નવી દિલ્હી: કર્ણાટકનું (Karnataka) રાજનૈતીક વાતાવરણ હાલ ગરમાયું છે. બીજી બાજુ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી દેવેગૌડાનો (HD DeveGowda) પરિવાર વિવાદોમાં ઘેરાયો છે. પૂર્વ મુખ્યમંત્રીના દેવેગૌડાના ધારાસભ્ય પુત્ર એચડી રેવન્ના (67) અને સાંસદ પૌત્ર પ્રજ્વલ રેવન્ના (33) વિરુધ્ધ તેમની હાઉઝ હેલ્પરનું યૌન શોષણ (Sexual exploitation) કરવાના આરોપો લાગ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ બીજેપી નેતાએ દાવો કર્યો છે કે તેમણે ડિસેમ્બર 2023માં પાર્ટી અધ્યક્ષને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે તેમને એક પેન ડ્રાઈવ મળી હતી, જેમાં સરકારી અધિકારીઓ સહિત મહિલાઓના યૌન શોષણના લગભગ 3000 વીડિયો હતા. તેમણે આરોપ લગાવ્યો કે જનતા દળ (સેક્યુલર)ના સાંસદ પ્રજ્વલ રેવન્ના આ વીડિયો ફૂટેજ દ્વારા મહિલાઓને બ્લેકમેલ કરે છે અને તેમને વાંધાજનક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા દબાણ કરે છે.
બીજેપી નેતા દેવરાજ ગૌડાએ 8 ડિસેમ્બર 2023ના રોજ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રને આ પત્ર લખ્યો હતો. તેઓ 2023ની વિધાનસભા ચૂંટણીમાં હોલેનરસીપુરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પણ રહી ચૂક્યા છે.
કર્ણાટક મહિલા આયોગના અધ્યક્ષ નાગલક્ષ્મી ચૌધરીએ તેને રાજ્યનું સૌથી મોટું સેક્સ સ્કેન્ડલ ગણાવ્યું છે. આ દરમિયાન કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ તપાસ માટે એડીજીપી વીકે સિંહના નેતૃત્વમાં ત્રણ સભ્યોની SITની રચના કરી છે. તેમજ ફરિયાદ બાદ પોલીસે આઈપીસીની કલમ 354A, 354D, 506 અને 509 હેઠળ એફઆઈઆર નોંધી છે.
‘મહિલાઓને બ્લેકમેલ કરવામાં આવી હોવાના દાવા’
દેવરાજે પોતાના પત્રમાં કહ્યું હતું કે, પ્રજ્વલ રેવન્ના સહિત એચડી દેવેગૌડા પરિવારના ઘણા નેતાઓ પર ગંભીર આરોપો છે અને અમે જેડી(એસ) સાથે ગઠબંધનમાં છીએ. દેવરાજ ગૌડાએ કહ્યું કે પેન ડ્રાઇવમાં કુલ 2,976 વીડિયો છે અને ફૂટેજમાં દેખાતી કેટલીક મહિલાઓ સરકારી અધિકારીઓ છે. તેમજ વીડિયોનો ઉપયોગ તેમને બ્લેકમેલ કરવા માટે સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં સામેલ કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
ઘરની નોકરાણીએ ભાંડો ફોળ્યો
રવિવારે એચડી રેવન્નાના ઘરે કામ કરતી નોકરાણી દ્વારા હસન જિલ્લાના હોલેનસીપુરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો હતો અને મહિલાએ આરોપ લગાવ્યો હતો કે એસી દેવગૌડાના પુત્ર એચડી રેવન્ના અને તેના પુત્ર પ્રજ્વલ રેવન્નાએ તેણીને અને તેણીના પતિને હેરાન કર્યા હતા. તેમજ તેઓ છેલ્લા ત્રણ વર્ષથી પુત્રીનું યૌન શોષણ કરી રહ્યા હતા, આ ફરિયાદના આધારે પોલીસે એફઆઈઆર નોંધી હતી.
ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું હતું કે તેણી એચડી રેવન્નાની પત્ની ભવાનીની દૂરની સંબંધી છે અને રેવન્નાએ તેને 2015માં સરકારી હોસ્ટેલમાં નોકરાણી તરીકે નોકરી અપાવી હતી, ત્યારબાદ 2019માં રેવન્નાએ તેણીને પોતાના ઘરે રાખી હતી. ફરિયાદમાં એવું લખવામાં આવ્યું છે કે પીડિતા સાથે કામ કરતા ઘરના અન્ય નોકરોએ તેણીને એચડી રેવન્ના, ખાસ કરીને પ્રજ્વલના વર્તન વિશે ચેતવણી આપી હતી.
થોડા દિવસો પછી તે ઉત્પીડનનો શિકાર બનવા લાગી હતી. એટલું જ નહીં પણ પ્રજ્વલ તેણીની પુત્રીને વીડિયો કોલ કરીને અશ્લીલ વાતો કરવા લાગ્યો હતો, જેના પછી પીડિતાની પુત્રીએ પ્રજ્વલનો નંબર બ્લોક કરવો પડ્યો. તેણીની ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે આ પછી પ્રજવલે પીડિતા અને તેની પુત્રીને વોટ્સએપ પર અશ્લીલ વીડિયો મોકલીને ધમકી આપી અને તેમને ચૂપ કરી દીધા હતા.