રાહદારીઓ સાયકલ ચાલકો અને ટુ-વ્હીલર માટે અકસ્માત થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ
પ્રતિનિધિ કપડવંજ તા 4
કપડવંજ નગરમાંથી પસાર થતા ભારે વાહનોને કારણે હાલમાં વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે. કપડવંજ શહેરમાંથી પસાર થતો ધોરીમાર્ગ નડિયાદ-કપડવંજ-મોડાસા ઉપરાંત ડાકોર અને દહેગામ ગાંધીનગરને જોડે છે. આ માર્ગો મોટા વાહનોનીની અવર જવરના કારણે અકસ્માતની ભીતી વાળા બની જવા પામ્યા છે. અને તેને લઈને નાગરિકોમાં ભયની લાગણી ફેલાઈ ગઈ છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકતું એક જાહેરનામું ગત જાન્યુઆરીમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.જેને કારણે ભારે વાહનો શહેરમાંથી પસાર થતા બંધ થયા હતા.પરિણામે પ્રજાજનોએ રાહતની લાગણી અનુભવી હતી. પરંતુ 30મી માર્ચ 2024ના રોજ આ પરિપત્રની સમયમર્યાદા પૂર્ણ થઈ જતાં પ્રજાજનો માટે હાલાકી ફરીથી શરૂ થઈ ગઈ છે. રોડની બંને બાજુ આવેલ ફૂટપાથો પર દબાણનો રાફડો હોય છે. જેને લઈને નાગરિકોને ફરજિયાત રોડ ઉપર જ ચાલુ પડે છે. જે ખૂબ જ જોખમી બનેલ છે.
આ હાઇવે સવારથી મોડી રાત સુધી ભારે વાહનો ઉપરાંત લક્ઝરી બસો, કપચીના ડમ્પરો, રેતીના ડમ્પરો, કેમિકલના વાહનો, જાયન્ટ મશીનરીના લાંબી ટ્રકો અને પ્રદૂષણ ધરાવતા કેમિકલના નિકાલ માટે જતી ટેન્કરોથી ઉભરાઈ રહ્યો છે. જે માનવ સ્વાસ્થ્ય માટે પણ મુશ્કેલીરૂપ છે.
આવા સંજોગો ઉપરાંત રસ્તાઓ ઉપરના દબાણથી ત્રસ્ત રાહદારીઓ સાયકલ ચાલકો અને ટુ-વ્હીલર માટે જગ્યા જ રહેતી નથી. પરિણામે અહીં અકસ્માત થવાની સંભાવનાઓ વધી ગઈ છે . ઉપરાંત આ વિસ્તારમાં ફુલ ટાઈમ ટ્રાફિક નિયંત્રણ પણ નહીં હોવાને કારણે વાહનચાલકોની આડા અવળી ચલાવવાની રીત ભાતને કારણે અને ચોકડી ઉપર વચ્ચે વાહનો ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામ થઈ જવા પામતો હોય છે.
આવા સંજોગોમાં સત્તાવાળાઓએ સત્વરે નિર્ણય કરી ટ્રાફિક નિયંત્રણ ઉપરાંત સવારે 08:00 થી રાત્રિના 10 સુધી ભારે વાહનો આ હાઈવે ઉપરથી પસાર થાય નહીં તે માટેનો કાયમી પ્રતિબંધ મૂકવાની લાગણી ઉઠવા પામી છે.
મહીલાઓ, વૃધ્ધો અને વિદ્યાર્થીઓ માટે મોટા વાહનોની અવરજવરથી જોખમ
કપડવંજ શહેરને જોડતા માર્ગો પર પાંચેક વિસ્તારોમાં ચાર રસ્તાઓ આવે છે. જેમાં કુબેરજી ચોકડી, ટાઉન હોલ ચોકડી, ડાકોર ચોકડી ,રેલવે સ્ટેશન ચોકડી અને ગરોડ નાકા ચોકડી અને ત્રિવેણી પાર્ક સર્કલ આવેલ છે. અને પ્રત્યેક ચોકડી ઉપર પ્રાથમિક, માધ્યમિક અને કોલેજો ઉપર જવાના રસ્તા પડે છે.આ રસ્તાઓ ઉપર દત્ત સ્કૂલ,શારદા મંદિર, સેવાસંઘ,સી એન વિદ્યાલય, આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજ, એમ.પી હાઈસ્કૂલ અને જીવનશિલ્પ જેવી અનેક શાળા મહાશાળાઓ આવેલી છે. જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણે છે. ઉપરાંત એસ.ટી.ડેપો અને અનેક દુકાનો જાહેર રોડ ઉપર આવેલ છે. એટલે પેસેન્જર સહિત ગ્રાહકો પણ હજારોની સંખ્યામાં આવન જાવન કરે છે. તદ્પરાંત કુબેરજી મહાદેવ, ઝુલેલાલ મંદિર, રત્નાકર માતા, ફુલબાઈ માતા, ઉમિયા મંદિર, બહુચરા માતાનો મઢ, સિધ્ધનાથ મહાદેવ જેવા અનેક મંદિરો આવેલા હોય મહિલાઓ અને વૃદ્ધો વધુ સંખ્યામાં અવર જવર કરે છે. ઉપરાંત નાની રત્નાકર માતા રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં જવાનો રસ્તો આ ચોકડીઓ ઉપરથી જ પસાર થાય છે. જેને કારણે મહિલાઓ વૃદ્ધો બાળકો અને યુવાનોની વધુ સંખ્યા આ રસ્તા ઉપર જોવા મળે છે.