ફાયર વિભાગે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો, આગના પગલે અધિકારીઓ સ્થળ પર દોડી ગયા
(પ્રતિનિધિ) નડિયાદ, તા.6
નડિયાદના ડભાણ રોડ સ્થિત જિલ્લા કલેક્ટરની કચેરીમાં ગત સાંજે એકાએક પ્રાંત અધિકારીની કચેરીની બાજુની ઓફીસમાં આગ ભભૂકી હતી. જ્યાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે તત્કાલ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આ આગમાં મહત્વના કાગળો ભસ્મીભૂત થઈ ગયા છે. ઘટના સમયે ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયર વિભાગની ટીમે સૌપ્રથમ જે રૂમમાં આગ લાગી હતી તે વધુ પ્રસરે નહીં તે માટે મહામુસીબતે રૂમના બારીના દરવાજા ખોલી દીધા હતા. આ બાદ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાયો હતો. ઘટનાની જાણ ખેડા જિલ્લા નાયબ કલેકટર અને નડિયાદ પ્રાંત અધિકારી, નડિયાદ નગરપાલીકાના ચીફ ઓફીસર સહિત કલેક્ટર કચેરીના અધિકારીઓ રાત્રે જ કલેક્ટર ઓફીસ ખાતે દોડી આવ્યા હતા. આ ઉપરાંત મોટી જાનહાનિ થતા ટળે એટલે નડિયાદ એમ.જી.વી.સી.એલ ની ટીમ પણ આવી પહોંચી હતી. ચીફ ફાયર ઓફિસર નડિયાદ ફાયર બ્રિગેડના દીક્ષિત પટેલે જણાવ્યું કે, અમને સ્થાનિક વ્યક્તિ દ્વારા કોલ મળતા બ્રિગેડના બે વોટર બ્રાઉઝર સહિત રેસક્યું ટેન્ડર લઈને અહીંયા દોડી આવ્યા હતા. આગ બીજા માળની રૂમમાં લાગેલ હોય સૌપ્રથમ તો આ આગ વધુ પ્રસરે નહીં તે દિશામાં પગલા લીધા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી બુઝાવી દીધી છે. રૂમમાં રાખવામાં આવેલ કાગળો, ફાઈલો સહિત અન્ય માલસામાનને નુકશાન થયું છે. ધૂમાડો એટલો અસહ્ય હતો કે તમામ ફાયર કર્મીને મોઢે રૂમાલ બાંધી કામગીરી કરવી પડી છે. આગનુ કારણ અકબંધ છે.
નડિયાદ કલેક્ટર કચેરીના બીજા માળે ઓફીસમાં આગ લાગતા ભાગદોડ મચી
By
Posted on