કેન્દ્ર સરકાર દ્વારા દેશની કરોડોની સંખ્યામાં જનતાને મફત અનાજ વિતરણની જાહેરાત કરે છે. પરંતુ આ યોજનાના સંબંધિત સત્તાધીશોને વાસ્તવિકતાની બિલકુલ ખબર નથી કે પછી ઈરાદાપૂર્વકનું ભેદી મૌન ધારણ કર્યું છે. આ અનાજ વિતરણની લીગલ પ્રક્રિયા ખૂબ જ જટિલ અને સામાન્ય જનતાને હેરાન-પરેશાન કરનારી છે. જે અનુસાર આવક દાખલો મેળવવા માટે લાંબી લાઈનમાં કલાકો સુધી ઊભા રહો અને આવકનો દાખલો પ્રાપ્ત કર્યા પછી પણ અમે પરિવારના સભ્યોની માહિતી આપ્યા પછી પણ એવું જણાવવામાં આવે છે કે તમારા કાગળો પૂરતા નથી તેમજ અન્ય બિનજરૂરી કારણો ઊભાં કરીને સામાન્ય જનતાની સહનશક્તિની આકરી કસોટી લેવામાં આવે છે. જેના વિપરીત પરિણામો મોટા ભાગની દેશની જનતા આ મફત અનાજનો લાભ લેવાથી દૂર જ રહે છે. જે દુર્ભાગ્ય પૂર્ણ છે. સરકારે આ યોજનાનો લાભ મહેનત યોગ્ય જનતાને સરળતાથી મળે એ માટે જરૂરી સુધાર કરવા જ પડશે.
સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
જીલાની બ્રિજ નહીં ચંદ્રશેખર આઝાદ બ્રિજ
સુરતીઓમાં અતિ લોકપ્રિય અને સમાચારોમાં પણ સચોટ સમાચાર પીરસતું એક માત્ર અખબાર એટલે આપણા બધાનું ‘ગુજરાતમિત્ર’. કોઈ પણ લોભ-લાલચ ગ્રાહકોને આપ્યા વગર અડીખમ રહેનાર આપણું ગુ.મિ. આવી ભૂલ કરે ત્યારે દિલ પર ચોટ લાગે છે. વાત એ છે કે તા. 29/04 ના આપણા મિત્રમાં એક સમાચાર એવા પ્રસિદ્ધ થયા જેનું શીર્ષક હતું. ‘જીલાની બ્રિજ નીચે તાપી નદીમાંથી અજાણી લાશ મળી આવી.’’ તમે ગુગલ પર સર્ચ કરો તો સુરતમાં જીલાની બ્રિજ કયાંયે જોવા મળે નહીં. બ્રિજ સીટીથી ઓળખાતા બ્રિજોનું નામ આઝાદી પહેલાંના અને આઝાદી પછીના શહીદોનાં નામો સુરત મનપાએ આપી તેઓને સાચી શ્રદ્ધાંજલિ અર્પી છે.
ત્યારે કેટલાંક લોકો દ્વારા ચંદ્રશેખર આઝાદ બ્રિજને જીલાની નામે ઓળખે છે. જે જીલાનીનું નામ ઈતિહાસમાં કે આઝાદી કાળમાં ક્યાંય પણ નોંધાયું નથી અને તેના નામે આખો આખો પુલ કરી દઈ ચંદ્રશેખર આઝાદને ઠેસ પહોંચાડી રહ્યા છે અને તેમાં આપણું મિત્ર પણ હોય તે ખરેખર જ દુ:ખદ કહેવાય. ‘ગુ.મિત્ર’ના ચાહકો અને ચંદ્રશેખર આઝાદના ઈતિહાસને જાણે છે તેઓ પણ આ શીર્ષકથી હતપ્રત થયા જ હશે તેમનું દિલ દુભાયું છે.
સુરત – પરેશ ભાટિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.