Gujarat

મતદાનના દિવસે તાપમાં શેકાશે મતદાર: રાજ્યમાં હિટવેવની અસર, અત્યારથી યલો એલર્ટ જાહેર

અમદાવાદ: મે મહિનાના પ્રારંભ સાથે ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો છે. સવારે 9 વાગ્યાથી જ આકરો તાપ પડવા માંડયો છે. લોકો બપોરે ઘર-ઓફિસની બહાર જવાનું ટાળવા લાગ્યા છે. હવામાન વિભાગ અનુસાર હજુ ગરમી વધશે. ગરમીએ રાજકીય પક્ષોની ચિંતા વધારી દીધી છે. કારણ કે ગરમીની અસર મતદાન પર પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તા. 8 મે સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લામાં હિટવેવની અસર જોવા મળશે. તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચે તેવી દહેશત છે. મતદાનના દિવસે એટલે કે તા. 7મી મેના રોજ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં આ સિઝનની સૌથી વધુ ગરમી પડે તેવો પણ ભય છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ગુજરાતના મોટા ભાગના જિલ્લાનું તાપમાન યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છમાં મહત્તમ તાપમાન 40 ડિગરી આસપાસ રહેશે. અમદાવાદમાં 42 ડિગ્રી ગરમી પડી શકે છે. ત્યાર બાદ એટલે કે 7 અને 8 મેના રોજ ગરમી વધશે. 7 અને 8 મેના રોજ અમદાવાદમાં 43 ડિગ્રી સેલ્સિયસ પારો નોંધાઈ શકે છે. ત્યાર બાદ એકાદ ડિગ્રી તાપમાન ઘટશે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની અસર
હવામાન વિભાગના ડિરેક્ટર અશોકકુમાર દાસના જણાવ્યા મુજબ આગામી 3થી 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના ચાર જિલ્લામાં હિટવેવની અસર જોવા મળશે. કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ત્યાર બાદ અમદાવાદ અને તેની આસપાસના શહેરોમાં યલો એલર્ટ અપાયું છે.

ઉત્તર પશ્ચિમના ગરમ પવનો ફૂંકાઈ રહ્યાં છે
હવામાન વિભાગ અનુસાર હાલમાં ગુજરાત ઉપર ઉત્તર પશ્ચિમથી તરફથી ગરમ પવનો આવી રહ્યાં છે. તેથી ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાની શક્યતા છે. આગામી 5 દિવસ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાવાને લીધે લોકો અકળામણ અનુભવી શકે છે.

Most Popular

To Top