નવી દિલ્હી: ગુજરાતની (Gujarat) જેમ મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) પણ કોંગ્રેસને (Congress) વધુ એક ઝટકો લાગ્યો છે. ઈન્દોર લોકસભા સીટ (Indore Lok Sabha seat) પરથી પાર્ટીના ઉમેદવાર અક્ષય કાંતિ બમે સોમવારે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું. એટલું જ નહીં કોંગ્રેસ છોડીને અક્ષય બમ ભાજપમાં જોડાઈ ગયા છે. બીજેપીના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ આ જાણકારી શેર કરી હતી.
કૈલાશ વિજયવર્ગીયએ અક્ષય બમ સાથે સેલ્ફી શેર કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું, ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમ, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ડો. મોહન યાદવના નેતૃત્વમાં ભાજપમાં જોડાયા છે. તેમજ રાજ્ય પ્રમુખ વી.ડી.શર્માએ તેમનું સ્વાગત કર્યું છે.
અક્ષય કાંતિએ કહ્યું- કોંગ્રેસ સમર્થન નથી આપી રહી?
નામાંકન પાછું ખેંચ્યા બાદ અક્ષય કાંતિ બમે કહ્યું કે જ્યારથી તેમણે ઉમેદવારી નોંધાવી છે ત્યારથી તેમને કોંગ્રેસ તરફથી કોઈ સમર્થન મળી રહ્યું નથી. જો કે રાજકીય વર્તુળોમાં એવી અટકળો પણ ચાલી રહી છે કે અક્ષય કાંતિએ ફોર્મ ભર્યું ત્યારથી કોંગ્રેસ તેના પર દબાણ કરી રહી હતી.
સુરત જેવી રમત બની શકે છે
કોંગ્રેસના ઉમેદવાર અક્ષયે ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ અહીં પણ સુરત જેવી રમત રમાય તેવી ચર્ચા છે. ખરેખર, આ પહેલા ગુજરાતના સુરતમાં પણ આવી જ ઘટના બની હતી. ત્યાં કોંગ્રેસના ઉમેદવારે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું, અન્ય પક્ષોના ઉમેદવારોની સાથે અપક્ષ ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચી હતી. જે બાદ સુરતમાં ભાજપે બિનહરીફ ચૂંટણી જીતી હતી.
કોંગ્રેસને મોટો ફટકો
ઈન્દોર લોકસભા સીટ પર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમ કે જેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. તેમને કોંગ્રેસે પ્રથમ વખત ઉમેદવાર બનાવ્યા હતા. અક્ષય કાંતિ બમ વ્યવસાયે બિઝનેસમેન છે. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે અક્ષય કાંતિ બમે ખુલાસો કર્યો હતો કે તેઓ 14 લાખ રૂપિયાની ઘડિયાળ પહેરે છે. તેમની પાસે અને તેમની પત્ની પાસે સંયુક્ત રીતે લગભગ 87 કરોડ રૂપિયાની સંપત્તિ છે.