નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રમાં (United Nations) અમેરિકા (America) અને રશિયા (Russia) ફરી એકવાર સામસામે આવી ગયા હતા. થોડા દિવસો પહેલા એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રશિયા પૃથ્વીની ભ્રમણકક્ષામાં (Earth’s orbit) પરમાણુ હથિયારો તૈનાત કરવાની યોજના બનાવી રહ્યું છે.
હાલ સમગ્ર વિશ્વ યુદ્ધના સંકટનો સામનો કરી રહ્યું છે. જ્યાં એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી તરફ ઈઝરાયેલ હમાસને સતત નિશાન બનાવી રહ્યું છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે પણ તણાવ વધ્યો છે. હવે જ્યારે તમામ દેશો આ યુદ્ધોથી ચિંતિત છે, ત્યારે વિશ્વની સામે વધુ એક મોટું સંકટ ઊભું થયું છે. આ કોઇ નાનો મુદ્દો નથી, આ મુદ્દો અંતરિક્ષમાં પરમાણુ હથિયારોની તૈનાતી સાથે જોડાયેલો છે.
રશિયાએ વીટો કર્યો
રશિયાએ બુધવારે તમામ દેશોને અવકાશમાં ખતરનાક પરમાણુ હથિયારો તૈનાત કરવા રેસિંગ પર પ્રતિબંધ મૂકવાના સંયુક્ત રાષ્ટ્ર અને જાપાનના પ્રસ્તાવને વીટો કરી દીધો હતો. પંદર સભ્યોની યુએન સુરક્ષા પરિષદમાં 13 દેશોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું જ્યારે રશિયાએ તેનો વિરોધ કર્યો હતો.
ચીન આ મામલે ગેરહાજર રહ્યું હતું. તેમજ રશિયાએ આ પ્રસ્તાવને ફગાવી દીધો અને તેને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યો હતો અને કહ્યું કે દરખાસ્ત અવકાશમાં તમામ પ્રકારના હથિયારો પર પ્રતિબંધ લગાવવા સક્ષમ નથી. આ ઠરાવમાં તમામ દેશોને અવકાશમાં પરમાણુ શસ્ત્રો અથવા અન્ય કોઈ શસ્ત્રો કે જે મોટા પાયે વિનાશનું કારણ બની શકે તે તૈનાત ન કરવા માટે સૂચવવું જેઇયે.
‘આ પ્રશ્ન ઊભો થાય છે’: અમેરિકા
અમેરિકી રાજદૂત લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે મતદાન બાદ કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું કહેવું છે કે મોસ્કોનો અવકાશમાં પરમાણુ શસ્ત્રો તૈનાત કરવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ રશિયાના વીટોથી તેઓ સવાલો ઉભા કરે છે કે શું રશિયા સરકાર કંઈક છુપાવી રહી છે. તેમજ 1967ની આંતરરાષ્ટ્રીય સંધિ હેઠળ અવકાશમાં શસ્ત્રોની જમાવટ પર પ્રતિબંધ છે.
વ્હાઇટ હાઉસે ફેબ્રુઆરીમાં પુષ્ટિ કરી હતી કે રશિયાએ ઉપગ્રહ-વિરોધી શસ્ત્રોની ક્ષમતા મેળવી લીધી છે, જોકે હજુ સુધી આવા કોઈ શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. થોમસ ગ્રીનફિલ્ડ દ્વારા 18 માર્ચે દરખાસ્તની જાહેરાત કરવામાં આવી હતી. પુતિને બાદમાં જાહેરાત કરી હતી કે મોસ્કોનો અવકાશમાં પરમાણુ શસ્ત્રો તૈનાત કરવાનો કોઈ ઈરાદો નથી. તેમણે દાવો કર્યો હતો કે રશિયાએ અમેરિકા જેટલી જ અવકાશ ક્ષમતાઓ વિકસાવી છે.