નવી દિલ્હી: VVPATને લઈને સુપ્રીમ કોર્ટે (Supreme Court) તારીખ 26 એપ્રીલના રોજ મોટો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે આજે EVMની સાથે VVPAT નો ઉપયોગ કરીને પડેલા મતોની સંપૂર્ણ ક્રોસ-વેરિફિકેશનની (Cross-verification) માંગ કરતી તમામ અરજીઓને ફગાવી દીધી હતી. તેમજ સુપ્રીમે EVMને ક્લીન ચીટ આપી હતી.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે આ સંબંધમાં દાખલ કરવામાં આવેલી અનેક પીઆઈએલ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. અગાવ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) સંગઠન અને કેટલાક અન્ય લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેમાં EVM સાથે VVPAT સ્લિપનું 100 ટકા મેચિંગ કરવાની માંગ કરવામાં આવી હતી.
ચૂંટણી પંચે બેન્ચને કહ્યું હતું કે EVM અને VVPAT સાથે કોઈ ચેડાં શક્ય નથી. કમિશને મશીનોની સુરક્ષા, તેમની સીલિંગ અને તેમના પ્રોગ્રામિંગ વિશે પણ સર્વોચ્ચ અદાલતને જાણ કરી હતી.
શું છે સુપ્રીમ કોર્ટનો નિર્ણય?
સુપ્રીમ કોર્ટે એક મહત્વના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે મતદાન ઈવીએમ મશીન દ્વારા જ થશે. EVM-VVPAT નું 100% મેચિંગ કરવામાં આવશે નહીં. VVPAT સ્લિપ 45 દિવસ સુધી સુરક્ષિત રહેશે. તે ઉમેદવારોની સહીઓ સાથે સાચવવામાં આવશે. આ સાથે જ કોર્ટે સિમ્બોલ લોડિંગ યુનિટને સીલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
કોર્ટે પાંચ પ્રશ્નો પૂછ્યા
ઈવીએમને સંપૂર્ણ રીતે સુરક્ષિત ગણાવતા ચૂંટણી પંચે કહ્યું કે VVPAT સ્લિપ ખૂબ જ નાની અને બારીક હોય છે. કોર્ટે સુનાવણી દરમિયાન એવી પણ ટિપ્પણી કરી હતી કે દરેક બાબતમાં અવિશ્વાસ વ્યક્ત કરી શકાય નહીં. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણી પંચના અધિકારીને ઈવીએમની કામગીરી અંગે પાંચ પ્રશ્નો પૂછ્યા હતા.
આ પ્રશ્નોમાં ઈવીએમમાં સ્થાપિત ‘માઈક્રો કંટ્રોલર’ને ફરીથી પ્રોગ્રામ કરી શકાય છે કે નહીં આ અંગે પણ પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. તેમજ કોર્ટમાં હાજર થયેલા વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર નીતિશ કુમાર વ્યાસે અગાઉ ઈવીએમની કામગીરી અંગે કોર્ટમાં રજૂઆત કરી હતી. ખંડપીઠે તેમને બપોરે 2 વાગ્યે પ્રશ્નોના જવાબ આપવા માટે બોલાવ્યા હતા.
સુપ્રીમ કોર્ટની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે તેમને અમુક પાસાઓ ઉપર સ્પષ્ટતાની જરૂર છે કારણ કે ઈવીએમ અંગેના ‘ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ’ (FAQs) પર આપવામાં આવેલા જવાબો અંગે થોડી મૂંઝવણ હતી. ખંડપીઠે કહ્યું હતું કે અમને કેટલીક શંકાઓ છે અને સ્પષ્ટતાની જરૂર છે અને તેથી અમે દિશાનિર્દેશો માટે મામલાને સૂચિબદ્ધ કર્યો છે. તેમણે કહ્યું કે અમે અમારા નિર્ણયમાં તથ્યપૂર્ણ રીતે ખોટા બનવા માંગતા નથી, પરંતુ સંપૂર્ણ ખાતરી કરવા માંગીએ છીએ.