ફસાયેલા ટેમ્પોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો
બીજા વાહન ચાલકો કલાકો સુધી તાપમાં શેકાયા
વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમનના લીરેલીરા ઉડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના રેલ્વે સ્ટેશન ગરનાળા નીચેથી પસાર થઈ રહેલો આઇસર ટેમ્પો ફસાઈ જતા અન્ય વાહન ચાલકોને કલાકો સુધી હાલાકી વેઠવાની ફરજ પડી હતી. તેમજ આકરા તાપમાં શેકાવાની ફરજ પડી હતી.
વડોદરા શહેરમાં સવારે 7 થી 1 અને સાંજે 4 થી 9 વાગ્યા સુધી ભારદારી વાહનો ઉપર પ્રતિબંધ હોવા છતાં ભારદારી વાહનો શહેરમાં દોડી રહ્યા છે. ત્યારે આવા ભારદારી વાહન ચાલકો ઉપર પોલીસના આશીર્વાદ હોઈ તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. રેલવે સ્ટેશન ગરનાળા નીચેથી પસાર થઈ રહેલો આઇસર ટેમ્પો ફસાઈ ગયો હતો. કલાકો સુધી તે ફસાઈ રહેતા બીજા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. GJ23 W 2758 નંબર નું આઇસર ટેમ્પો આજે શહેરના અલકાપુરી રેલવે સ્ટેશન ગરનાળા નીચેથી પસાર થઈ રહ્યો હતો તે સમય દરમિયાન તે ગરનાળામાં ફસાઈ ગયો હતો. આ વખતે અહીંથી પસાર થઈ રહેલા બીજા વાહન ચાલકોને કલાકો સુધી તાપમાં શેકાવાનો વારો આવ્યો હતો. ભારે જહેમત બાદ આઇસર ટેમ્પોને બહાર કાઢવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા શહેરમાં સવારે 7 થી 1 અને સાંજે 4 થી 9 વાગ્યા સુધી ભારદારી વાહનો ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવા છતાં પણ આવા ભારદારી અને ઓવરહેડ વાહન ચાલકો જાહેર નામાનો સરેઆમ ભંગ કરી રહ્યા છે, છતાં પણ તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવતા પોલીસની કામગીરી સામે પણ શંકાના વાદળો ઘેરાયા છે.