ડીસા: લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આજે ગુજરાત સ્થાપના દિન ને તા. 1 મેના રોજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે ડીસાથી નરેન્દ્ર મોદીએ પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. અહીં મોદીએ વિપક્ષ વિરુદ્ધ આકરાં શબ્દો બોલતા કહ્યું હતું કે, સામેથી આવી બે-બે હાથ કરો. આ દાળભાત ખાનારો શું કરી શકે છે તે દેખાડી દેશે.
કાળઝાળ ગરમીમાં આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પ્રચાર અભિયાનનો આરંભ કર્યો છે. ડીસામાં આજે 39 ડિગ્રી ગરમી હતી. કાળઝાળ તાપ વચ્ચે ભરબપોરે મોદીની સભાનું આયોજન કરાયું હતું. લોકોને ગરમીથી બચાવવા માટે સભા મંડપમાં કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવી હતી. વડાપ્રધાન મોદી સાથે 56 નેતા સ્ટેજ પર બેસી શકશે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
ભારે તાપ વચ્ચે મોદીએ સભાને સંબોધી હતી. મોદીએ કહ્યું કે, બનાસકાંઠામાં પાણી ન મળે, મહેમાન રોકાય તો રાત્રે એવું થાય કે સવારે પાણી ક્યાંથી લાવીશું અને આજે પાણી આવ્યું છે. આજે ભાજપે ચારેકોર પાણી પહોંચતું કર્યું છે. હવે ઘેરબેઠાં પાણી મળે છે.
તાજેતરમાં ફેક વીડિયો વાયરલ થયો હતો તેનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે, ગુજરાતની પ્રજાએ ક્યારેય અહીં અસ્થિર સરકારને તક આપી નથી. કોંગ્રેસને ગુજરાતમાંથી હટાવી છે. કોંગ્રેસ પાસે મુદ્દા, વિઝન કે કામ કરવાનું જુનુન નથી. હિંમત હોય તો સામે વાર કરો આ ફેક વીડિયોની ગેમ ન રમો. સામસામે આવી બે બે હાથ કરો તો બતાવી દઈશું કે દાળ ભાત ખાવાવાળો શું કરે છે. ચૂંટણીમાં તેમની વાતો ચાલતી નથી એટલે હવે તેઓ ફેક વીડિયો વાયરલ કરી રહ્યાં છે. કોંગ્રેસ સહિત ઈન્ડિયા ગઠબંધન બોખલાઈ ગયું છે એટલે ફેક વીડિયો બનાવીને ફેલાવે છે.
વધુમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું ગુજરાતનો છું એટલે મારા માતા-પિતા વિશે ખરાબ બોલવામાં પણ તેઓએ કોઈ કસર છોડી નથી. પણ આ વખતે ચૂંટણીમાં તેમને પહેલાં કરતા ઓછી સીટોમાં સમેટીને ગુજરાતીની તાકાત બતાવી દઈશું.
ગુજરાતમાં બે દિવસમાં મોદી 6 સભા સંબોધશે
ત્રીજા તબક્કાની ચૂંટણી માટે નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. મોદી બે દિવસમાં 6 જાહેર સભાને સંબોધશે. આ 6 સભાઓમાં 14 લોકસભા મત વિસ્તારને આવરી લેવામાં આવશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતના મતદારો માટે ચૂંટણીનો પ્રચંડ પ્રચાર શરૂ કર્યો છે. મોદીએ ડીસામાં સભા સંબોધી આજથી ગુજરાતમાં પ્રચારના શ્રીગણેશ કર્યા છે. ડીસા બાદ તેઓ હિંમતનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અમદાવાદ પૂર્વ લોકસભા મત વિસ્તારમાં સભાને તો આવતીકાલે 2 મે ને ગુરુવારના દિવસે PM મોદી 4 જંગી મહાસભાને સંબોધન કરી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પ્રચાર કરશે. આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં સભાઓ કરીને આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર લોકસભા માટે પ્રચાર કરશે.