શીખ અલગતાવાદી નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યાના આરોપમાં કૅનેડા પોલીસે ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડનો દાવો કર્યો છે. નિજ્જરની હત્યાના મામલા બાદ ભારત અને કૅનેડા વચ્ચે નવો રાજદ્વારી વિવાદ ઊભો થયો છે. 45 વર્ષના હરદીપસિંહ નિજ્જરની હત્યા વર્ષ 2023ના જૂન મહિનામાં કૅનેડાના વૅનકુવર નજીક નકાબ પહેરેલા અજાણ્યા શખ્સોએ ગોળી મારીને કરી હતી. એ વખતે કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ હત્યામાં ભારતના સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેમની પાસે આ મામલે વિશ્વસનીય પુરાવા પણ છે.
જોકે ભારતે આ આરોપોને ફગાવ્યા હતા. કૅનેડામાં ખાલિસ્તાની નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યા મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે. શુક્રવારના પોલીસ અધીક્ષક મંદીપ મૂકરે જણાવ્યું હતું કે જે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે, તેમાં 22 વર્ષના કરણ બરાર, 22 વર્ષના કમલપ્રીતસિંહ અને 28 વર્ષના કરણપ્રીતસિંહ સામેલ છે. તેમણે કહ્યું કે આ ત્રણ લોકો અલબર્ટાના એડમૉન્ડનમાં રહેતા હતા, જ્યાંથી પોલીસે તેમની ધરપકડ કરી છે. અદાલતના રેકૉર્ડ અનુસાર ત્રણેય પર હત્યાની સાથે હત્યાનું કાવતરું રચવાના પણ આરોપ લગાવાયા છે.
પોલીસ અનુસાર જેમની ધરપકડ કરવામાં આવી છે તે બધા જ કૅનેડામાં છેલ્લાં ત્રણથી પાંચ વર્ષથી રહી રહ્યા હતા. પોલીસે કહ્યું કે તપાસ ચાલી રહી છે અને આ લોકોના ‘ભારત સરકાર સાથેના સંબંધ’ની પણ તપાસ થઈ રહી છે. આસિસ્ટન્ટ કમિશનર ડેવિડ ટેબોલે કહ્યું કે, આ મામલે અલગ-અલગ તપાસ ચાલી રહી છે અને નિશ્ચિત જ આ તપાસ ત્રણ લોકોની ધરપકડ સુધી મર્યાદિત નથી. તેમણે કહ્યું કે તપાસકર્તાઓ ભારતીય અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે પરંતુ કેટલાંક વર્ષોથી સાથે કામ કરવું ઘણું ‘મુશ્કેલ અને પડકારજનક’ રહ્યું છે. પોલીસે કહ્યું છે કે હત્યામાં અન્ય લોકો પણ સામેલ હોઈ શકે છે અને આવનારા સમયમાં વધુ લોકોની ધરપકડ થઈ શકે છે.
હરદીપસિંહ નિજ્જર એક શીખ અલગતાવાદી નેતા હતા જે સાર્વજનિક રીતે ખાલિસ્તાન માટે કામ કરતા હતા. તેઓ ભારતમાંથી એક અલગ આઝાદ શીખ રાષ્ટ્રની માગ કરી રહ્યા હતા. 1970ના દાયકામાં શીખોના એક જૂથે ભારતમાં એક અલગતાવાદી વિદ્રોહ શરૂ કર્યો હતો જેમાં હજારો લોકોનાં મૃત્યુ થયાં હતાં. ત્યારથી આ આંદોલન એવા દેશમાં સક્રિય રહ્યું છે જ્યાં શીખો વસતી વધુ છે. ભારત પહેલાં જ નિજ્જરને આતંકવાદી જાહેર કર્યા છે. ભારતનો દાવો છે કે નિજ્જર એક ચરમપંથી અલગતાવાદી જૂથનું નેતૃત્વ કરતા હતા.
