મુંબઇ: T-20 વર્લ્ડકપને (T-20 World Cup) લઇને ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે પાકિસ્તાન (Pakistan) અને અફઘાનિસ્તાનના (Afghanistan) આતંકવાદી સંગઠનોએ (Terrorist Organizations) વેસ્ટ ઇન્ડીઝને (West Indies) આતંકી હુમલાની ધમકી આપી હતી. તેમજ 55 માંથી 39 મેચો વેસ્ટ ઇન્ડીઝમાં રમાનાર છે, ત્યારે આ ધમકી બાદ ICC પણ હરકતમાં આવ્યું છે. તેમજ મેચો દરમિયાન સુરક્ષા વધારવાની જોગવાઇયો કરવામાં આવી રહી છે.
T20 વર્લ્ડ કપ 2024 આગામી 2 જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં શરૂ થઈ રહ્યો છે, જેમાં સૌથી મોટી મેચ ન્યૂયોર્કમાં 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. પરંતુ આ પહેલા જ આતંકી હુમલાની ધમકીએ સનસનાટી મચાવી દીધી છે. પ્રાપ્ત વિગતો મુજબ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે T20 વર્લ્ડ કપ સહિત દુનિયાભરની મોટી ઈવેન્ટ્સને નિશાન બનાવવાની ધમકી આપી હતી. આ ધમકી ISની અફઘાનિસ્તાન-પાકિસ્તાન શાખા એટલે કે IS-ખોરાસાન દ્વારા આપવામાં આવી છે. આ પછી વેસ્ટ ઈન્ડિઝે ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે મજબૂત અને કડક સુરક્ષાની ખાતરી આપી છે.
ઇસ્લામિક સ્ટેટની મીડિયા દ્વારા ઘણા દેશોમાં રમતગમતના કાર્યક્રમો દરમિયાન હિંસાની ધમકી આપવામાં આવી હતી. IS ખોરાસાનની અફઘાનિસ્તાન-પાકિસ્તાન બ્રાન્ચે પ્રચાર ચેનલ નસીર-એ-પાકિસ્તાન દ્વારા એક વીડિયોના માધ્યમથી આ હુમલાનો સંદેશ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સમર્થક દેશને ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન આ દેશોમાં હુમલાને સમર્થન આપવાની અપીલ કરવામાં આવી હતી.
ગ્રુપ એમાં છે ભારત
ટી 20 વર્લ્ડ કપમાં પ્રથમ વાર 20 ટીમો ભાગ લઇ રહી છે. તેમજ તમામ ટીમોને પાંચ પાંચના બે ગ્રુપોમાં વહેંચવામાં આવી છે. ભારત, કેનેડા, આયરલેન્ડ, પાકિસ્તાન અને અમેરીકાનો ગ્રુપ એ માં સમાવેશ થાય છે. તેમજ આ ગ્રૂપની તમામ લીગ મેચ અમેરિકામાં યોજાશે.
જો ટીમ ઈન્ડિયા આ ગ્રૂપમાં પ્રથમ અથવા બીજા સ્થાને રહેશે તો તે સુપર 8 મેચ માટે ક્વોલિફાય થઈ જશે. સુપર 8ની તમામ મેચ વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે. આ પછી વેસ્ટ ઈન્ડિઝમાં 2 સેમિફાઈનલ અને ફાઈનલ પણ રમાશે.
વર્લ્ડ કપની વેસ્ટ ઈન્ડિઝમાં રમાનાર મેચો વેસ્ટ ઇન્ડિઝના એન્ટિગુઆ અને બાર્બુડા, બાર્બાડોસ, ગુયાના, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ, ગ્રેનેડાઈન્સ, ત્રિનિદાદ અને ટોબેગોમાં વર્લ્ડ કપની મેચ યોજાશે. આ સાથે જ અમેરિકામાં ફ્લોરિડા, ન્યૂયોર્ક અને ટેક્સાસમાં મેચ રમાશે.