બારડોલી: (Bardoli) બારડોલી ખાતે શનિવારે રખડતાં ઢોરના (Stray Cattle) હુમલાના કારણે થયેલ મૃત્યુ બાદ બારડોલીના નિવાસીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. ત્યારે હવે આ મામલે રખડતાં ઢોરના નિયંત્રણની કામગીરીમાં બેદરકારી દાખવનાર બારડોલી નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ઢોરના હુમલાથી જે વ્યક્તિનું મોત નીપજ્યું છે તેના કુટુંબીજનોને રૂ. ૨૫ લાખ વળતર આપવા અને ઘાયલ યુવકની નિ :શુલ્ક સારવાર કરવાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે પ્રાદેશિક કમિશનરને રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે બારડોલીમાં 27 એપ્રિલ શનિવારના રોજ રખડતાં ઢોરના આક્રામક હુમલાને કારણે “રાજુભાઇ બુધાભાઈ રાઠોડ” નું મૃત્યુ થયું હતું. તેમનો પુત્ર ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તે હાલમાં સારવાર હેઠળ છે. શનિવારના રોજ રાજુભાઇ રાઠોડ અને તેમના પુત્ર જૈમિન રાઠોડ જે. એમ. હાઇસ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે એક ગાય તોફાની થતાં રાજુભાઇ અને તેમના પુત્ર ઉપર હુમલો કર્યો હતો. જેને કારણે રાજુભાઇ રાઠોડનું મોત નીપજ્યું હતું. બીજી તરફ ગુલાબબેન મંગુભાઈ રાઠોડ, રહે પાદર ફળિયું,આર. ટી . ઓ . ઓફિસની સામે પોતાના ઘરનું આંગણું સાફ કરતા હતા તે સમયે ગાયે પાછળ થી માથાના ભાગે શિગડું મારતા સારવાર દરમ્યાન સ્મીમેર હોસ્પિટલ ખાતે ૨૨/૦૯/૨૦૨૩ ના રોજ તેમનું મોત થયું હતું.
દર્શન નાયકે આવેદનમાં જણાવ્યું કે બારડોલીમાં 7 મહિનામાં રખડતાં ઢોરના હુમલાને કારણે બે લોકોના મોત નિપજ્યા છે. આ પહેલા ગત સપ્ટેમ્બરમાં કાલિકા ચોકડી પાસે રખડતાં ઢોરે ચાર લોકો ઉપર હુમલો કરતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આવેદનમાં જણાવ્યા મુજબ બારડોલી ખાતે રખડતાં ઢોરોનું તોફાન ખૂબ જ વધી ગયું છે. જાહેર જનતા ઉપર રખડતાં ઢોરોના હુમલાઓ દિન-પ્રતિદિન વધી વધી રહ્યા છે. બારડોલીની જાહેર જનતાને હાલમાં રખડતાં ઢોરોને કારણે ખૂબ જ ડરી ગયેલ છે. બારડોલી નગર પાલિકાના વહીવટકર્તાઓની બેજવાબદારી ને કારણે આજે સામાન્ય જનતા ભયના માહોલ માં જીવી રહી છે. જેથી જવાબદાર વ્યક્તિ સામે પગલાં લેવા, મૃતકોના પરિવારના લોકોને 25 લાખ વળતર આપવા, આ પ્રકારની ઘટનામાં વળતરની ચોક્કસ રકમ નક્કી કરવાની માંગ કરવામાં આવી છે.