કરવાની અને તેના વ્યાપારીકરણનું ઑડિટ કરવા સહિતની માગણીઓ કરવામાં આવી છે. AIM ના પ્રવક્તા સરસ્વતી કાવુલાએ ભારતીય વસ્તીને કોવિડ રસી લેવામાં ગેરમાર્ગે દોરવા બદલ આરોગ્ય ખાતાંના અધિકારીઓને જવાબદાર ઠેરવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો, જેના પરિણામે વ્યાપક મૃત્યુ થયાં હતાં.
ભારતમાં પણ કારુણ્યા જેવી વ્યક્તિઓનાં પરિવારો એસ્ટ્રાઝેનેકા અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સામે કાનૂની કાર્યવાહી કરી રહ્યા છે. કારુણ્યાને કોવિશીલ્ડનો ડોઝ આપવામાં આવ્યો હતો અને રસી લીધાના એક મહિના પછી મલ્ટીસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમને કારણે ૨૦૨૧ના જુલાઈમાં તેનું અવસાન થયું હતું. હવે ભારતમાં તેવા હજારો કિસ્સા બહાર આવી રહ્યા છે. અહેવાલો અનુસાર સીરમ ઇન્સ્ટિટ્યૂટે ન તો અત્યાર સુધી રસીના ઉત્પાદનને બંધ કરવાની કોઈ યોજના જાહેર કરી છે, ન તો તેણે છેલ્લાં બે વર્ષમાં નવા બેચનું ઉત્પાદન હાથ ધર્યું છે. જો કે, નિષ્ણાતો આગાહી કરે છે કે જે મૂળ વાયરસ સાથે કામ કરે છે તેવી તમામ મોનોવેલેન્ટ રસીઓને પાછી ખેંચી લેવામાં આવશે અને તેને અપડેટ કરેલી રસીઓ સાથે બદલવામાં આવશે.
ભારતમાં કોવિશિલ્ડ લગાવવામાં આવેલ લોકો ડરી ગયાં છે. તાજેતરમાં યુવાન વયમાં અચાનક હાર્ટ ફેઈલ થવાને કારણે મોત વધી રહ્યાં છે, તેની પાછળ કોવિશીલ્ડ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ડોકટરો કહે છે કે કોવિશિલ્ડ રસી લેનારાઓએ ચિંતા કરવાની જરૂર નથી. લોહી ગંઠાઈ જવા અથવા અન્ય આડઅસરો ખૂબ જ ભાગ્યે જ જોવા મળે છે. એક લાખ લોકોમાંથી આવી અસર માત્ર બે-ત્રણ લોકો પર જ જોવા મળે છે. જો ડોક્ટરોના કહેવા મુજબ એક લાખ લોકોમાં બે-ત્રણને પણ રસીની આડસર થતી હોય તો ૧૭૫ કરોડ ડોઝની આડઅસર હજારો લોકોને થઈ શકે છે. હજારો લોકોમાં કોનો વારો ક્યારે આવશે? તેની કોઈને જાણ નથી. ડોક્ટર્સનું કહેવું છે કે તમારી જીવનશૈલીને યોગ્ય રાખીને તમે આ ટેન્શનથી મુક્ત રહી શકો છો.
નિષ્ણાતો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોવિશીલ્ડ તરીકે વેચવામાં આવેલી રસી થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ થ્રોમ્બોસિસ જેવી ગંભીર બીમારી માટે જવાબદાર છે, જેના કારણે હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. ૫૦ થી વધુ પીડિતો અને તેમનાં પરિવારોએ બ્રિટિશ હાઈકોર્ટમાં એસ્ટ્રાઝેનેકા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે, જેમાં કંપની પાસેથી ૧,૦૦૦ કરોડ રૂપિયાના વળતરની માંગણી કરી છે, પરંતુ એસ્ટ્રાઝેનેકાએ તમાચો મારીને ગાલ લાલ રાખતાં જણાવ્યું છે કે રસી પાછી ખેંચવાનો નિર્ણય કોર્ટના કેસ સાથે જોડાયેલો નથી.
ભારતમાં કોરોનાની રસી સ્વૈચ્છિક હોવાનો દાવો સરકાર સુપ્રીમ કોર્ટમાં કરી ચૂકી છે, પણ હકીકત કાંઈક અલગ જ છે. ભારતમાં સરકાર દ્વારા પ્રજાને કોરોનાની રસી લેવા માટે સખત દબાણ કરવામાં આવ્યું હતું. કોઈને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવી હતી તો કોઈનો પગાર રોકી દેવામાં આવ્યો હતો. કોઈની દુકાન બંધ કરાવાઈ હતી તો કોઈને રેશન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. હવે સરકારે વળતરની જવાબદારી પણ સ્વીકારવી જોઈએ.