નવી દિલ્હી: મધ્ય પ્રદેશની (Madhya Pradesh) રાજધાની ભોપાલના (Bhopal) રાજા ભોજ એરપોર્ટ (Raja Bhoj Airport) પર આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ઈ મેલ દ્વારા આપવામાં આવી હતી. ઈમેલમાં ભોપાલ એરપોર્ટ તેમજ દેશના અન્ય એરપોર્ટ પર વિમાનોને બોમ્બથી ઉડાવી (Blast) દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ઇમેલ મળતા જ એરપોર્ટ ઓથોરિટીએ આ અંગે પોલીસને જાણ કરી હતી. ઓથોરિટીની ફરિયાદના આધારે ગાંધીનગર પોલીસે આ મામલે FIR નોંધી હતી. તેમજ આ મામલે કલમ 507 અને એરક્રાફ્ટ એક્ટ હેઠળ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
ભોપાલના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ઝોન-IV) સુંદર સિંહ કનેશે જણાવ્યું હતું કે “ભોપાલ એરપોર્ટ અધિકારીઓની ફરિયાદ પર ભારતીય દંડ સંહિતાની કલમ 507 (ગુનાહિત ધમકી) અને એરક્રાફ્ટ (સુરક્ષા) નિયમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.” ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસએ જણાવ્યું હતું કે, “ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે ધમકીભર્યા ઈ-મેઈલ મોકલવામાં સામેલ લોકોને પકડવાના પ્રયાસો ચાલુ છે.”
ગાંધી નગર પોલીસના જણાવ્યા અનુસાર એરપોર્ટ ઓથોરિટીની ફરિયાદ પર રિપોર્ટ લખવામાં આવ્યો છે. પોલીસે કલમ 507 અને એરક્રાફ્ટ એક્ટ હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. રાજા ભોજ એરપોર્ટના મુખ્ય સુરક્ષા અધિકારી વિશાલ કુમાર શર્મા દ્વારા ગાંધી નગર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલ છે.
ફરિયાદ અનુસાર 29 એપ્રિલના રોજ સવારે 9.37 કલાકે એરપોર્ટ ડિરેક્ટરના સત્તાવાર ઈમેલ પર એક મેઈલ આવ્યો હતો, જેમાં ભોપાલ અને દેશના અન્ય એરપોર્ટ અને દેશના વિમાનો પર બોમ્બથી હુમલો કરવાની ધમકી આપવામાં આવી હતી.
નાગપુર એરપોર્ટ ઉપર પણ બોમ્બમારાની ધમકી
સૂત્રોએ જણાવ્યું કે ઈમેલ મળ્યા બાદ અહીંના એરપોર્ટ પર વિમાનોની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ સિવાય મહારાષ્ટ્રના નાગપુર એરપોર્ટ પર બોમ્બ ફેંકવાની ધમકી મળી હતી. તેમજ ધમકી મળ્યા બાદ સુરક્ષાકર્મીઓ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.
એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું કે સાવચેતીના પગલા તરીકે એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે દેશના કેટલાક અન્ય એરપોર્ટ પર પણ આવા જ ધમકીભર્યા ઈમેલ મળ્યા છે.