National

સમગ્ર દેશમાં હીટ વેવનો કહેર: બંગાળમાં રેડ એલર્ટ, આ રાજ્યો માટે યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું

દેશભરમાં વધતી જતી ગરમી અને હિટવેવના (Hit Wave) કારણે જનજીવન મુશ્કેલ બન્યું છે. તાપમાન (Temperature) 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ સુધી પહોંચી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં હીટ વેવને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બિહાર અને ઝારખંડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગરમીનું મોજું આગામી ઘણા દિવસો સુધી ચાલુ રહેશે. આવનારા દિવસોમાં પારો એક બે ડિગ્રી વધશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગરમ અને ભેજવાળા હવામાનને કારણે બંગાળ અને ઓડિશામાં દિવસનું મહત્તમ તાપમાન વધુ વધવાની શક્યતા છે. સાથે જ ગરમીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. વધતી જતી ગરમી અને હીટવેવ અંગે ભારતીય હવામાન વિભાગ (IMD)ના વરિષ્ઠ વૈજ્ઞાનિક સોમા સેન રોયે જણાવ્યું હતું કે ઓડિશા પણ ગરમીના મોજાને કારણે ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યું છે. આવી જ સ્થિતિ કેટલાક દિવસો સુધી અહીં હિટવેવ રહેવાની છે. તેથી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

દેશમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાંનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ પહોંચી ગયું છે. પશ્ચિમ બર્ધમાન જિલ્લામાં આવેલા પનાગઢમાં શનિવારે પશ્ચિમ બંગાળનું મહત્તમ તાપમાન 44.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે કોલકાતામાં દિવસનું મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. એટલું જ નહીં મેદિનીપુરમાં 43.5, બાંકુરામાં 43.2, બેરકપુરમાં 43.2, બર્ધમાનમાં 43, આસનસોલમાં 42.5, પુરુલિયામાં 42.7 અને શ્રીનિકેતનમાં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

ઓડિશાના ઔદ્યોગિક નગર અંગુલમાં 44.7 ડિગ્રી સેલ્સિયસનું ઊંચું તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજ્યની રાજધાની ભુવનેશ્વરમાં 44.6 ડિગ્રી સેલ્સિયસનું ઊંચું તાપમાન નોંધાયું હતું જે આ સિઝનમાં પ્રથમ વખત 44 ડિગ્રીને વટાવી ગયું હતું. આ ઉપરાંત બારીપાડામાં મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે બૌધ, ઢેંકનાલ અને ભવાનીપટનામાં શનિવારે મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં દિવસના તાપમાનમાં ધીમે ધીમે એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની અને આગામી બે દિવસ સુધી કોઈ મોટો ફેરફાર નહીં થવાની આગાહી કરી છે.

વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીર અને તમિલનાડુમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. IMD એ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશ અને ઉત્તર તેલંગાણામાં વરસાદ અને વીજળી પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે ઉત્તરપૂર્વીય રાજ્યો અરુણાચલ પ્રદેશ, આસામ, પૂર્વી મેઘાલય, નાગાલેન્ડ અને મણિપુરમાં પણ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

Most Popular

To Top