18 જૂન 2023ના દિવસે વૅનકુવરની પૂર્વ દિશામાં 30 કિલોમીટર દૂર સરે શહેરમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારાની બહાર તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. નિજ્જરના નિકટના લોકોનું કહેવું છે કે કૅનેડાની ગુપ્તચર સંસ્થાઓએ તેમને ચેતવણી આપી હતી કે ‘તેમના જીવને જોખમ’ છે અને તેઓ ‘હિટ લિસ્ટ’માં સામેલ છે. બ્રિટિશ કોલંબિયા ગુરુદ્વારા કાઉન્સિલના સભ્ય મોનિંદરસિંહ 15 વર્ષથી નિજ્જરના મિત્ર હતા. તેમણે બીબીસી ન્યૂઝને કહ્યું કે ‘શીખ સમુદાય તપાસમાં થયેલી પ્રગતિ માટે આભારી છે’.
જોકે તેમણે કહ્યું કે ‘સાર્વજનિક સુરક્ષાને લઈને ચિંતાઓ છે. અને સાથે ઘણો તણાવ છે, નિરાશા છે. અને એક આશા પણ છે’. નિજ્જરની હત્યાના ત્રણ મહિના પછી હાઉસ ઑફ કૉમન્સમાં કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે આ હત્યા સાથે ‘ભારતના સંબંધ’ વિશે કૅનેડા તપાસ કરી રહ્યું છે. જોકે ભારતીય અધિકારીઓ આ આરોપોને ફગાવ્યા હતા અને સાથે જ કૅનેડા પર ખાલિસ્તાની આતંકવાદીઓ અને ચરમપંથીઓને આશ્રય આપવાનો આરોપ લગાવ્યો હતો. આ તણાવ વચ્ચે ભારતે કૅનેડાને ભારતમાં પોતાના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવાનું કહ્યું હતું.
જો કે, આ સ્થિતીમાં તેઓ ભારતને ભીંસમાં લેવા માંગે છે અને આંતર રાષ્ટ્રીય ફલક ઉપર ભારતને બદનામ કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. કેનેડાના ડૂડોની સત્તા ત્યાં રહેતા શીખો ઉપર આધારિત છે. તેથી તેઓ ભારત વિરૂદ્ધ ઝેર ઓકવામાં કંઇ જ બાકી રાખતા નથી. જો કે, ભારત તેના દુશ્મનોને અથવા તો ભારતને તોડવા માંગતા તત્વોને તેના ઘરમાં ઘૂસીને મારે તેમાં ખોટું શું છે. અમેરિકાએ સરેઆમ અલકાયદાના વડા ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં ઘૂસીને ઉંચકી લીધો હતો. તેવી જ રીતે અમેરિકાએ ઇરાકના પ્રમુખ સદ્દામ હુશેનને પણ એક ભોંયરામાંથી પકડી લીધો હતો અને સજા કરી હતી.
તે વખતે કેનેડાએ વિરોધ માટે એક હરફ સુદ્ધા ઉચાર્યો ન હતો. ઇઝરાયલ ઉપર આતંકવાદી હુમલો થયા પછી તે છેલ્લા કેટલાક મહિનાથી ગાઝા ઉપર હુમલો કરી કરીને હમાસના આતંકવાદીની કતલેઆમ કરી રહ્યું છે ત્યારે ટૂડો કેમ મૌન ધારણ કરી લે છે? ભારત તેના દુશ્મનની દુનિયાના કોઇપણ ખૂણામાંથી વીણી વીણીને મારે તેમાં ખોટું શું છે? તેવી જ રીતે પાકિસ્તાનમાં પણ એક પછી એક આતંકવાદીઓને કોઇને કોઇ સ્વધામ પહોંચાડી રહ્યું છે. તેમાં પણ ભારતના અધિકારીઓના નામ આવી રહ્યાં છે જો કે ભારત આ વાતનો સ્વીકાર કરતું નથી પરંતુ જો ભારતના અધિકારીઓ આવું કરે તો પણ તેમાં ખોટું શું છે? એક તો પોતાના દેશમાં જ અન્ય દેશના વિરોધમાં ચાલતી ગતિવિધિ તમે રોકી શકતા નથી તો બીજો દેશ કાર્યવાહી કરશે જ તે ટુડોએ જાણી લેવું જોઈએ.